શાબાશ યુવાનો!:પતિના ત્રાસથી કંટાળીને એ યુવતી સાબરમતીમાં આપઘાત કરવા દોડી, ગણતરીની મિનિટોમાં આ બે યુવકે તેને બચાવી લીધી

અમદાવાદ13 દિવસ પહેલાલેખક: ચેતન પુરોહિત
યુવતીને સાબરમતીમાં આપઘાત કરતી અટકાવનારા મોઝિફ તિરમિજ્જી અને અમાન કકુવાળા.
  • દરિયાપુરની નગીનાપોળમાં રહેતી પરિણીતા પતિના ત્રાસથી આપઘાત કરવા રિવરફ્રન્ટ દોડી ગઈ હતી
  • પતિએ કુરાન-એ-શરીફની બેવાર કસમ ખવડાવીને કાઢી મૂકી અને તેના ભાઈઓને મારી નાખવાની ધમકી આપી

અમદાવાદના જમાલપુરના મોઝિફ તિરમિજ્જી અને અમાન કકુવાળાએ એ કામ કર્યું છે, જેના માટે અમદાવાદીઓ તમને શાબાશી આપી રહ્યા છે. આ બંને યુવાનોએ વધુ એક આઈશાને આપઘાત કરી મોત વહાલું કરી લે એ પહેલાં તેને રોકીને બચાવી લીધી છે. વધુ એક આઈશા શુક્રવારે બપોરે રિવરફ્રન્ટ પર આત્મહત્યા કરવા દોડી ગઈ હતી. જોકે રિવરફ્રન્ટ પર તેને તે બે યુવાનોએ બચાવી હતી. આ બંને યુવાનો પરિણીતા આત્મહત્યા કરતી હોવાનું જાણ થતાં જ ગણતરીની મિનિટોમાં પહોંચીને તેનો જીવ બચાવ્યો હતો.

બહેન રોડ પરથી ભાગીને રવિવાર બજાર દોડ્યાં
તિરમિજ્જીએ જણાવ્યું હતું કે પતંગબજારમાં રહેતા મોહસિનભાઈનો ફોન આવ્યો કે છોકરી જઈ રહી છે, એટલે તું ફટાફટ પહોંચ. ત્યાં પહોંચીને મેં અને મારા મિત્ર અમાન કકુવાળાએ બહેનને બચાવ્યા. બહેન રોડ પર ભાગ્યા પછી ત્યાંથી નીચે રોડ પર આવ્યા, રવિવારી બજાર, ત્યાં તેમનું કાઉન્સેલિંગ કરીને પોલીસને જાણ કરી હતી. બહેન એટલાં ટેન્શનમાં હતાં કે બસ, મારે મારું બાળક આપી દો. મારો હસબન્ડ ના કહે છે. મારે હવે તેને રાખવી નથી. મને મારાં મમ્મી-પપ્પા પાસે રાજસ્થાન મોકલી દો.

પતિના ત્રાસથી મોતને વહાલું કરવા પરિણીતા સાબરમતી દોડી ગઈ હતી.
પતિના ત્રાસથી મોતને વહાલું કરવા પરિણીતા સાબરમતી દોડી ગઈ હતી.

જાગ્રત નાગરિકનું કર્તવ્ય નિભાવ્યું
અમાન કકુવાળાએ જણાવ્યું હતું કે અમે જાગ્રત્ત નાગરિક તરીકે અમારી ફરજ અદા કરી છે. અમને એક પરિચિત વ્યક્તિએ આ અંગેની જાણ કરી હતી અને અમે એક ક્ષણની પણ રાહ જોયા વગર કોઈનો જીવ બચે એ માટે ત્યાં પહોંચી ગયા હતા. યુવતી એ સમયે ખૂબ રડી રહી હતી, તેની આંખોમાં ચોધાર આંસુ હતાં. ત્યાર બાદ અમે પોલીસને જાણ કરી અને પોલીસ આવતાં તેને સહીસલામત પોલીસ સ્ટેશન પહોંચાડી હતી. કોઈનો જીવ બચાવો એ ખૂબ મોટી વાત છે. મેં આજે એક મહિલાનો જીવ બચાવીને અમને ખૂબ આનંદ થઈ રહ્યો છે.

પરિણીતા દરિયાપુર વિસ્તારની પોળમાં રહે છે
આપઘાત કરવા જતી યુવતીને લોકોએ બચાવી લીધી હતી. ત્યાર બાદ ત્યાં હાજર લોકો પૈકીની એક વ્યક્તિએ આપઘાત કરવા પાછળનું કારણ પૂછતાં તેણે પોતે ક્યાંથી છે અને કેમ આપઘાત કરવા માગતી હતી એ સહિતની માહિતી આપી હતી. પીડિતાએ જણાવ્યું હતું કે પોતે દરિયાપુર વિસ્તારની નગીનાપોળમાં રહે છે. તેના હસબન્ડના પ્રોબ્લેમને કારણે આપઘાત કરવા પહોંચી હતી.

14 વર્ષની ઉંમરે જ લગ્ન થઈ ગયા!
યુવતીએ જણાવ્યું હતું કે તેના લગ્ન 14 વર્ષની હતી ત્યારે થઈ થયા હતા અને મૂળ રાજસ્થાનના ટોંકની છે. પતિ બે દિવસથી કુરાન-એ-શરીફની કસમ ખાવાનું મને કહે છે અને કહે છે કે હવે જાય તો પાછી ન આવતી. હું નહીં બોલાવું. કુરાન-એ-શરીફની બેવાર કસમ ખાઈ લીધી. મારે નથી રહેવું, મારે નથી રહેવું એમ કહે છે. તે કહે છે કે તારા ઘરવાળા શીખવાડે છે, તારા ભાઈઓને મારી નાખીશ. હું અહીંનો દાદા છું, ગુંડો છું.

આઈશાએ એક વર્ષ અગાઉ સાબરમતીમાં કૂદીને આપઘાત કર્યો હતો.
આઈશાએ એક વર્ષ અગાઉ સાબરમતીમાં કૂદીને આપઘાત કર્યો હતો.

પતિ સાથે ઝઘડો થતાં આપઘાત કરવા સાબરમતી ગઈ
અચાનક મહિલા દોડતાં આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા હતા, જેમને મહિલાને બચાવી લીધી હતી. આ મહિલા ખૂબ પરેશાન હતી, તેની આંખોમાંથી ચોધાર આંસુઓ વહી રહ્યાં હતાં. ત્યારે આ મહિલા કહી રહી હતી કે મારા લગ્ન નાની ઉંમરે થઈ ગયા છે. મારા પતિ સાથે મારો ઝઘડો છે, જેથી હું આત્મહત્યા કરવા આવી છું. આ સમગ્ર વાતની જાણ રિવરફ્રન્ટ પોલીસને થઈ હતી.

યુવતીનું રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે કાઉન્સેલિંગ કર્યું
રિવરફ્રન્ટ પોલીસની ટીમ તાત્કાલિક આ બનાવની જગ્યાએ પહોંચી ગઈ હતી અને પરિણીતાને લઈને પોલીસ સ્ટેશન પહોંચી છે. જ્યાં મહિલા પાસેથી વિગત જાણવા પ્રયાસ કર્યો હતો. તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. રિવરફ્રન્ટ ઇસ્ટના પોલીસ-ઇન્સ્પેક્ટર ઝાલાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે અમે હાલ મહિલાને લાવ્યા હતા. તેની સાથે અમારા સ્ટાફે વાત કરી હતી અને કયા સંજોગોમાં મહિલા આવી હતી, એની તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...