ગટરમાં દુર્ઘટના:અમદાવાદના બોપલમાં ગટર સાફ કરવા ઉતરેલા બે ભાઈ, કાકાનું મોત

અમદાવાદ2 મહિનો પહેલા
ફાયર વિભાગના કર્મચારીઓએ દટાયેલા મજૂરોને બહાર કાઢવા જહેમત ઉઠાવી હતી
  • બોપલ ડીપીએસ સ્કૂલ પાસે ડ્રેનેજ લાઈનની સફાઈ અને ફિટીંગનું કામ ચાલી રહ્યું હતું
  • પ્રેસર સાથે ગેસ અને પાણી નીકળતાં એક ભાઈ ગરકાવ થઇ ગયો તો બીજો ભાઈ અને કાકા બચાવવા ગટરમાં ઉતર્યા હતા
  • બોપલ પોલીસે આ ઘટનામાં પેટા કોન્ટ્રાક્ટર હિંમતભાઈની ધરપકડ કરી છે.

બોપલ ડીપીએસ સ્કૂલની પાછળ આવેલી ગટરમાં કોઇ પણ પ્રકારની સેફટી વગર ઉતરેલા 2 સગા ભાઈ અને કાકા ગરકાવ થઇ ગયા હતા. જેમાંથી બે સગા ભાઈઓ અને કાકાનું મોત થયું છે. ગટરનું ઢાંકણું ખોલતાની સાથે જ તેમાંથી પ્રેશર સાથે પાણી અને ગેસ બહાર આવ્યો હતો. જેમાં એક ભાઈ ગરકાવ થઇ જતા તેને બચાવવા માટે બીજો ભાઈ અને કાકા પણ ઉતર્યા હતા.

બોપલ ડીપીએસ સ્કૂલની પાછળ ટીપી - 1 થી સન ઓપ્ટીકા સુધીમાં ભૂગર્ભ ગટર લાઈન બનાવવામાં આવી છે. ચોમાસાના કારણે તે ગટરના ઢાંકણા બંધ કરી દેવાયા હતા. ગુરુવારે સવારે કોન્ટ્રાકટરે 3 મજૂર રાજુભાઈ મેડા(25) તેનો ભાઈ સંદીપભાઈ મેડા(33) અને કાકા ભરતભાઈ મેડા(53)ને ગટરનાં ઢાંકણાં ખોલવાનું કામ સોંપ્યુ હતું.

ઘટના સ્થળે લોકોની ભીડ એકઠી થવા માંડી હતી
ઘટના સ્થળે લોકોની ભીડ એકઠી થવા માંડી હતી

સંદીપ ગટરનું ઢાંકણું ખોલી રહ્યો હતો ત્યારે ઢાંકણું ખોલતાની સાથે જ તેમાંથી પ્રેશર સાથે પાણી અને ગેસ બહાર આવ્યો હતો. જેથી ગૂંગળામણ થવાથી સંદીપ ગટરમાં પડી ગયો. સંદીપને બચાવવા માટે તેના કાકા ભરતભાઈ ગટરમાં ઉતરતા તે પણ ગટરમાં ગરકાવ થઇ ગયા હતા. તે બંનેને બચાવવા માટે રાજુ પણ ગટરમાં ઉતર્યો હતો.

ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમો પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. રાજુ અને ભરતભાઈને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. થોડા સમય બાદ સંદિપ પણ મળી આવ્યો હતોપરંતુ તેનું પણ મોત થયું. બોપલ પોલીસે કોન્ટ્રાકટર અને લેબર સુપર વાઈઝર વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ફાયર વિભાગ અને 108ની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી
ફાયર વિભાગ અને 108ની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી

50 ફૂટની લાઈન કાપીને બહાર કઢાયા
આ ગટરની લાઈન 50 ફૂટ જેટલી લાંબી છે. ગટરમાં ગરકાવ થયેલા ત્રણેયની શોધખોળ કરી એક ભાઈ અને કાકાને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ બીજોભાઈ મળ્યો ન હતો. જેથી થોડે આગળ બીજો કટ મૂકીને તેની શોધખોળ કરી બહાર કઢાયો હતો.

ફાયર વિભાગે ત્રીજા મજુરને શોધવા પાઈપ પોઈન્ટ પાસે ખોદકામ કર્યું હતું.
ફાયર વિભાગે ત્રીજા મજુરને શોધવા પાઈપ પોઈન્ટ પાસે ખોદકામ કર્યું હતું.

કોન્ટ્રાક્ટર-સુપરવાઈઝર સામે ફરિયાદ Dy.SP કે.ટી.કામરિયાએ જણાવ્યું હતું કે, ગટરનાં ઢાંકણા ખોલવાનો કોન્ટ્રાકટ યોગી કન્સ્ટ્રક્શન કંપનીને સોંપવામાં આવ્યો હતો. જેના મેઈન કોન્ટ્રાકટર સંકેતભાઈ પટેલ છે જ્યારે લેબર સુપરવાઈઝર હિંમતભાઈ લાભુભાઈ પટેલ છે. જો કે આ બંનેએ સેફટીના કોઇ પણ સાધન આપ્યા વગર જ ત્રણેય મજૂરોને ગટરમાં ઉતાર્યા હતા. જેના કારણે તેમને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

મજૂરોની સલામતીનું ધ્યાન રાખતું નથી
ગટરમાં કોઇ પણ મજૂર સફાઈ કરવા ઉતરે તો તેને તેના માટેના સ્પેશિયલ કપડાં, ઓકિસજન માસ્ક, હેલ્મેટ, હેડ ટોર્ચ, રસા સાથે જ ગટરમાં ઉતારવા. પરંતુ કોન્ટ્રાકટરો કોઇ પણ પ્રકારની સલામતીના સાધનો સાથે રાખ્યા વગર જ મજૂરોને ગટરમાં ઉતારે છે. જો કે બોપલની ઘટનામાં પણ કોન્ટ્રાકટર અને લેબર સુપરવાઈઝરે ત્રણેય મજુરોને સલામતીના કોઇ સાધન આપ્યા ન હતા.