સુપરિન્ટેન્ડન્ટે લાંચની માગણી કરી:સેલ્ફ સીલની મંજૂરી માટે 25 હજાર લાંચ લેતાં કસ્ટમ ઓફિસર સહિત બે ઝડપાયા

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • એક્સપોર્ટ કંપની પાસે સેલ્ફ સીલિંગની પરમિશન આપવા રૂપિયા માગ્યા હતા
  • અધિકારીએ 30 હજાર માગ્યા હતા, અંતે 25 હજાર આપવાનું નક્કી થયું હતું

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની ટીમે અમદાવાદના કસ્ટમ સુપરિન્ટેન્ડન્ટ અને તેમના મળતિયાને 25 હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધા હતા. એક એક્સપોર્ટ કંપનીને સેલ્ફ સીલિંગ પરમિશન આપવાના બદલામાં કસ્ટમ સુપરિન્ટેન્ડન્ટે લાંચની માગણી કરી હતી, જે મામલે ગાંધીનગર એસીબી દ્વારા ગુનો દાખલ કરી લાંચનું છટકું ગોઠવી બંને આરોપીને ઝડપી લીધા હતા.

સીબીઆઈના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રજિસ્ટર્ડ ઓફિસ ધરાવતી એક્સપોર્ટ કંપનીને પોતાની કામગીરી સરળ રહે તે માટે કંપનીના મેન્યુફેક્ચરિંગ યુનિટ ખાતે માલનું સેલ્ફ સીલિંગ કરવા માટેની પરમિશનની જરૂરિયાત ઊભી થઈ હતી. આ સંદર્ભે કંપનીએ કસ્ટમ ડિપાર્ટમેન્ટમાં કાર્યવાહી હાથ ધરી હતી અને જરૂરી દસ્તાવેજો અમદાવાદની સ્થાનિક કસ્ટમ કચેરી ખાતે રજૂ કર્યા હતા.

આ કામગીરી કરી રહેલી એક કર્મચારીને કસ્ટમ સુપરિન્ટેન્ડન્ટ સુનીલ મેનને ફોન કરીને જાણ કરી હતી કે, કંપનીની સીલિંગ પરમિશન તૈયાર થઈ ગઈ છે. આ મામલે કર્મચારીએ પૂછ્યું હતું કે, તેમના ઓફિસ સ્ટાફને આવવાની જરૂર છે કે પછી પરમિશન ડિસ્પેચ કરી દેવાશે . જોકે કસ્ટમ સુપરિન્ટેન્ડન્ટે કહ્યું હતું કે, તમારી ઓફિસમાંથી કોઈએ પરમિશન લેવા માટે અમારી ઓફિસે આવવું પડશે.

આ દરમિયાન એક્સપોર્ટ કંપનીનો એક કર્મચારી આશ્રમ રોડ સ્થિત કસ્ટમ સુપરિન્ટેન્ડન્ટની ઓફિસે પહોંચ્યો હતો જ્યાં સુપરિન્ટેન્ડન્ટ સુનીલ મેનને સીલિંગ પરમિશન આપવા 30 હજારની લાંચ માગી હતી. જોકે રકઝકના અંતે 25 હજારમાં પતાવટ કરવાનું નક્કી થયું હતું. આ મામલે કર્મચારીએ એક્સપોર્ટ કંપનીના પાર્ટનરને જાણ કરી હતી. ત્યાર બાદ આ મામલે સીબીઆઈ ગાંધીનગરને કંપનીના પાર્ટનરે જાણ કરી હતી અને આ મામલે ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે સીબીઆઈની એક ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું, જેમાં કસ્ટમ સુપરિન્ટેન્ડન્ટ (પાલડી ડિવિઝન) સુનીલ મેનન અને તેમના મળતિયા ખાનગી વ્યક્તિ પ્રવીણ વાઘેલા બંને 25 હજાર સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા.

સુપરિન્ટેન્ડન્ટના ઘર, વતનમાં સર્ચ કરાયું
સીબીઆઈની ટીમે કસ્ટમ સુપરિન્ટેન્ડન્ટ સુનીલ મેનન અને તેમના મળતિયાને રૂ. 25 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા બાદ તેમના અમદાવાદના નિવાસસ્થાને તેમ જ તેમના વતન કેરળ ખાતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં કેટલાક વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતંુ.

અન્ય સમાચારો પણ છે...