બજારો ખૂલતા ચોર ટોળકી સક્રિય:અમદાવાદના લાલદરવાજાથી ત્રણ દરવાજા વચ્ચે પર્સ ચોરીના બે બનાવ, બે મહિલાનાં પર્સ ચોરાયાં

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • અજાણી સ્ત્રીઓ સામે કારંજ પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોંધાઈ

કોરોનાની બીજી લહેરમાં કેસની સંખ્યામાં ઘટાડો થતા બજાર અને જાહેર સ્થળો પર આપેલી છૂટછાટનો ચોર ટોળકીએ લાભ લેવાનું શરૂ કરી દીધું છે. લાલદરવાજાથી ત્રણ દરવાજા સુધીના વિસ્તારમાં 2 મહિલાના પર્સમાંથી રોકડ રકમની ચોરીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

કાલુપુરમાં રહેતા રેખાબેન પ્રજાપતિના ઘરે લગ્ન હોવાથી ગુરુવારે તેઓ દીકરી સાથે ત્રણ દરવાજા પાસે બગસરાની ચીજ વસ્તુની ખરીદી કરતાં હતાં. તે સમયે એક મહિલા તેમની નજીક ઊભી રહી હતી અને વારેઘડીએ તેમને અડતી હતી. દરમિયાન રેખાબેને વસ્તુના પૈસા ચૂકવવા પર્સ કાઢતાં તેમની થેલીમાં પર્સ ન હતું. જેથી પર્સ અને રૂ. 3500ની ચોરી અજાણી મહિલાએ કર્યાની ફરિયાદ રેખાબેને કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

બીજી ઘટનામાં સુરેન્દ્રનગરમાં રહેતા ચેતના પટેલ અમદાવાદ દવા લેવા આવ્યાં હતાં. દરમિયાન ગુરુવારે બપોરે લાલદરવાજા બહુચરમાતાના મંદિર પાસે ખરીદી કરતાં હતાં. ત્યારે તેમની પાસેના લેડિઝ હેન્ડબેગમાં મુકેલા રોકડા રૂ. 3 હજાર ભરેલું પર્સ બે અજાણી સ્ત્રીઓ નજર ચૂકવીને લઈ ગઈ હતી. આ અંગે ચેતનાબેને કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મીરઝાપુરમાં વેપારીની નજર ચૂકવી ગઠિયા ફોન ચોરી ફરાર
મીરઝાપુર ત્રણ ખૂણિયા બગીચા પાસેથી પાલડીમાં રહેતાં વેપારી એક્ટિવા પર ઘીકાંટાથી મોટું કોરોગેટેડ સેમ્પલ બોક્સ લઈને ઘરે જતા હતા. તે વખતે અન્ય વાહન પરના બે જણાંએ તેમને રોકીને કહ્યું હતું કે, આટલું મોટું બોક્સ લઈને ક્યાં જાવ છો? આગળ પાછળ વાહનોને અડી જશે તો અકસ્માત થશે. પાછળ બેઠેલી વ્યક્તિએ તેમની પાસે આવીને બરાબર એક્ટિવા ચલાવો તેમ કહી, તેમનો કોલર પકડીને તેનો રૂમાલ તેમના શર્ટના ખિસ્સામાં મુકી દઇ, બંને ત્યાથી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ વેપારીએ ખિસ્સામાં જોતાં ફોન ન હતો. વેપારીએ કારંજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...