મેઘમહેર:અમદાવાદમાં વહેલી સવારથી ગાજવીજ સાથે બે કલાકમાં બે ઇંચ વરસાદ, આગામી પાંચ દિવસ મધ્યમ વરસાદની આગાહી

અમદાવાદ9 મહિનો પહેલા
અમદાવાદમાં મેઘરાજા મહેરબાન.
  • મધરાતે 3.15 વાગે અડધો કલાક સુધી કાળજું કંપાવનારી વીજળીના કડાકાભડાકાએ અમદાવાદીઓને ગભરાવી દીધા
  • શહેરમાં વટવા, રામોલ વિસ્તારમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો

રાજ્યમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થયો છે. ત્યારે કોરા ધાકોર રહેલા અમદાવાદમાં ગઈકાલથી જબરદસ્ત વરસાદ શરૂ થયો છે. આજે વહેલી સવારે કડાકાભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. શહેરમાં એસજી હાઈવે, સેટેલાઈટ, વેજલપુર, મકરબા, બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાંદખેડા, ગોતા, બાપુનગર, સરસપુર, મણિનગર, વસ્ત્રાલ સહિતના અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમમાં વરસાદ વરસી રહ્યો છે. સોમવારે રાત્રે શહેરમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો. કાળજું કંપાવી દે એવા કડાકાથી શહેરીજનોમાં ફફડાટ ફેલાયો હતો.

વટવા, રામોલ વિસ્તારમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસ્યો
વટવા, રામોલ વિસ્તારમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસ્યો. વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો. મણિનગર, ઓઢવ, વિરાટનગર સહિતના વિસ્તારોમાં એક ઇંચ આસપાસ વરસાદ પડ્યો હતો. સવારે બે કલાક વરસાદ પડ્યા બાદ અનેક જગ્યાએ પાણી ભરાયાં હતાં. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. ગોતા, રાણીપ, ન્યૂ રાણીપ, સુભાષબ્રિજ, ચાંદખેડા, મોટેરા, જગતપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પૂર્વના નિકોલ, નરોડા, કુબેરનગર, કૃષ્ણનગર, એસપી રિંગ રોડ ઓર ભારે વરસાદ પડી રહ્યો છે.

સોમવારથી જ વરસાદે અમદાવાદને ધમરોળવાનું શરૂ કર્યું.
સોમવારથી જ વરસાદે અમદાવાદને ધમરોળવાનું શરૂ કર્યું.

વાડજમાં સ્વાગત એપાર્ટમેન્ટના ધાબા પર વીજળી પડી
શહેરના અનેક વિસ્તારોમાં સોમવાર બપોરના 3 વાગ્યાની આસપાસ ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદ દરમિયાન વીજળીના કડાકાભડાકા પણ થયા હતા. આ દરમિયાન વાડજ વિસ્તારમાં આવેલા સ્વાગત એપાર્ટમેન્ટના બી-6 બ્લોકના ધાબા પર વીજળી પડી હતી. વીજળી પડતાં જ ધાબાની દીવાલમાં સામાન્ય નુકસાન થયું હતું, જેમાં ઓવરહેડ ટાંકી તૂટી ગઇ હતી, સાથે સાથે 12 ફલેટમાં વીજઉપકરણો બંધ થઇ ગયાં હતાં. ફ્લેટની બહારની દીવાલ જાણે આગ લાગી હોય એ રીતની કાળી થઈ ગઈ હતી. જાણે પ્રચંડ વિસ્ફોટ થયો હોય એવો અવાજ આવતાં એપાર્ટમેન્ટના રહીશોમાં ફફડાટ વ્યાપ્યો હતો. શહેરમાં રાતનો માહોલ ખૂબ જ ડરાવનારો હતો. વીજળીના કડાકાભડાકા સાથે વરસી રહેલા વરસાદને કારણે લોકોની ઊંઘ ઊડી ગઈ હતી.

અમદાવાદમાં સીઝનનો 24.41 ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે
ચોમાસાની વર્તમાન સીઝન દરમિયાન અમદાવાદમાં 24.41 ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. હજુ વરસાદની 43% ઘટ છે. જોકે રાહતની વાત એ છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં આગામી પાંચ દિવસ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. વાસણા બેરેજનું હાલનું લેવલ 129.75 ફૂટ પર છે. વાસણા બેરેજના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. શહેરના વિરાટનગરમાં સૌથી વધુ 55 મિમી, ઓઢવમાં 57 મિમી, ચકુડિયામાં 48 મિમી, ઉસ્માનુપરામાં 25 મિમી, પાલડીમાં 22 મિમી, રાણીપમાં 23 મિમી, દાણાપીઠ અને દૂધેશ્વરમાં 26 મિમી વરસાદ નોંધાયો હતો.

શહેરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થયો.
શહેરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થયો.

વરસાદે સમગ્ર શહેરને રાત્રે ધમરોળ્યું
રાત્રે 9 વાગ્યા પછી નારોલથી નરોડાના પટ્ટામાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વટવા, ઘોડાસર, મણિનગર, ખોખરા, વસ્ત્રાલ, ઈન્ડિયા કોલોની, બોપલ, વેજલપુર, ઘાટલોડિયા સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. પાલડી, ટાગોર હોલ ખાતે 22 મિમી, ઉસ્માનપુરામાં 25 મિમી, જોધપુરમાં 17 મિમી, સરખેજમાં 20 મિમી વરસાદ નોંધાયો હતો. આશ્રમરોડ, મેમનગર, સાયન્સસિટી, બોપલ, વસ્ત્રાપુર, ગોતા, ઘાટલોડિયા, વગેરે વિસ્તારોમાં વરસાદનું જોરદાર ઝાપટાં વરસવાનું ચાલુ રહ્યું હતું.

અમદાવાદમાં અત્યારસુધીના વરસાદની ઝોન પ્રમાણેની સ્થિતિ

ઝોનવરસાદ (ઈંચ)
પૂર્વ26.58
પશ્ચિમ21.19
ઉ. પશ્ચિમ22.26
દ.પશ્ચિમ22.9
મધ્ય25.42
ઉત્તર24.25
દક્ષિણ28.21
અમદાવાદ24.4