વર્ષ 2021 માટે દેશની 10 સૌથી અમીર મહિલાઓની યાદીમાં બે ગુજરાતી મહિલાઓનો સમાવેશ થાય છે. નાયકાનાં ફાઉન્ડર અને સીઇઓ ફાલ્ગુની નાયર 2020માં 10મા રેન્ક પરથી 2021માં સીધા બીજા રેન્ક પર પહોંચી ગયાં છે. ગુજરાતી મૂળનાં જ કિરણ મજુમદાર-શૉને પછાડીને તેમણે બીજો રેન્ક મેળવ્યો છે. બાયોકોન કંપનીનાં ફાઉન્ડર અને સીઇઓ કિરણ મજુમદાર-શૉની સંપત્તિમાં 21 ટકાનો ઘટાડો નોંધાયો છે જેના કારણે તેમને એક રેન્કનું નુકસાન થયું છે. કોટક પ્રાઇવેટ બેન્કિંગ હુરુન- લીડિંગ વેલ્થ વુમન લિસ્ટમાં પહેલા રેન્ક પર એચસીએલ ટેક્નોલોજીનાં ચેરપર્સન રોશની નાદર મલ્હોત્રાએ સતત બીજા વર્ષે સ્થાન પ્રાપ્ત કર્યું છે. 54 ટકા સંપત્તિમાં વધારા સાથે તેમની કુલ સંપત્તિ રૂ. 84,330 કરોડે પહોંચી ગઈ છે.
હુરુન લીડિંગ વેલ્ધી વુમન 2021ની યાદીમાં ટૉપ 100માં ગુજરાતની માત્ર બે મહિલાઓને સ્થાન મળ્યું છે. રૂ. 3830 કરોડની સંપત્તિ સાથે એસ્ટ્રલ કંપનીની જાગૃતિ સંદીપ એન્જિનિયર 17મા રેન્ક પર છે. તેમની સંપત્તિમાં 149 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે રૂ. 450 કરોડની સંપત્તિ સાથે અનુપમ રસાયણ ઈન્ડિયા કંપનીનાં મોના આનંદ દેસાઈ 81મા રેન્ક પર છે. તેમની સંપત્તિમાં 29 ટકાનો વધારો થયો છે.
મુંબઇમાં ઉછરેલાં ફાલ્ગુની મહેતા લગ્ન બાદ ફાલ્ગુની નાયર બન્યાં હતાં. ફાલ્ગુની નાયરનાં દાદી કમળાબેન, દાદા રતિલાલ મહેતાની હવેલી આજે પણ મોરબીના હળવદમાં છે. ફાલ્ગુનીએ મુંબઇ યુનિવર્સિટીમાંથી બી.કોમ.માં ગ્રેજ્યુએટ થયા બાદ અમદાવાદ આઇઆઇએમમાંથી એમબીએ કર્યું હતું. 1987ના મે મહિનામાં ફાલ્ગુનીએ સંજય નાયર સાથે લગ્ન કર્યાં હતાં. તેમને એક દીકરો અંકિત અને એક દીકરી અદ્રિતા છે. બંને સંતાનો પણ નાયકામાં માતા સાથે કામ કરી રહ્યાં છે. સંજય સાથે ફાલ્ગુનીની મુલાકાત અમદાવાદ આઇઆઇએમમાં જ થઇ હતી. ફાલ્ગુનીના પિતા બેરિંગ કંપની ચલાવતા હતા. બેન્કની મોટા પગારની નોકરી છોડી 2012માં નાયકા કંપની શરૂ કરી હતી.
હુરુનની ધનિક મહિલાઓની યાદી કિરણ શૉની સંપત્તિ 21% ઘટી, 1 રેન્ક ઘટી
રેન્ક | નામ | સંપત્તિ (રૂ. ) | તફાવત | કંપની | શહેર |
1 | રોશની નાદર મલ્હોત્રા | 84,330 કરોડ | 0.54 | એચસીએલ ટેક્નો. | નવી દિલ્હી |
2 | ફાલ્ગુની નાયર | 57,520 કરોડ | 9.63 | નાયકા | મુંબઈ |
3 | કિરણ મજુમદાર-શૉ | 29,030 કરોડ | -21% | બાયોકોન | બેંગલુરુ |
4 | નિલીમા મોટાપત્રી | 28,180 કરોડ | 0.51 | દિવિસ લેબ્સ | હૈદરાબાદ |
5 | રાધા વેમ્બુ | 26,260 કરોડ | 127% | ઝોહો | ચેન્નઈ |
6 | લીના ગાંધી તિવારી | 24,280 કરોડ | 0% | યૂએસવી | મુંબઈ |
7 | અનુ આગા અને મેહેર પદમજી | 14,530 કરોડ | 148% | થરમેક્ષ | પુણે |
8 | નેહા નારખેડે | 13,380 કરોડ | નવી એન્ટ્રી | કૉન્ફ્લુઅન્ટ | પાલો અલ્ટો |
9 | વંદના લાલ | 6,810 કરોડ | 102% | ડૉ. લાલ પેથોલેબ્સ | નવી દિલ્હી |
10 | રેણુ મુંજાલ | 6,620 કરોડ | -24% | હીરો ફિનકોર્પ | નવી દિલ્હી |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.