PMOના નકલી અધિકારી કેસમાં ઘટસ્ફોટ:મહાઠગ કિરણ પટેલ સાથે બે ગુજરાતી પણ મહેમાનગતિ માણી આવ્યા, કાશ્મીરના IPS-IASને ક્રીમ પોસ્ટની લાલચ આપી

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

PMO અધિકારી તરીકેની ઓળખ આપીને કાશ્મીરમાં Z+ સુરક્ષા કવચ સાથે બુલેટપ્રુફ કારમાં ફરનારો કિરણ પટેલ અંતે મહાઠગ હોવાનો ભાંડો ફૂટી ગયો છે. તેની ધરપકડ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા બાદ જમ્મુ-કાશ્મીરની પોલીસ તપાસ માટે અમદાવાદના મણિનગરમાં આવી હતી. કિરણે PMO અધિકારીનું નકલી આઇકાર્ડ બતાવીને વિઝિટિંગ કાર્ડ છપાવ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. વધુમાં આ મહાઠગ સાથે કાશ્મીરમાં અન્ય ત્રણ શખસની સંડોવણી હોવાનું પણ ખુલ્યું છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં બે મહિના પહેલાં થયેલી IPS અને IAS અધિકારીઓની ખૂબ મોટાપાયે બદલી તેણે કરાવી છે. જેમાં તેણે એક મોટો સોદો પણ નક્કી કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે.

મહાઠગ સાથે અન્ય બે ગુજરાતીએ પણ મજા માણી
PMO અધિકારી હોવાની ખોટી ઓળખ ઊભી કરીને કાશ્મીરમાં VVIP સુરક્ષા મેળવનાર અને ફાઈવસ્ટાર હોટલમાં રોકાણ કરનારા કિરણ પટેલને જમ્મુ-કાશ્મીરની નિશાત પોલીસે પકડી લીધો છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, કાશ્મીરમાં અધિકારી બનીને કિરણ પટેલ એકલો જ નહીં પણ પોતાની નકલી અધિકારીઓની ટીમ લઈને ફરતો હતો. તેની સાથે અન્ય ત્રણ લોકો પણ PMO અધિકારી બનીને ગયા હતા. જેમાં ગુજરાતના અમિત હિતેશ પંડ્યા, જય સીતાપરા અને રાજસ્થાનનો ત્રિલોક સિંઘ તેની સાથે હતા. આ ત્રણેય લોકો કિરણ સાથે PMO અધિકારીની ટીમની ઓળખ આપીને શ્રીનગરની ફાઈવસ્ટાર હોટલમાં રોકાયા હતા. તેની સાથે મજા માણનારા ગુજરાતના બે શખસો મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

મણિનગરની આકાંક્ષા ક્રિએશન નામની દુકાનમાં તપાસ
મહાઠગ કિરણને પકડ્યા બાદ જમ્મુ-કાશ્મીરની પોલીસ તપાસ કરવા અમદાવાદ આવી હતી. જેમાં કિરણ પટેલે PMO અધિકારી તરીકેનું વિઝિટિંગ કાર્ડ જ્યાં છપાવ્યું હતું તે મણિનગરની આકાંક્ષા ક્રિએશન નામની દુકાનમાં તપાસ કરી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું કે, કિરણે સરકારી અધિકારી તરીકે નકલી આઈકાર્ડ બતાવીને વિઝિટિંગ કાર્ડ બનાવ્યું હતું.

J&K પોલીસ સાથે કિરણ પટેલની તપાસમાં ગુજરાત ATS જોડાયું, ટીમ જમ્મુ-કાશ્મીર પહોંચી...વાંચવા અહીં ક્લિક કરો.

સફરજન અને કેસરના મોટા વેપારીઓ સાથે મિટિંગ
શ્રીનગરની ધ ગ્રાન્ડ લલિત ફાઈવસ્ટાર હોટલમાં કિરણ પટેલના રિમાન્ડ દરમિયાન શ્રીનગર પોલીસને અનેક ચોંકાવનારી વિગતો મળી છે. જેમાં તેણે કાશ્મીર વેલીની મુલાકાત સમયે કેટલાક IPS અને IAS અધિકારીઓ પર રોફ જમાવાવ માટે કહ્યું હતું કે, કાશ્મીરમાં બે મહિના પહેલાં IPS અને IAS અધિકારીઓની ખૂબ મોટાપાયે બદલી કરવામાં આવી હતી. તે બદલીઓ તેણે કરાવી છે. અધિકારીઓની બદલીઓની યાદી તૈયાર કરવામાં તેની મહત્ત્વની ભૂમિકા છે. PMO ઓફિસની સાથે કેન્દ્રીય ગૃહવિભાગમાં પણ તેની ઓળખાણ છે. જેથી મહત્ત્વની જગ્યા પર પોસ્ટિંગ જોઈતી હોય તો કહેજો. આમ તેણે PMO તેમજ કેન્દ્રીય ગૃહ વિભાગમાં તેનો દબદબો હોવાનું કહીને કેટલાક અધિકારીઓને બદલી કરાવી આપવાની લાલચ આપી હતી. જેના બદલામાં તેણે એક મોટો સોદો પણ નક્કી કર્યો હતો. એટલું જ નહીં તેણે સફરજન અને કેસરના મોટા વેપારીઓ સાથે મિટિંગ કરીને તેમની પ્રોડક્ટને વૈશ્વિક સ્તરે લઈ જવા માટેની ખાતરી આપીને વેપારીઓ સાથે સેટિંગ કર્યું હતું.

મહાઠગ કિરણ પટેલની પત્નીએ કહ્યું- એમને ફસાવ્યાં છે...વાંચવા અહીં ક્લિક કરો.

ગઢડાના એક સ્વામી સાથે 6 કરોડની ઠગાઈ
કિરણ પટેલે ગઢડાના એક મોટા સંત સાથે પણ 6 કરોડની ઠગાઇ આચરી હોવાની વિગતો સામે આવી છે. આ ઉપરાંત ભાજપના પૂર્વમંત્રી અને હાલ MLAના ભાઇનું ઘર રિનોવેટ કરવાના બહાને મકાન પચાવી પાડ્યું હતું. તેમજ એક બ્રાન્ડેડ ચાના કાફેમાં પણ કિરણની ભાગીદારી હોવાનું સામે આવ્યું છે. આ કાફેનાં સમગ્ર ગુજરાતમાં આઉટલેટ ચાલી રહ્યાં છે. આ ઉપરાંત કિરણે શીલજમાં પણ ફાર્મ હાઉસ તૈયાર કર્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

ATSની એક વિશેષ ટીમ શ્રીનગર પહોંચી
બીજી તરફ આ ગંભીર ઘટનાને પગલે DGPએ ગુજરાત ATSને આ મામલે તપાસ કરવા માટે જાણ કરી છે. જેથી ATSની એક વિશેષ ટીમ શ્રીનગર પહોંચી છે. સાથેસાથે છેલ્લાં બે વર્ષમાં તે કયાં શહેરોમાં ફર્યો હતો? તેના સંપર્કમાં કોણ કોણ હતું? તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. આ બાબતને કેન્દ્રી ગૃહવિભાગે ખૂબ જ ગંભીરતાથી લઇને જમ્મુ-કાશ્મીર પોલીસને આ બાબતે રિપોર્ટ કરવા માટે તાકીદ કરી છે.

ATSના અધિકારી કિરણ પટેલ સાથે સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ
કિરણ પટેલ પોતાના વીવીઆઈપી બતાવીને છેક પાકિસ્તાન બોર્ડર સુધી જઈ આવ્યો હતો. આ તમામ વિગતો ખુલ્યા બાદ ગુજરાત એટીએસને પણ હવે રહી રહીને તપાસ કરવાનું સૂઝ્યું છે. ગુજરાત એટીએસના અધિકારીઓ ભલે જમ્મુ-કાશ્મીર પહોંચ્યા, પરંતુ કિરણ પટેલની પહોંચ એટીએસ સુધી પણ છે. કિરણ પટેલના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એટીએસના અધિકારીઓ પણ છે. જ્યારે ભાજપના મોટા નેતાઓ પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે છે.

કિરણ પટેલની કાશ્મીરની તસવીર.
કિરણ પટેલની કાશ્મીરની તસવીર.

ડીસીપી સાથે પણ બબાલની ચર્ચા
સૂત્રો પાસેથી મળતી માહિતી કિરણ પટેલ અને અમદાવાદના એક ડીસીપી વચ્ચે મોટી બબાલ થઈ હતી. જે ડીસીપીની ઓફિસમાં થઈ હતી. અમદાવાદમાં ફરજ બજાવતા આઇપીએસ અધિકારી સાથે બબાલ અધિકારીની ઓફિસમાં થઈ હતી. હવે પોલીસને આ આઇપીએસ અધિકારી માહિતી આપે તો વધુ વિગત સામે આવી શકે છે.

મહાઠગ કિરણ પટેલ BJP ગુજરાતનો સભ્ય હોવાનો ગુજરાત AAPનો દાવો
ગુજરાત AAP દ્વારા મહાઠગ કિરણ પટેલનું ભાજપ સાથે કનેક્શન કાઢ્યું છે. ટ્વિટર પર તેના સભ્યપદ નંબર સહિતની વિગતો જાહેર કરી છે. ગુજરાત આપે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, BJP ગુજરાતના નેતા કિરણ પટેલ PMO ઓફિસર બનીને જનતાના ટેક્સના પૈસા વેડફી રહ્યા છે. તેનું ભાજપ સભ્યપદ નં. 1000130975. પોતાને PMO ઓફિસર કહીને કાશ્મીર જાય છે, સરકારી સુરક્ષા અને સુવિધાઓનો લાભ લે છે.

PMOનું આઈડી કાર્ડ.
PMOનું આઈડી કાર્ડ.
કિરણ પટેલની ફેસબુક પોસ્ટ.
કિરણ પટેલની ફેસબુક પોસ્ટ.
કિરણ પટેલ અને તેની પત્ની માલિની
કિરણ પટેલ અને તેની પત્ની માલિની
અન્ય સમાચારો પણ છે...