અમદાવાદના 2 ગઠિયાએ જયપુરના જ્વેલર્સના વેપારીને ચૂનો લગાવવા માટે રૂ.33 લાખના 7 સેટનો ઓર્ડર આપ્યો હતો. સેટ આપવા વેપારીનો ભાઈ જયપુરથી અમદાવાદ આવતા સોનું ચેક કરવા માટે વેપારીના ભાઈને માણેકચોક લઈ જઈ બાઈક પરથી ઉતારી ગઠિયો ફરાર થયો હતો.
જયપુરમાં રહેતા અનુજ ગોલેછા (ઉં.38)ને 27 જાન્યુઆરી, 2022એ અભય જૈન નામથી ફોન આવ્યો હતો, જેમાં અભયે પોતાની ઓળખ નવરંગપુરા સીજી રોડ પર આવેલા અર્હમ્ જવેલર્સના માલિકની આપી હતી. ત્યારબાદ તેમની પાસેથી પોલકી (વેલંદી) જ્વેલરી ખરીદીને એક્સપોર્ટ કરવાની વાત કરી 3 સેટનો ઓર્ડર આપ્યો હતો, જેનું બિલ રૂ.9.56 લાખ થયું હતું. 4 માર્ચે અભયે 7 પોલકી સેટનો ઓર્ડર આપ્યો હતો, જેનું બિલ રૂ.33 લાખ થતું હતું.
અનુજનો ભાઈ અપૂર્વ સેટની ડિલિવરી આપવા અમદાવાદ આવતા અભયે સોનુ ચેક કરવા માટે મેનેજર લિકેશ વલાણીને માણેકચોક મોકલ્યો હતો. લિકેશે અભયને ફોન કરીને કહ્યું કે, સેટમાં પ્રોબ્લેમ છે. પછી લિકેશનો માણસ અપૂર્વને બાઈક પર માણેકચોક લઈ ગયો હતો અને પછી બાઈક પરથી ઉતારી ફરાર થયો હતો. આ અંગે અનુજે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જુદા-જુદા જવેલર્સ પાસેથી પૈસા લઈ લેવાનું કહ્યું
લિકેશનો માણસ અપૂર્વને માણેકચોકમાં મૂકીને જતો રહેતા અપૂર્વએ અભયને ફોન કર્યો હતો, જેથી અભયે પહેલાં સીજી રોડ પરના અને ત્યારબાદ શિવરંજની જવેલર્સ શોપમાંથી પૈસા લઈ લેવા કહ્યું હતું, જેથી અપૂર્વ તે બંને જગ્યાએ ગયો, પરંતુ પૈસા મળ્યા ન હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.