ભાસ્કર એક્સક્લૂઝિવ:ભૂકંપમાં મા-બાપ ગુમાવનારી બે દીકરીએ પુત્ર વગરના 133 પરિવારમાં તર્પણ વિધિ કરાવી

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • સગાંએ દીકરી હોવાથી માતા-પિતાનું તર્પણ કરવા દીધું ન હોવાથી બે વર્ષ કર્મકાંડ શીખી

તેજલ અરવિંદ શુકલ ભૂકંપમાં મા-બાપ ગુમાવનાર બે દીકરીઓને સગાં-સંબંધીઓેએ શ્રાદ્ધ કરવાનો ઇનકાર કર્યો હતો. આથી મનમાં લાગી આવતા બંને બહેનોએ કર્મકાંડ શીખવાનો નિર્ણય કર્યો હતો અને બે વર્ષ સુધી કર્મકાંડ શીખ્યા બાદ બંનેએ નિર્ણય કર્યો કે, જે મા-બાપને દીકરો ના હોય તેમના શ્રાદ્ધની વિધિ તેઓ નિ:શુલ્ક કરાવશે. છેલ્લાં 19 વર્ષથી તેઓ શ્રાદ્ધ પક્ષમાં વિધિ-તર્પણ કરાવે છે.

બહેનોએ કર્મકાંડ શીખવાનો નિર્ણય કર્યો
સેટેલાઇટમાં રહેતા વિનુભાઇ માંકડ બે દીકરી વંદના અને નમ્રતા અને તેમના પત્ની સાથે રહેતા હતા. વર્ષ 2001માં 26 જાન્યુઆરીએ આવેલા ભૂંકપમાં ફ્લેટ તૂટી જતાં વિનુભાઇ અને તેમની પત્નીનું મોત નીપજ્યું હતું. તે સમયે બંને દીકરીઓ સ્કૂલે ધ્વજવંદનમાં ગઇ હોવાથી તે બચી ગઇ હતી. મા-બાપના મૃત્યુ બાદ બંને દીકરીઓ મા-બાપની તર્પણ વિધિ કરવા માગતી હતી, પરંતુ સગાં-સંબંધીઓએ દીકરી હોવાને કારણે તેમને વિધિ કરવાનો ઇનકાર કર્યો હતો. આથી બંને બહેનોએ કર્મકાંડ શીખવાનો નિર્ણય કર્યો હતો અને બે વર્ષ સુધી કર્મકાંડ શીખી હતા.

મા-બાપનું ઋણ ચૂકવવાના હકદાર
વંદના અને નમ્રતા વ્યવસાયે એન્જિનિયર છે, પરંતુ શ્રાદ્ધમાં ગુજરાતના કોઇપણ શહેરમાં તેમને કોઇ બોલાવે, તો ત્યાં જઇને વિધિ કરાવે છે. અત્યાર સુધીમાં તેમણે 133 જેટલા પુત્ર વગરના પરિવારમાં જઇને શ્રાદ્ધ-તર્પણ વિધિ કરાવી છે. વંદના અને નમ્રતા સમાજને સંદેશો આપવા માગે છે કે, દીકરીઓ પણ મા-બાપનું ઋણ ચૂકવવાના હકદાર છે.

દીકરાને શ્રાદ્ધનો હક મળે
એક જ મા-બાપ હોવા છતાં દીકરાને શ્રાદ્ધનો હક મળે અને દીકરીને ન મળે તેવા સમાજને બદલવાની જરૂર છે. તર્પણ દરમિયાન જે દીકરીઓ દ્વારા વિધિ કરાવાય છે તેમને દીકરી તરીકેના કર્તવ્ય અને માતા-પિતાના ઋણ વિશે શાસ્ત્રોક્ત સંદર્ભને સમજાવવામાં આવે છે. માત્ર દીકરા જ નહીં દીકરીઓ પણ માતા-પિતાના ઋણને ચૂકવવા સક્ષમ છે. દરેક દીકરીઓએ માતા-પિતાનું શ્રાદ્ધ અવશ્ય કરવા સમજાવવામાં આવે છે.

લોકોએ ના પાડતા આર્યસમાજમાં વિધિ શીખી
વંદના અને નમ્રતા બંને કર્મકાંડ શીખવા ગઇ ત્યારે લોકોએ તેમને આ કામ મહિલાઓનું નથી કહીને રોકી હતી. અનેક વિદ્વાનોએ તેઓને વિધિ શીખવાનું કામ તમારું નથી કહીને કર્મકાંડ શીખવવાનો ઇનકાર કર્યો હતો. આથી બંને બહેનો આર્યસમાજમાં વિધિ શીખવા ગઇ. આર્ય સમાજે મહિલાઓ માટે આશ્રમ પણ બનાવ્યો છે, જ્યાં વૈદિક સાહિત્યનું શિક્ષણ અપાય છે. તેમાં આચાર્યપદે પણ મહિલાને સ્થાન અપાતું હોવાથી બંને બહેનો ત્યાં કર્મકાંડ શીખી હતી.
સીતાજીનું ઉદાહરણ આપી લોકોને સમજાવે છે
વંદના અને નમ્રતાએ કહ્યું કે, વેદ અને શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ મહિલાને પણ તમામ હક અપાયા છે, પરંતુ સમાજના કેટલાક લોકો તેનો સ્વીકાર કરવા માટે તૈયાર નથી. તેઓ તર્પણ વિધિ કરવા જાય ત્યારે જો કોઈ વ્યક્તિ કે પરિવારના સભ્યો વિરોધ કરે ત્યારે સીતાજીનું ઉદાહરણ આપી તેઓ સમજાવે છે કે, ભગવાન રામ હાજર ન હતા ત્યારે મુહૂર્ત સાચવવા માટે સીતાજીએ પણ રાજા દશરથજીની શ્રાદ્ધ વિધિ પૂર્ણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...