ગંદકીનું ગરનાળું:અમદાવાદમાં બે કમિશનર-ત્રણ મેયર બદલાયા છતાં વર્ષોથી કાળીગામ ગરનાળાનું કાળું-ગંદું પાણી દૂર થતું જ નથી!

અમદાવાદએક મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
  • પહેલાં તો ચોમાસામાં જ ભરાતું નાળું હવે 15 દિવસમાં ગટરના પાણીથી ભરાઈ જાય છે
  • ટૂ-વ્હીલર પર તો કેટલાય લોકો ગટરના ગંદા પાણીમાં સ્લિપ-ઈજાગ્રસ્ત થાય છે

સ્માર્ટસિટી એટલે કાંઈ મોટા-મોટા બ્રિજ, મેટ્રો, બીઆરટીએસ, રોડ પરની ચકાચોંધ જ નહીં, ચારેકોર ઊડીને આંખે વળગે એવી સ્વચ્છતા પણ સ્માર્ટપણાની ઓળખ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ભલે યેન કેન પ્રકારેણ કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશનના સરવેમાં દર વર્ષે કોઈ ને કોઈ કેટેગરીમાં પ્રથમ નંબર મેળવી લે છે, પરંતુ અમદાવાદમાં સ્વચ્છતાની સ્થિતિ એના અવૉર્ડ માટે થતા પ્રેઝન્ટેશન કરતાં કાંઈક અલગ જ વાસ્તવિકતા ધરાવે છે. આ વાસ્તવિકતા જોવા બહુ દૂર જવાની જરૂર પણ નથી. આ અવૉર્ડ આપનારી જ્યુરીને એક વખત ટૂ-વ્હીલર પર બેસાડીને કાળી ગામનું ગરનાળું પસાર કરાવો એટલે તેમની આગળ AMCની પોલ ખૂલી જશે.

બારે માસ ગંદકીથી લોકોની સ્થિતિ કફોડી
કાળીગામ વિસ્તારના ગરનાળામાં વર્ષોથી ગટરનું ગંદું પાણી ભરાયેલું રહે છે. પહેલાં તો ચોમાસામાં જ ગરનાળું ભરાતું હતું, પણ હવે તો બારે માસ અહીં ગંદકીનું રાજ રહે છે. આ ગંદા પાણીથી ભરાયેલા રહેતા ગરનાળાનો પ્રશ્ન આજદિન સુધી ઉકેલાયો નથી. છેલ્લા એક વર્ષથી તો માત્ર ચોમાસામાં જ નહીં પરંતુ દર 15 દિવસે ગરનાળામાં ગટરનું પાણી ભરાયેલું રહે છે, જેને કારણે અનેક વાહનચાલકોને અને સ્થાનિક લોકોને નર્કાગાર ગંદકીમાંથી પસાર થવું પડે છે. ગટરના ગંદા પાણી અને અસ્વસ્થતાને કારણે આસપાસમાં રહેતા લોકો બીમાર પડે છે.

મેયર બદલાયા, પણ અહીંની સ્થિતિ નહીં
અનેક વર્ષોથી કાળીગામ ગરનાળામાં ગટરના ગંદા પાણી ભરાવાનો પ્રશ્ન છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિજય નેહરા અને મુકેશકુમાર એમ બે મ્યુનિસિપલ કમિશનર અને મીનાક્ષીબેન પટેલ, ગૌતમ શાહ, બીજલબેન પટેલ એમ ત્રણથી વધુ મેયર બદલાઈ ચૂક્યા છે. આમ છતાં પણ આજદિન સુધી ભાજપના શાસકો અને અધિકારીઓ આ ગરનાળામાં પાણી ભરાવવાનો પ્રશ્ન ઉકેલી શક્યા નથી. સાબરમતીના ધારાસભ્ય અરવિંદ પટેલ છેલ્લી બે ટર્મથી ચૂંટાઈ આવે છે છતાં તેઓ કાળી ગામને શહેરના રસ્તા સાથે જોડતા આ ગરનાળાની સમસ્યાને દૂર કરી શક્યા નથી.

સ્થાનિકો ગરનાળાની દુર્ગંધ વચ્ચે રહેવા મજબૂર
રાણીપ વિસ્તારના સ્થાનિક જય પટેલે જણાવ્યું હતું કે કાળીગામ ગરનાળું રાણીપ, કાળીગામ અને સુભાષબ્રિજ આ ત્રણ વિસ્તારને નજીકમાં જોડે છે. અહીં માત્ર બે ઇંચ વરસાદ પડે તો આખું ગરનાળું ભરાઈ જાય છે અને ત્યાંથી પસાર થવાની મુશ્કેલી પડે છે. ત્રણ-ત્રણ દિવસ સુધી ગરનાળુ બંધ રાખવું પડે છે છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પાણી ઉલેચી શકતું નથી. હવે તો દર મહિને બેથી ત્રણવાર ત્યાં ગટરના ગંદા પાણી ભરાઈ જાય છે અને એટલી ગંધ મારે છે કે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ છે. આ બાબતે AMC અને MLA અરવિંદ પટેલને અનેક રજૂઆતો કરી છે છતાં આજદિન સુધી નિકાલ આવ્યો નથી.

ગ્રાઉન્ડ રિપોર્ટ બાદ સત્ય સામે આવ્યું
દિવ્ય ભાસ્કરે કાળીગામ ગરનાળામાં ગટરના પાણી ભરાવવાની સમસ્યા અંગેનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો ત્યારે ત્યાં જોવા મળ્યું હતું કે ગટરનું ગંદું પાણી ગરનાળાની નીચે ભરાયેલું હતું. વાહનચાલકો બંને ગરનાળાની નીચે ગટરના ગંદા પાણીમાંથી પસાર થઈને જઈ રહ્યા હતા. એક જ તરફનો રોડ છે, ત્યાંથી વાહનચાલકોને પસાર થવું પડે છે. ગરનાળાની નીચે પાણી ભરાયેલું હતું ત્યાં મોટી સંખ્યામાં ગાયો હતી. કાળીગામ વિસ્તારમાં ખાદ્ય પુરવઠા નિગમનું મોટું ગોડાઉન આવેલું છે. અમદાવાદમાં આ પુરવઠો લઈ જવા દર બે દિવસે મોટી સંખ્યામાં ટ્રકોની અવરજવર અહીં થાય છે. ઘણીવાર તો ગરનાળામાં પાણી ભરાયેલું હોય તો ઘણી વખત ટ્રકો પણ ત્યાં બંધ પડી જતી હોય છે.

પાણીએ કર્યો આખો રસ્તો બ્લોક: સ્થાનિક
સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, કાળીગામ વિસ્તારના ગરનાળાનો પ્રશ્ન વર્ષોથી છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન અને ચૂંટાયેલા કોર્પોરેટરો અને ધારાસભ્યોને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ તેઓ આ ગરનાળાના પ્રશ્નો નિકાલ લાવી શકતા નથી.ચોમાસા દરમિયાન જ્યારે વરસાદ પડે ત્યારે આ ગરનાળું પાણી ભરાઈ જવાને કારણે બંધ થઈ જાય છે અને કાળીગામથી રાણીપ અને સુભાષબ્રિજને જોડતો આખો રસ્તો બ્લોક થઈ જાય છે. પાણી ભરાય ત્યારે તેને કાઢવા માટે કોર્પોરેશન દ્વારા પંપ મૂકી અને પાણી કાઢવાનો પ્રયત્ન કરવામાં આવે છે છતાં પણ પૂરેપૂરું પાણી ત્યાંથી દૂર કરવામાં આવતું નથી.

થોડા સમયમાં સમસ્યાનું સમાધાન થશે: ધારાસભ્ય
સાબરમતીના ધારાસભ્ય અરવિંદ પટેલ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કાળીગામ ગરનાળામાં ચોમાસા દરમિયાન અને અવારનવાર ચોમાસા વગર પણ જ્યારે પાણી ભરાવાનો પ્રશ્ન થાય છે તેના માટે થઈ નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરીને રેલવે વિભાગની સાથે વાતચીત કરી અને મંજૂરી મળી ગઈ છે. ચોમાસા બાદ ડ્રેનેજલાઈન નાખવાની કામગીરી શરૂ થશે અને આ લાઇનને સીધી રાણીપ કામધેનું સોસાયટી પાસે આવેલા પંપિંગ સ્ટેશન સાથે જોડી દેવામાં આવશે, જેનાથી ત્યાં હવે આગામી વર્ષોમાં આ ગરનાળામાં ડ્રેનેજનું પાણી અને ચોમાસામાં વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉકેલાઈ જશે.