ઘુમામાં પૂરઝડપે કાર ચલાવીને બે જણાંને ટક્કર માર્યા બાદ ઘુમા ગેટ સાથે અથડાતા કારચાલકનું મોત થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત બે જણાંને સારવાર અર્થે હોસ્ટિપલમાં લઇ જવાયા હતાં. આ બનાવમાં ગંભીર ઇજાગ્રસ્ત થયેલા રમણ મકવાણાએ કારચાલક જેઠાનંદ હરવાની વિરુદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદ મુજબ, વાવોલમાં રહેતા રમણ મકવાણા (ઉં.51) કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે. તેઓ ગઇકાલે સવારે ઘરેથી નીકળ્યા હતા અને સાથે કડિયાકામ કરતા હીરાલાલ બદલિયાને લઈને ચેબલી તળાવથી ઘુમા ગેટ પાસે પહોંચ્યા હતા. ત્યારે જેઠાનંદ હરવાની (ઉં.60)એ પૂરઝડપે ચાલતી કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને રમણભાઈ અને હીરાલાલને ટક્કર મારી હતી. રમણભાઈ અને હીરાલાલને ટક્કર મારી કાર ઘુમા ગેટ સાથે અથડાઈ હતી. આથી કારચાલક જેઠાનંદને ગંભીર ઇજાઓ થઈ હતી અને તેમનું મોત નીપજ્યું હતું.
બીજી તરફ કારે ટક્કર મારતા રમણભાઈ અને હીરાલાલને ગંભીર ઈજાઓ થઈ હતી જ્યારે રમણભાઈ બેભાન થયા હતા. રમણભાઈ અને હીરાલાલને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. આ બનાવ અંગે રમણભાઈએ કારચાલક જેઠાનંદ વિરુદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી આદરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.