દેશી દારૂ પકડાયો:બે બૂટલેગરોને લિફ્ટ માગવું ભારે પડ્યું, કારચાલકે વાહન ચેકિંગમાં રહેલા પોલીસકર્મીઓને કહ્યું- ગાડીમાં દારૂ છે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન- ફાઈલ તસવીર - Divya Bhaskar
વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન- ફાઈલ તસવીર
  • ઉમરેઠના કારચાલક પાસે બૂટલેગરોએ દારૂના થેલા સાથે લિફ્ટ માગી
  • હાથીજણ સર્કલ પાસે જ ઉભેલા પોલીસકર્મીઓને જાણ કરી

અમદાવાદ શહેરમાં દેશી દારૂનો જથ્થો બહારના શહેરોમાંથી આવતો હોય છે. ત્યારે ખેડા જિલ્લાના નડિયાદથી અમદાવાદ દેશી દારૂ લઈને આવવા માટે કારચાલક પાસે લિફ્ટ માગવું બે બૂટલેગરોને ભારે પડ્યું છે. ચાલુ વરસાદના કારણે એક્સપ્રેસ-વે પર કારમાં બે દેશી દારૂના થેલા લઈને બેઠેલા શખસોને કારચાલકે હાથીજણ સર્કલ આવતા જ વાહન ચેકિંગમાં ઉભેલા પોલીસકર્મીઓને જાણ કરી પકડાવી દીધા હતા. વિવેકાનંદનગર પોલીસે બંને બૂટલેગરોની દેશી દારૂના જથ્થા સાથે ધરપકડ કરી હતી.

બે લોકોએ દારૂના થેલા સાથે જ લિફ્ટ માગી હતી
મૂળ નડિયાદના ઉમરેઠના રહેવાસી વ્યક્તિ આજે સવારે પોતાના ઘરેથી ગાડી લઈ અમદાવાદ ગોતા ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે નીકળ્યા હતા. નડિયાદ એક્સપ્રેસ-વે પર તેઓ પહોંચ્યા ત્યારે વરસાદ ચાલુ હોવાથી બે વ્યક્તિએ હાથ બતાવી લિફ્ટ માગી હતી. જેથી તેઓએ બંનેને ગાડીમાં બેસાડ્યા હતા. તેમની પાસે બે થેલા હતા. ગાડીમાં બેસતા જ દેશી દારૂની પુષ્કળ વાસ આવતી હતી. જેથી થેલામાં દેશી દારૂ હોવાનું લાગતા જ્યારે તેઓ હાથીજણ સર્કલ પાસે પહોંચ્યા ત્યારે કારચાલકે પોતાની ગાડી સાઈડમાં કરી હતી.

48 લીટર દેશી દારૂ જપ્ત કર્યો
કારચાલકે નીચે ઉતરી અને વાહન ચેકિંગ કરતા વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને જાણ કરી હતી કે, ગાડીમાં બેઠેલા બે શખસ પાસે દેશી દારૂનો જથ્થો છે. જેથી પોલીસકર્મીઓએ ગાડીમાં જઈ જોતા બંને થેલામાં તપાસ કરતા દેશી દારૂ મળી આવ્યો હતો. બંનેને પકડી પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરતાં તેનું નામ મનોજ તળપદા અને અજય તળપદા (રહે. મામા જટનો ખાર, નડિયાદ) હોવાનું જણાવ્યું હતું. બંને પાસેથી કુલ 48 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે બંનેની ધરપકડ કરી અમદાવાદ કોને દારૂ આપવાનો હતો તેની તપાસ શરૂ કરી છે.