જમાલપુરમાં પેન્ટ હાઉસ ભાડે રાખીને આશીર્વાદ નામથી આઈપીએલ ટી-20 ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતી બે વ્યકિતની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રો અનુસાર, ક્રાઈમ બ્રાંચના કોન્સ્ટેબલ મયૂરધ્વજ સિંહને બાતમી મળી હતી કે, જમાલપુરમાં સુબ્બાખાન ફ્લેટના સાતમે માળે પેન્ટહાઉસ ભાડે રાખી ભાવેશ ઠક્કર અને મયંક પટેલ ટી-20 લીગ લાઈવ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડી રહ્યા છે.
બાતમીને આધારે પોલીસટીમે દરોડો પાડતા ભાવેશ ઉર્ફે ભૂપેન્દ્ર ઠક્કર (રહે. મણિનગર) અને મયંક કૌશિકભાઈ પટેલ(રહે.પટેલવાસ,વાંચ)ને મોબાઈલ ફોન તથા લેપટોપ પર ક્રિકેટ સટ્ટો રમાડતા ઝડપી લઇ પૂછપરછ કરતાં આ પેન્ટ હાઉસ ભાડે લઇ આશીર્વાદ નામથી ક્રિકેટ સટ્ટો રમાડતા હોવાની તેમણે કબૂલાત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી લેપટોપ, 10થી વધુ મોબાઈલ ફોન વગેરે મળીને રૂ. એક લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેઓ રાજકોટના રોકી પાસે સટ્ટો કપાવતા હતા.
એપથી ટીવી કરતાં વહેલા પ્રસારણ જાણી લેતા હતા
પોલીસે તપાસ કરતા લેપટોપમાં ક્રિકેટ મેચનો સટ્ટો લખાતો હતો જ્યારે 10 જેટલા કીપેડ મોબાઈલ ફોન ઈલેક્ટ્રિક કોમ્યુનિકેટરથી કનેકટ કર્યા હતા, જ્યારે એક ફોનમાં ટી ટ્રુ એપ્લિકેશનમાં લાઈવ મેચ ચાલુ હતી, જેમાં ટીવી ચેનલોના પ્રસારણથી બે બોલ એડવાન્સમાં બતાવતા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.