ટ્રેનોમાં ટિકિટ ચેકિંગ માટે ટીટીઈને હવે હેન્ડ હેલ્ડ ટર્મિનલ (એચએચટી) અપાયા છે. આ ટર્મિનલની મદદથી પેપર લેસ કામગીરી થવાની સાથે ટ્રેન ઉપડ્યા બાદ ખાલી રહેતી સીટો જાતે જ આરએસી કે વેઈટિંગ ક્રમમાં આવતા પેસેન્જરના નામે એલોટ થઈ જશે. જેના કારણે ટ્રેનોમાં ખાલી રહેતી સીટો વેચી ટીટીઈ દ્વારા રોકડી કરાતી હોવાના આક્ષેપો બંધ થશે.
અમદાવાદ ડિવિઝનમાં હાલ પાયલટ પ્રોજેક્ટ હેઠળ રાજધાની એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ સહિત કેટલીક ટ્રેનોમાં ટીટીઈને એચએચટી ફાળવવામાં આવ્યા છે. એજરીતે અમદાવાદ આવતી અમદાવાદ - ભાવનગર સ્પેશિયલ સોમનાથ એક્સપ્રેસ, અમદાવાદ - સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસમાં પણ એચએચટીની મદદથી ટિકિટ ચેક કરવામાં આવી રહી છે.
એચએચટી મશીનમાં પેસેન્જરોના નામ સાથે રિઝર્વેશન ચાર્ટ ઉપલબ્ધ હશે. આ મશીન જીપીઆરએસ દ્વારા પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમના સેન્ટ્રલ સર્વર સાથે જોડાયેલ છે. તેથી જ્યાં પણ ટ્રેન સ્ટેશન પર ઉભી રહે છે ત્યાં ટિકિટ બુકિંગની વિગતો અપડેટ થઈ જાય છે. આ સિસ્ટમની મદદથી ટીટીઈ સીટ કન્ફર્મેશન, કેન્સલેશન, પેનલ્ટી, વધારાનું ભાડું વગેરેનું કામ પણ કરી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.