અમદાવાદમાં દાયકાઓ જૂના કેમ્પ હનુમાન મંદિરને રિવરફ્રન્ટ ખસેડવા કેટલાક સમયથી ચર્ચાઓ થઈ રહી હતી. આ મુદ્દો કોર્ટમાં પણ પહોંચ્યો હતો, પરંતુ હવે મંદિર ટ્રસ્ટ તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે કે કેમ્પ હનુમાનનું મંદિર સાબરમતી રિવરફ્રન્ટ પર ખસેડવામાં આવશે. બાજી તરફ મંદિરના ટ્રસ્ટીએ કહ્યું હતું કે, ઘણા સમયથી મંદિરમાં વિવાદ ચાલી રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓની આસ્થા હોવાથી મંદિરના વિવાદનો ઝડપથી અંત લાવીશું. જન્મોત્સવના પ્રસંગ સમયે જ પૂજારી અને ટ્રસ્ટીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાની ચર્ચાઓ વહેતી થઈ હતી.
મંદિરમાં પુજારી અને ટ્રસ્ટી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે
કેમ્પ હનુમાન મંદિરના ટ્રસ્ટી સુધિર નાણાંવટીએ કહ્યું હતું કે, મંદિરમાં પુજારી અને ટ્રસ્ટી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ભૂતકાળમાં મારામારી જેવી ઘટનાઓ પણ બની હતી. તેમણે પ્રસાદ વિતરણને લઈને કહ્યું હતું કે, પ્રસાદનું વિતરણ કોરોનાના લોકડાઉન પહેલા દોઢ વર્ષ જેટલા સમયથી બંધ કરવામાં આવ્યું છે. તેનું મુખ્ય કારણ એ છે કે મંદિરમાં જે શ્રદ્ધાળુઓ આવે છે તે વાંદરાઓને આ પ્રસાદ ખવડાવતા હોય છે. જેનાથી વાંદરાઓની સંખ્યા મંદિરમાં વધી રહી હતી.
પ્રસાદ બહારથી તૈયાર કરીને મંદિરમાં લવાશે
આ વાંદરાઓને ભગાડવા માટે એર ગનની જરૂર પડે છે. પરંતુ આર્મી કેન્ટોનમેન્ટ હોવાથી અહીં એરગનનો ઉપયોગ થઈ શકે નહીં. જેથી પ્રસાદનું વિતરણ બંધ કરવામાં આવ્યું હતું.પ્રસાદના વિતરણમાં પુજારી તરફથી પણ ગેરરીતિઓ સામે આવી હતી. પરંતુ હવે ફરીવાર મંદિરમાં પ્રસાદનું વિતરણ ચાલુ કરાશે. પરંતુ એ પ્રસાદ બહારથી તૈયાર કરીને મંદિરમાં લાવવામાં આવશે. બાદમાં ભગવાનને ધરાવીને મંદિરમાં દર્શનાર્થે આવતાં શ્રદ્ધાળુઓને આપવામાં આવશે.
મંદિર ખસેડવા આર્મીને પત્ર લખીને જાણ કરાઈ
કેમ્પ હનુમાન મંદિરના પૂર્વ પ્રમુખ પાર્થિવ અધ્યારૂએ જણાવ્યું હતું કે મંદિર આર્મી હસ્તક છે, જેથી સુરક્ષાનાં કારણસર અનેક વખત દરવાજા બંધ કરી દેવામાં આવે છે.આર્મીની સુરક્ષા પણ જરૂરી છે. તેમના નિર્ણયને પણ માન આપવું જોઈએ. હવે ભક્તો સરળતાથી ભગવાનનાં દર્શન કરી શકે એ માટે મંદિર રિવરફ્રન્ટ પર ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આર્મીને પણ પત્ર લખીને જાણ કરવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલય, રાજ્ય સરકાર અને AMC દ્વારા મંજૂરી મળશે ત્યારે મંદિર રિવરફ્રન્ટ પર ખસેડવામાં આવશે. સુરેન્દ્ર પટેલે મંદિર માટે રિવરફ્રન્ટ પર જે જગ્યા નક્કી કરી છે એ પર મંદિરને ખસેડવામાં આવશે. જે ભક્તોને ત્યાં પૂજા-અર્ચના ના કરવી હોય તેઓ મંદિર ખસેડવા મામલે વિરોધ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.