ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટના જજ તરીકે કાર્યભાર સંભાળનાર જસ્ટિસ જે.બી.પારડીવાલાનો અધિકૃત રીતે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર દ્વારા વિદાય સમારંભ યોજાયો. ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓ ઉપરાંત વકીલોની હાજરીમાં યોજાયેલ સમારંભમાં સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ પારડીવાલાએ કેટલીક મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કર્યો. જસ્ટિસ પારડીવાલાએ કહ્યું કે, 'સાચો ન્યાય એ કહેવાય જ્યારે જજ પોતાની સમજ, આવડત, ક્ષમતા અથવા તો કોઈના દબાણમાં આવ્યા વિના નિર્ણય લે અને જજમેન્ટ આપે'
જસ્ટિસ પારડીવાલાએ કહ્યું કે, જ્યારે બીજાને ન્યાય ન આપી શકાય તો આપણે પણ પોતાની જાત સાથે અન્યાય કરીએ છીએ. તેમણે દેશમાં વકીલોની જરૂરિયાત હોવાનો મત પણ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, દેશમાં સરેરાશ 1.8 મિલિયન વકીલો છે, મતલબ કે પ્રતિ 736 વ્યક્તિએ 1 વકીલ કાર્યરત છે. આજે પણ હજારો લોકો પ્રતિનિધિત્વ વિનાના છે, જેથી સારા વકીલની જરૂરિયાત છે. ઉપરાંત તેઓએ પોતાની માતૃ સંસ્થા, એટલે કે ગુજરાત હાઇકોર્ટનું માન-સન્માન જળવાય, તેની ગરિમાને ઠેસ ન પહોંચે તે માટે એક રહેવા પણ અનુરોધ કર્યો.
મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમારે પણ જસ્ટિસ જે.બી.પારડીવાલાના કાર્યકાળ અને તેમણે આપેલ યોગદાનની નોંધ લીધી. જસ્ટિસ પારડીવાલા દ્વારા સાબરમતી નદી અને કોરોનાકાળ દરમિયાન તેમના અવલોકનો અને નિર્દેશન યાદ કર્યા. તેમને ડાઉન-ટુ-અર્થ વ્યક્તિત્વ અને સરળ સ્વભાવના ગણાવ્યા. આ ઉપરાંત એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને ગુજરાત હાઇકોર્ટ એડ્વોકેટ્સ એસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ પૃથ્વીસિંહ જાડેજાએ જસ્ટિસ પારડીવાલાના યોગદાનને અતિ મહત્વપર્ણ ગણાવી તેમને શુભેચ્છા પાઠવી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.