ભાસ્કર એક્સક્લૂસિવભણેલા નહિ, પણ ગણેલા ધારાસભ્ય:જુઓ 4 ચોપડી ભણેલા ભાજપના MLA પ્રદ્યુમ્નસિંહની આ 'ટ્રિક'! વાંચી નથી શકતા તો કાગળ પર ફોટા ચોંટાડી સડસડાટ ભાષણ આપે છે

અમદાવાદ21 દિવસ પહેલાલેખક: મૌલિક ઉપાધ્યાય

એક સુવર્ણ ઉક્તિ છે કે 'જરૂરિયાત માણસને બધું શીખવાડી દે છે.' આ ઉક્તિને કોઈએ બરાબર સાર્થક કરી હોય તો તે છે અબડાસાના MLA પ્રદ્યુમ્નસિંહ જાડેજા. હવે ભાજપે પ્રદ્યુમ્નસિંહને આ વખતની 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ અબડાસાની ટિકિટ આપી છે. હવે તેમણે લોકસંપર્ક તેજ કરવા સાથે સભાઓને પણ સંબોધિત કરવી પડશે. બહુ ઓછા લોકો જાણે છે કે તેઓ માત્ર 4 ચોપડી ભણેલા છે અને લખેલું વાંચી શકતા નથી. તો તેમણે સ્પીચ આપવાના શબ્દોને યાદ રાખવા એક અલગ યુક્તિ કરી લીધી છે. તો ચાલો... આપણે જોઈએ કે આ મુશ્કેલીનો પ્રદ્યુમ્નસિંહે શું રસ્તો કાઢ્યો છે.

ભાષણ આપવા પિક્ચર મેથડ જાતે વિકસાવી
પ્રદ્યુમ્નસિંહ માટે લખેલું વાંચવું તો શક્ય નથી તો ભાષણના વાક્યોને યાદ કેવી રીતે રાખવા? વેલ.. તેમણે પોતાની બુદ્ધિ અને આગવી સૂઝબૂઝ વડે રસ્તો શોધી કાઢ્યો છે અને એ છે પિક્ચર મેથડ. તમને લાગશે કે આ વળી પિક્ચર મેથડ એટલે શું? તો એનો જવાબ છે ફોટાને નજર સામે રાખીને વિષય અને વાક્યોને યાદ કરીને એના વિશે ભાષણ આપવાની કળા. પ્રદ્યુમ્નસિંહે જ્યારે પણ કોઈ વિષય પર ભાષણ આપવાનું હોય તો તેઓ એક સાદા કાગળ પર વિષયને અનુરૂપ તસવીરો લગાવી દે છે. શ્રોતાઓને સંબોધિત કરવાના હોય ત્યારે પ્રદ્યુમ્નસિંહ એ તસવીરોને જોઈને બોલવાનાં વાક્યોને યાદ કરી લે છે. આનું નામ છે પિક્ચર મેથડ.

એક સ્પીચનું પિક્ચર પેજ તૈયાર કરતાં 2 કલાક થાય
પ્રદ્યુમ્નસિંહે જણાવ્યું હતું કે તેમના માટે આ પિક્ચર મેથડ, એટલે કે તસવીરો ચોંટાડીને ક્રમાનુસાર વાક્યો બોલવાની ઢબ કારગત નીવડી છે, જોકે એક હકીકત એ પણ છે કે એક વિષયને અનુરૂપ ભાષણ લખીને એને અનુરૂપ તસવીરો શોધીને કાગળ પર ક્રમાનુસાર ચોંટાડવાની ક્રિયામાં દોઢથી 2 કલાક જેટલો સમય લાગે છે. સૌથી પહેલા તો ભાષણનાં વાક્યોને યાદ કરવાનાં રહે છે અને પછી એને અનુરૂપ ફોટા કે ચિત્રો કાગળ પર ચોંટાડવાનાં રહે છે. આનાથી તેઓ વાક્ય ભૂલી જાય તો ચિત્રને જોઈને યાદ કરી લે છે.

ચોંકેલા સ્પીકરે પૂછ્યું- 'પ્રદ્યુમ્નસિંહ, કઈ લિપિ વાંચો છો?'
વિધાનસભામાં પણ પ્રદ્યુમ્નસિંહ આ જ રીતે પિક્ચર મેથડ, એટલે કે ચિત્રાત્મક પદ્ધતિથી સ્પીચ આપતા હોય છે. પ્રદ્યુમ્નસિંહ પહેલીવાર ચૂંટાઈને વિધાનસભામાં આવ્યા ત્યારે તેમણે કોંગ્રેસના એક સાથી મિત્રને કહ્યું હતું કે મને વાંચતા-લખતા નથી આવડતું, પણ મારે મારા મતક્ષેત્રના પ્રશ્નો રજૂ કરવા છે. ત્યારે બીજા ધારાસભ્યે ચિઠ્ઠી લખી આપીને અધ્યક્ષને મોકલી હતી. ત્યાર બાદ અધ્યક્ષે મંજૂરી આપતાં પ્રદ્યુમ્નસિંહ ઊભા થયા અને કાગળ ખોલીને ફટાફટ બોલવા માંડયા હતા. ત્યારે અધ્યક્ષે ટકોર કરી હતી કે તમને તો વાંચતા આવડતું નથી તો આ કઈ લિપિ વાંચો છો? આના જવાબમાં પ્રદ્યુમ્નસિંહે કહ્યું હતું કે તેઓ તેમની આગવી પિક્ચર મેથડનો ઉપયોગ કરીને સ્પીચ આપે છે, જે તેમણે જાતે તૈયાર કરી છે. આ જોઈને અધ્યક્ષ પણ અચંબિત થઈ ગયા હતા.

વાંચતા તો ઘણા MLAને નથી આવડતું, આમણે રસ્તો કાઢ્યો
પ્રદ્યુમ્નસિંહ 4 ચોપડી ભણ્યા હોવા છતાં છટાદાર ભાષણ આપે છે. તેઓ થોડી-થોડી વારે કાગળમાં જુએ તો સામેવાળાને એવું લાગે કે તેઓ લખેલી સ્પીચના મુદ્દા વાંચે છે, પરંતુ વાસ્તવમાં એવું નથી હોતું. તેઓ કાગળ પરનાં ચિત્રોને જોઈને પોતાના બોલવાના મુદ્દાને યાદ કરી લે છે. આ માટે તેઓ કોરા કાગળ પર ચિત્રો દોરીને કે પછી એ કાગળ પર સ્ટિકર ચોંટાડીને ભાષણના મુદ્દા તૈયાર કરે છે. આ મુદ્દાના આધારે પ્રવચન કરવું તેમના માટે ખૂબ આસાન થઈ જાય છે. પ્રદ્યુમ્નસિંહ વિધાનસભા તેમજ પાર્ટી સંકલન બેઠકમાં પણ આ જ રીતે ભાષણ આપે છે.

પ્રદ્યુમ્નસિંહ 4 ચોપડી ભણ્યા હોવા છતાં છટાદાર ભાષણ આપે છે.
પ્રદ્યુમ્નસિંહ 4 ચોપડી ભણ્યા હોવા છતાં છટાદાર ભાષણ આપે છે.

કેવા ભાષણ માટે પ્રદ્યુમ્નસિંહ કેવાં સ્ટિકરો ચોંટાડે છે?
વિધાનસભાનું સત્ર હોય કે પાર્ટીની સભા કે સંકલન સમિતિની બેઠક... જ્યાં કોઈ મુદ્દા યાદ ના રહે તેવા હોય તો પ્રદ્યુમ્નસિંહ પોતાની વાત રજૂ કરવા માટે આ સાંકેતિક ભાષાનો ઉપયોગ કરે છે. આ રીતે તેઓ પોતાના ભાષણના મુદ્દા ભૂલી જતા નથી. દા.ત. વિધાનસભામાં ગાયને લગતી ચર્ચા હોય તો તેઓ કાગળ પર ગાય દોરીને કે એનું સ્ટિકર લગાવીને એની સામે લીલા કલરની પેનથી લીટા કરીને ઘાસ દોરે છે. વીજળીનો કોઈ પ્રશ્ન હોય તો બે ઊભા લીટા કરી થાંભલો ચીતરીને ઉપર ત્રણ લીટી આડી દોરે છે. ડેમનો કોઈ પ્રશ્ન હોય તો તળાવ દોરે છે.

તમામ ભાષણોનાં ચિત્રો ચોંટાડેલા કાગળો સાચવીને રાખ્યા છે.
તમામ ભાષણોનાં ચિત્રો ચોંટાડેલા કાગળો સાચવીને રાખ્યા છે.

કેન્દ્રના કાર્યક્રમમાં મોદી, રાજ્યવાળામાં ભૂપેન્દ્રભાઈનું સ્ટિકર!
પ્રદ્યુમ્નસિંહ પાર્ટીની સભામાં કે સંકલન બેઠકમાં પણ કંઈક આ જ રીત અપનાવે છે. કેન્દ્ર સરકારનો કાર્યક્રમ હોય તો તેઓ સ્પીચના કાગળ પર મોદીસાહેબનો ફોટો લગાવે છે, જ્યારે ગુજરાત સરકાર સંબધિત કાર્યક્રમ હોય તો ભૂપેન્દ્ર પટેલનો ફોટો લગાવે છે. જ્યારે પાર્ટી સંગઠનની બેઠકમાં અનુરૂપ ભાષણ માટે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો ફોટો લગાવીને સંબંધિત મુદ્દા યાદ રાખે છે. તેઓ સમાજના કાર્યક્રમોમાં પણ વિષયને અનુરૂપ ચિત્રોના આધારે સ્પીચ આપે છે.

પ્રદ્યુમ્નસિંહે 50થી વધારે ચિત્ર સ્વરૂપે ભાષણ તૈયાર કર્યા છે.
પ્રદ્યુમ્નસિંહે 50થી વધારે ચિત્ર સ્વરૂપે ભાષણ તૈયાર કર્યા છે.

અત્યારસુધીમાં 50થી વધુ ચિત્ર સ્વરૂપે ભાષણ બનાવ્યા
અત્યારસુધી અલગ જગ્યાએ પ્રશ્નો રજૂ કરવા કે પછી ભાષણ આપવા માટે પ્રદ્યુમ્નસિંહે 50થી વધારે ચિત્ર સ્વરૂપે ભાષણ તૈયાર કર્યા છે. તેમણે આ તમામ ભાષણોનાં ચિત્રો ચોંટાડેલા કાગળો સાચવીને રાખ્યા છે. જે પણ વિષયમાં ભાષણ આપવાનું હોય એ વિષયને અનુરૂપ કાગળ પર ચિત્ર દોરે છે અથવા ફોટો ચોંટાડે છે. અથવા તો બહારથી સ્ટિકરની દુકાનેથી સ્ટિકરો લાવીને કાગળ પર ચોંટાડે છે. તેઓ ભાષણ કરતાં પહેલાં એનું એકવાર રિહર્સલ પણ કરી લે છે, જેથી સ્પીચ બરાબર યાદ રહે.

સમાજના કાર્યક્રમોમાં પણ વિષયને અનુરૂપ ચિત્રોના આધારે સ્પીચ આપે છે.
સમાજના કાર્યક્રમોમાં પણ વિષયને અનુરૂપ ચિત્રોના આધારે સ્પીચ આપે છે.

શું છે પ્રદ્યુમ્નસિંહ જાડેજાનો રાજકીય ઇતિહાસ?
વ્યવસ્યાયે ખેડૂત એવા પ્રદ્યુમ્નસિંહનો જન્મ નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામે થયો હતો. તેમના ગામમાં બે ટર્મ સુધી સરપંચ ઉપરાંત બે ટર્મ સુધી જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિના ચેરમેન તેમજ બે વખત ધારાસભ્ય રહ્યા છે. તેઓ 2017માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડયા હતા અને 9746 મતની લીડથી જીત્યા હતા. જોકે ત્યાર બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી પ્રદ્યુમનસિંહ ભાજપમાં જોડાતાં 2020માં પેટાચૂંટણી થઈ હતી. આમાં તેઓ 36 હજારની જંગી લીડથી જીત્યા હતા. હવે 2022ની ચૂંટણીમાં પણ ભાજપે તેમને ઉમેદવાર બનાવ્યા છે.

પ્રદ્યુમ્નસિંહ ઊભા થયા અને કાગળ ખોલીને ફટાફટ બોલવા માંડયા.
પ્રદ્યુમ્નસિંહ ઊભા થયા અને કાગળ ખોલીને ફટાફટ બોલવા માંડયા.

પ્રદ્યુમ્નસિંહે કોંગ્રેસ કેમ છોડી? આ છે જવાબ..
કોંગ્રેસ પાર્ટી છોડવાનું કારણ આપતાં પ્રદ્યુમ્નસિંહે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે કોંગ્રેસમાં તેમને સાથસહકાર નહોતો મળતો. તેઓ પહેલી વખત ચૂંટાયા ત્યારે દુષ્કાળ પડ્યો હતો અને ઘાસપાણીની જરૂરિયાત હતી. એ સમયે આ વાત સરકારે સાંભળીને પ્રશ્નો હલ કર્યા ત્યારે તેમને લાગ્યું કે શાસક પક્ષમાં જોડાઈશ તો હજુ પણ વધારે સારાં કામ કરી શકીશ, તેથી તેઓ ભાજપમાં જોડાયા હતા. ત્યાર બાદ તેમના વિસ્તારના પ્રશ્નો, જેવા કે નખત્રાણા કોલેજ ગ્રાન્ડેટ કરવી, નખત્રાણા એપીએમસી બનાવવી વગેરે ઉકેલ્યા છે.

અન્ય સમાચારો પણ છે...