જ્ઞાનસત્ર:ગુજરાતના કવિ ત્રિભુવન વ્યાસની સ્મૃતિમાં અમદાવાદમાં મેમનગર ગુરૂકુલ ખાતે ત્રિભુવન સત્ર યોજાયું

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કવિઓ અને લેખકોએ પ્રવચનો કર્યાં હતાં - Divya Bhaskar
કવિઓ અને લેખકોએ પ્રવચનો કર્યાં હતાં
  • ત્રિભુવનભાઈ દ્વારા રચિત સાહિત્ય ઉપર કવિઓ અને લેખકોએ પ્રવચનો કર્યાં હતાં

સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ ખાતે તારીખ 12 ઓગસ્ટના રોજ 45-મા જ્ઞાનસત્ર અંતર્ગત કવિવર ત્રિભુવનભાઈ ગૌરીશંકર વ્યાસની પવિત્ર સ્મૃતિમાં ‘ત્રિભુવનસત્ર’નું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની નિશ્રામાં યોજાયેલા આ સત્રમાં ગુરુકુલ સંસ્થાના વિકાસમાં જેમનું અપાર યોગદાન રહ્યું છે એવા ત્રિભુવનભાઈના સાહિત્ય વિશે મનનીય પ્રવચનો થયા હતા. ત્રિભુવનભાઈ વ્યાસ દ્વારા ખૂબ મોટા પાયે સાહિત્ય સર્જન થયું છે. આ સાહિત્યે ગુજરાતી ભાષાને ગૌરવવંતી બનાવી છે. ત્યારે એ કવીશ્વરને વંદના કરવાનો પ્રયાસ ગુરુકુલ દ્વારા કરવામાં આવ્યો હતો.

ત્રિભુવનભાઈ દ્વારા રચાયેલા સાહિત્ય ઉપર પ્રવચનો થયાં
ત્રિભુવનસત્રમાં ત્રિભુવનભાઈ દ્વારા રચાયેલા સાહિત્ય ઉપર વક્તાઓએ ખૂબ મનનીય પ્રવચનો કરી સહુને પ્રભાવિત કર્યા હતા. જેમાં ડૉ. સતીશ વ્યાસે ‘સત્ત્વશોધના સાહિત્યકાર ત્રિભુવન વ્યાસ’, ચંદ્રકાન્ત વ્યાસે ‘ત્રિભુવન વ્યાસનાં બાળકાવ્યો’, ડૉ. સમીર ભટ્ટે, ‘ઘરદીવડે ચીંધેલ મારગ હરિનો’ તથા ડૉ. જગદીશ ત્રિવેદીએ ‘ત્રિભુવન વ્યાસના ચંદ્રાવળા’ વિષય ઉપર પ્રવચનો કર્યા હતા. બાલકૃષ્ણદાસજી સ્વામીએ ત્રિભુવનભાઈ વ્યાસ સાથેના પોતાના સંસ્મરણો તથા તેમના શાસ્ત્રીજી મહારાજ સાથેના અનોખા સંબંધ વિષે કેટલીક રસપ્રદ વાતો કરી હતી.

‘ચંદ્રવળા’ ગ્રંથનું પ્રકાશન કરવામાં આવ્યું
આ પ્રસંગે ત્રિભુવનભાઈ દ્વારા રચાયેલા ચંદ્રાવળાનું સંકલન કરીને ‘ચંદ્રવળા’ ગ્રંથનું પ્રકાશન કરવામાં આવ્યું હતું. મહેમાનોનું સ્વાગત SGVP કેમ્પસના ડાયરેક્ટર જયદેવભાઈ સોનગરા તથા ગુરુકુલના ટ્રષ્ટી અને ભૂતપૂર્વ હાઈકોર્ટ જસ્ટીસ ઢોલરિયા સાહેબે કર્યું હતું. સંપૂર્ણ કાર્યક્રમનું સુચારું સંચાલન નિસર્ગ આહીરે સંભાળ્યું હતું. આભારવિધી ડૉ. અશ્વિન આણદાણીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનુ સંકલન શાસ્ત્રી યજ્ઞવલ્લભદાસજી સ્વામીએ કર્યું હતું.

આ સત્રમાં કવિઓ, લેખકો પણ ઉપસ્થિત રહ્યાં હતાં
આ સત્રમાં કવિ રાજેન્દ્ર શુક્લ, રજનીકુમાર પંડ્યા, માધવ રામાનુજ, મનસુખભાઈ સલ્લા, શરદ ઠાકર, ચંદ્રકાંત વ્યાસ, રાઘવજી માધડ, હરદ્વાર ગૌસ્વામી, કિશોરસિંહ સોલંકી, અરવિંદ બારોટ, મહેશ યાજ્ઞિક, ભાવેશ ભટ્ટ, ભાવિન ગોપાણી, છાયાબેન ત્રિવેદી, પૂર્વિબેન ઓઝા, રક્ષાબેન શુક્લ વગેરે મોટી સંખ્યામાં ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકારો પધાર્યા હતા. ખાસ કરીને આ પ્રસંગે ત્રિભુવનભાઈના દીકરીઓ રશ્મિબેન, પુષ્પાબેન, ચંદાબેન તથા વિમલભાઈ દવે વગેરે અન્ય પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.