અમદાવાદમાં એક ટી.આર.બી જવાન સામે બે બાળકોની માતાને હેરાન કરવાની ફરિયાદ નોંધાઈ છે. પરિણીત મહિલાનો આક્ષેપ છે કે, યુવક છેલ્લા 1 વર્ષથી તેની સાથે પ્રેમ સંબંધ રાખવા અને વાતચીત કરવા માટે દબાણ કરી રહ્યો હતો. જ્યારે પરિણીતાએ તેની સાથે વાતચીત કરવાની કે સંબંધ રાખવાની ના પાડી તો આ યુવકે મહિલાને બદનામ કરવાની ધમકી આપી દીધી. જે બાદ મહિલાએ કંટાળીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પરિણીતાના ઘરે આવીને ચિઠ્ઠીમાં મોબાઈલ નંબર આપતો
ઘટનાની વિગતો મુજબ, અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતી મહિલા અગાઉ સૈજપુર બોઘા ખાતે પોતાના બે સંતાન તથા પતિ અને સાસુ-સસરા સાથે રહેતી હતી. સૈજપુર ખાતેના ઘરની બાજુમાં રહેતો એક યુવક મહિલાનો પતિ ઘરે ન હોય ત્યારે ત્યાં આવતો અને ચિઠ્ઠીમાં મોબાઈલ નંબર લખીને આપતો. તે મહિલાને તેની સાથે ફોન પર વાત કરવા દબાણ કરતો હતો. જ્યારે મહિલાએ આ માટે ના પાડી તો તેણે 'હું તને પ્રેમ કરું છું, મારી સાથે વાત નહીં કરે તો તારા બંને દીકરાને મારી નાખીશ અને પાછળનું પરિણામ ખરાબ આવશે'. આથી ગભરાયેલી પરિણીતા તેની સાથે ફોન પર વાત કરતી હતી અને પરિવારને આ વિશે જાણ કરી હતી.
પોલીસ ફરિયાદની ધમકી પર ચેટ વાઈરલ કરવાની ધમકી આપી
6 મહિના અગાઉ પરિણીતા તેમનું સૈજપુરનું મકાન વેચીને કૃષ્ણનગર ખાતે રહેવા આવી ગયા હતા. જોકે આરોપી યુવકે અહીં પણ તેનો પીછો ન છોડ્યો. તે અવારનવાર મહિલાનો પીછો કરીને તેની સાથે વાત કરવા દબાણ કરતો હતો. 3 એપ્રિલના રોજ મહિલા તેના પતિ સાથે સૈજપુર ગઈ હતી, ત્યારે ટી.આર.બી જવાને તેનો પીછો કરીને કહ્યું કે, 'મેં મારી પત્નીને છૂટાછેડા આપી દીધા છે, હું તને પ્રેમ કરું છું.' જેથી મહિલાએ તેને પોલીસ બોલાવવાની ધમકી આપી. તો સામે યુવકે અપશબ્દો બોલીને કહ્યું કે, હું ટીઆરબીમાં જવાન છું અને પોલીસ મને ઓળખે છે, મારું કોઈ કંઈ બગાડી નહીં લે, અને તે મારી સાથે ફોન અને વોટ્સએપમાં કરેલી વાતચીતના સ્ક્રીનશોટ મારી પાસે છે, તું મારી સાથે વાત નહીં કરે તો હું તને બદનામ કરી નાખીશ.'
પરિણીતાએ પોલીસમાં નોંધાવી ફરિયાદ
મહિલાએ તે સમયે કોઈ ફરિયાદ કરી નહોતી. પરંતુ તેના પિતાને સમગ્ર હકીકત જણાવતા તેમના કહેવાથી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં એલ.આર.ડી જવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.