અમદાવાદમાં જાન્યુઆરી મહિનામાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. ગઇકાલે અમદાવાદમાં 10 હજારથી વધુ ટેસ્ટની સામે 2311 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. એ જોતાં અમદાવાદનો પોઝિટિવિટી રેટ 22 % છે. આ રેટ પરથી જાણી શકાય છે કે અમદાવાદમાં દર 4 ટેસ્ટમાંથી એકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવે છે. બે દિવસમાં જ અમદાવાદમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ 10 ટકાથી 22 ટકાએ પહોંચી ગયો છે, જે ચિંતાજનક બાબત છે.
બે દિવસમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ વધ્યો
છેલ્લા બે દિવસ, એટલે કે 6 અને 7 જાન્યુઆરીના રોજ અમદાવાદ શહેર-જિલ્લામાં કરવામાં આવેલા ટેસ્ટ અને નોંધાયેલા કેસની સરખામણી કરવામાં આવી છે. 6 જાન્યુઆરીએ અમદાવાદ શહેર-જિલ્લામાં 17133 ટેસ્ટ કરાયા હતા, જેમાંથી 1862નો રિપોર્ટ પોઝિટિવ હતો, એટલે કે એક દિવસમાં કરવામાં આવેલા કુલ ટેસ્ટની સરખામણીએ પોઝિટિવિટી રેટ 10.87 હતો, જ્યારે 7 જાન્યુઆરીએ પોઝિટિવિટી રેટમાં 12 ટકાનો વધારો નોંધાયો છે. 7મીએ કુલ 10385 ટેસ્ટ કરાયા હતા, જેમાંથી 2311 કોરોના પોઝિટિવ હતા અને ટેસ્ટની સરખામણીએ પોઝિટિવિટી રેટ 22.25 ટકા હતો.
શહેર અને જિલ્લામાં ટેસ્ટિંગ વધારવું જરૂરી
અમદાવાદ શહેર-જિલ્લામાં કોરોનાના અનેક શંકાસ્પદ દર્દીઓ હશે, જે તાવ શરદી-ખાંસીની મેડિકલમાંથી દવા લઇ લેતા હશે. એવામાં જો શહેર-જિલ્લામાં ટેસ્ટિંગ વધારવામાં આવે તો આવા અનેક શંકાસ્પદ દર્દીઓને ટ્રેસ કરી શકાય છે અને કોરોના પોઝિટિવ દર્દી શોધીને ત્રીજી લહેરના વધતા સંક્રમણને શહેર-જિલ્લામાં ઘટાડી શકાય છે.
બીજી અને ત્રીજી લહેરનો ટ્રેન્ડ આવો રહ્યો
ગયા વખતે 2021માં અમદાવાદમાં 25 એપ્રિલે 5864 કેસની પીક નોંધાઈ હતી. 6 જાન્યુઆરીએ અમદાવાદમાં 1865 કેસ નોંધાયા હતા. ગઈ વેવમાં 1800નું બેરિયર અમદાવાદમાં 12 એપ્રિલે તૂટ્યું હતું, જે દિવસે 1933 કેસ નોંધાયા હતા. ત્યાર બાદ માત્ર 12 દિવસમાં જ પીક આવી ગઈ હતી. જ્યારે કે એ પહેલાંના કેસની વિગતો જોઈએ તો 18 માર્ચે અમદાવાદની અગાઉની પીક આવી હતી, જે દિવસે 330 કેસ નોંધાયા હતા અને ત્યાંથી 1800નું બેરિયર 12 એપ્રિલે તૂટ્યું હતું, જે દિવસે 1933 કેસ નોંધાયા હતા. આમ, ગત વખતની વાત કરીએ તો 330 કેસથી 1800થી વધુ કેસ પર પહોંચતાં 25 દિવસ લાગી ગયા હતા. આ વખતે 31 ડિસેમ્બરે 317 કેસ હતા અને ત્યાંથી ફક્ત 7 દિવસમાં જ 1800નું બેરિયર તોડીને 6 જાન્યુઆરીએ 1862 કેસ નોંધાયા હતા.
2021ની વિદાય સાથે જ કેસ ફોર ડિજિટ પર પહોંચી ગયા
2021ની વિદાય સાથે 2022નું વર્ષ પણ કોરોનાના કપરા કાળનાં દર્શન કરાવી રહ્યો હોય એવી સ્થિતિ છે. ત્રીજી લહેરના પડઘમ હોય તેમ 27 ડિસેમ્બરે 100 કેસ સાથે પહેલીવાર ટ્રિપલ ડિજિટમાં કેસ થયા હતા, જે 31 ડિસેમ્બરે ત્રણ ગણા વધીને 300ને પાર થઈને 317 થયા હતા. જ્યારે નવા વર્ષના પ્રારંભથી ઉત્તરોત્તર કેસ વધી રહ્યા છે, જેમાં 1 જાન્યુઆરીએ 559 કેસ નોંધાયા હતા, જેમાં નજીવો ઘટાડો થઈને 2 જાન્યુઆરીએ 404 કેસ થયા હતા. ફરી કેસમાં ઉછાળો આવ્યો હતો અને 3 જાન્યુઆરીએ કેસ 643 થયા હતા. તો 4 જાન્યુઆરીએ કેસમાં ધરખમ વધારો થયો હતો અને કેસ ડબલ ગણા વધીને 1314 થયા હતા. 5 જાન્યુઆરીએ કેસમાં નજીવો વધારો થયો હતો અને 1660 કેસ નોઁધાયા હતા. જ્યારે બીજી લહેરની બેઝલાઈન 1800ને પાર કરતાં 6 જાન્યુઆરીએ 1862 નવા કેસ નોંધાયા હતા. 1 જાન્યુઆરીથી લઈને 6 જાન્યુઆરી સુધી 6442 નવા કેસ નોંધાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.