બદલીની ભલામણ:જસ્ટિસ કરેઈલની બદલીના વિરોધ વચ્ચે HCના વધુ એક જજની બદલીની ભલામણ

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • જસ્ટિસ વિપુલ પંચોલીની બદલી પટણા હાઈકોર્ટમાં કરવા કોલેજિયમે ભલામણ કરી
  • ત્રણ દિવસની હડતાળ પછી હાઈકોર્ટના વકીલો આજથી કામગીરી શરૂ કરવા સંમત

હાઈકોર્ટના જસ્ટિસ નિખિલ કરેઇલની બદલી અંગે સુપ્રીમ કોલેજિયમ દ્વારા લેવાયેલા નિર્ણય સામે સોમવારે ત્રીજા દિવસે પણ વકીલો કામથી અળગા રહ્યા હતા. વકીલોના પ્રતિનિધિમંડળે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ એમ. આર. શાહને મળી રજૂઆત કરી હતી. તેમણે જજની બદલી મામલે પુનઃ વિચારણા કરશે તેવી ખાતરી આપી હતી, પરંતુ વકીલો પાસેથી કામકાજથી અળગા નહિ રહેવાની ખાતરી લીધી હતી, મંગળવારથી હાઈકોર્ટના વકીલો કામકાજ શરૂ કરશે. મોડી સાંજે કોલેજિયમે હાઈકોર્ટના બીજા જસ્ટિસ વિપુલ પંચોલીની બદલી પટણા હાઈકોર્ટમાં કરવા ભલામણ કરી હતી.

જસ્ટિસ નિખિલ કરેઇલની બદલી પટના હાઈ કોર્ટમાં કરવાના સુપ્રીમના કોલેજિયમે લીધેલા નિર્ણય સામે હાઈકોર્ટના એડવોકેટ એસો. અને તમામ વકીલોએ શુક્રવારથી વિરોધ કર્યો હતો અને કામથી અળગા રહેતા હાઈકોર્ટમાં અનામત રહેલા કેસમાં ચુકાદા લખવાનું કામ ચાલુ રહ્યું હતું. જે કેસમાં પાર્ટી ઈનપર્સન હાજર થતાં હોય તેવા કેસમાં સુનાવણી યોજાઈ હતી.

કેટલાક ચર્ચાસ્પદ ચુકાદા પછી હાઈકોર્ટના જસ્ટિસની બદલી થઈ હતી

જસ્ટિસ અકીલ કુરેશી
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની તપાસ CBIને સોંપી

જસ્ટિસ અકીલ કુરેશી હાઇકોર્ટના સિનિયર મોસ્ટ જજ હોવાથી એક્ટિંગ ચીફ જસ્ટિસ બનવાના હતા તેના 2 દિવસ પૂર્વે 2018માં તેમની બોમ્બે હાઇકોર્ટમાં જુનિયર જજ તરીકે ટ્રાન્સફર કરાઈ હતી. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં તેમણે અમિત શાહના રિમાન્ડ માટે સીબીઆઈને મંજૂરી આપી હતી.

જસ્ટિસ જયંત પટેલ
ઇશરત એન્કાઉન્ટર કેસમાં પણ CBI તપાસનો આદેશ આપ્યો

તેઓ હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ હતા તે સમયે તેમણે ઇશરત જહા એન્કાઉન્ટર નકલી હોવાનું અને કેસની તપાસ સીબીઆઇને સોંપવા આદેશ કર્યો હતો. તેમની બદલી 2016માં કર્ણાટક હાઇકોર્ટમાં અને એક વર્ષ બાદ તેમને કર્ણાટક હાઇકોર્ટમાંથી અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરાય તે પહેલાં રાજીનામું આપ્યું.

જસ્ટિસ પરેશ ઉપાધ્યાય
રેમડેસિવિરના કાળાબજારના કેસમાં આકરો ચુકાદો આપ્યો

જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે કોરોનાકાળમાં રેમડેસિવિર ઇન્જેકશન સહિતની વસ્તુમાં કાળાબજારિયા સામે અનેક ચુકાદા આપ્યા હતા. તેમણે પોલીસ દ્વારા આડેધડ પાસા સામે ગૃહ વિભાગના અધિકારીઓ સામે લાલ આંખ કરી હતી. સપ્ટેમ્બર-2021માં તેમની મદ્રાસ હાઇકોર્ટમાં બદલી કરાઈ હતી.

28 કોર્ટના 2 હજાર કેસ પેન્ડિંગ
હાઈકોર્ટના વકીલો ત્રણ દિવસથી કામકાજથી અળગા રહેતા હાઈકોર્ટમાં કાર્યરત 28 કોર્ટના આશરે 2 હજારથી વધારે કેસ પેન્ડિંગ રહ્યા હતા. એક તરફ દેશભરની તમામ કોર્ટ કેસના ભારણને ઘટાડવા
લોક અદાલતનો આશરો લે છે તો બીજી તરફ 3 દિવસ કોર્ટ નહીં ચાલવાને લીધે કેસોનો ભરાવો વધી શકે છે.

અન્ય સમાચારો પણ છે...