રાજ્ય ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમના ભંગ બદલ વાહન ચાલકોને ઈ-મેમો દ્વારા દંડ ફટકારવામાં આવે છે. આ મામલે બાકી રકમ વસૂલવામાં છેલ્લાં બે વર્ષમાં રાજ્ય ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાના અહેવાલ સામે આવ્યા છે. રાજ્યમાં વાહન ચાલકોને કુલ 56,17,545 ઈ-મેમો ફટકારવામાં આવ્યા છે અને રૂપિયા 309 કરોડ 33 લાખનો દંડ વસૂલવાનો બાકી છે. ટ્રાફિક પોલીસ દ્વારા જ્યારે કોઈ વાહન ચાલકને ઈ-મેમો ફટકારવામાં આવે ત્યારે એની પાછળ કુલ રુપિયા 40નો ખર્ચ થાય છે. ઈ-મેમો તૈયાર કરવો, કુરિયાર અને આરટીઓ સહિતનો તમામ ખર્ચ આવી જાય છે.
અમદાવાદમાં 107.71 કરોડનો દંડ વસૂલવાનો બાકી
અમદાવાદ જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 7,29,44,080 રુપિયાનો ખર્ચ વાહન ચાલકોને ઈ-મેમો ફટકારવા પાછળ કર્યો હતો.અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમના ભંગ બદલ વાહન ચાલકોને કુલ 18,23,602 ઈ-મેમો ફટકારવવામાં આવ્યા છે. એની સામે ટ્રાફિક પોલીસ દ્વારા માત્ર રુપિયા 14.52 કરોડ વસૂલવામાં આવ્યા હતા. જ્યારે રુપિયા 107.71 કરોડનો દંડ વાહન ચાલકો પાસેથી વસૂલવાનો બાકી છે. જો કે, ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને રસ્તા પર ઊભા રાખીને ઈ-મેમો બતાવીને દંડ વસૂલવામાં આવતો હતો. જેની વાહન ચાલકો દ્વારા ફરિયાદ પણ ઉઠતા આ ખાસ ડ્રાઈવ પોલીસે બંધ કરી હતી.
આ શહેરોમાં સૌથી વધુ દંડ વસૂલવાનો બાકી
અમદાવાદ જિલ્લામાં કુલ 18,23,602 ઈ-મેમો સામે માત્ર રુપિયા 14.52 કરોડનો દંડ ભરવામાં આવ્યો છે. જ્યારે રુપિયા 107.71 કરોડનો દંડ બાકી છે. રાજકોટ જિલ્લામાં કુલ 14,92,715 ઈ-મેમો સામે માત્ર રુપિયા 17.57 કરોડનો દંડ ભરવામાં આવ્યો છે. જ્યારે રુપિયા 113.60 કરોડનો દંડ ભરવાનો બાકી છે. સુરત જિલ્લામાં કુલ 1,69,935 ઈ-મેમો સામે માત્ર રુપિયા 1.15 કરોડનો દંડ ભરવામાં આવ્યો છે. જ્યારે રુપિયા 9.84 કરોડનો દંડ બાકી છે. વડોદરા જિલ્લામાં કુલ 9,82,481 ઈ-મેમો સામે માત્ર રુપિયા 9 કરોડનો દંડ ભરવામાં આવ્યો છે. જ્યારે રુપિયા 53.55 કરોડનો દંડ ભરવાનો બાકી છે. ગાંધીનગર જિલ્લામાં કુલ 1.13,361 ઈ-મેમો સામે માત્ર રુપિયા 1.14 કરોડનો દંડ ભરવામાં આવ્યો છે. જ્યારે રુપિયા 5.09 કરોડનો દંડ ભરવાનો બાકી છે.
માધવપુરાની કોર્ટમાં 50થી વધુ કેસોમાં ફરિયાદ થઈ હતી
ટ્રાફિક પોલીસ દ્વારા માધવપુરાની કોર્ટમાં 50થી વધુ કેસોમાં ફરિયાદ થઈ હતી. સમય મર્યાદામાં કાર્યવાહી કરવામાં ન આવતા કોર્ટે આ ફરિયાદો કાઢી નાખી હતી. હવે 11 લાખથી વધુના ઈ-મેમોમાં વાહન ચાલકો પાસેથી કેવી રીતે દંડની રકમ વસૂલવી તે બાબતે સરકારી વકીલ સહિત કાયદાના જાણકારોની સલાહ લેવામાં આવી હતી. જેમાં તમામે ફરિયાદ કરવાની ના પાડી હતી. એટલે ટ્રાફિક પોલીસ ડ્રાઈવના નામે વાહન ચાલકો પાસેથી દંડની રકમ વસૂલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.