અધિકારીએ ફરજ બજાવી:અમદાવાદના માણેકબાગ ચાર રસ્તાએ ટ્રાફિકજામ થયો, રોડ પર પસાર થતાં IPS પ્રેમસુખ ડેલુએ કારમાંથી ઉતરી ટ્રાફિક કંટ્રોલ કર્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડીસીપી પ્રેમસુખએ ડેલુટ્રાફિકનું નિયમન કરવાની જવાબદારી સંભાળી લીધી - Divya Bhaskar
ડીસીપી પ્રેમસુખએ ડેલુટ્રાફિકનું નિયમન કરવાની જવાબદારી સંભાળી લીધી
  • ગણતરીની મિનિટોમાં IPS અધિકારીએ ટ્રાફિક પૂર્વવત કરી કહ્યું- આ તો અમારી ડ્યુટી છે
  • ઘરે જવાની ઉતાવળમાં કેટલાક વાહનચાલકોએ સિગ્નલ તોડતા ટ્રાફિક જામ થયો હતો

સવારે ઓફિસ જવાના સમયે અને સાંજે ઓફિસથી ઘરે જવાના સમયે અમદાવાદના તમામ ચાર રસ્તાઓ ઉપર ટ્રાફિક જામ થાય નહીં એવું બને જ નહીં. ઘરે જવાની ઉતાવળમાં લોકો ટ્રાફિકના નિયમો તોડે અને ટ્રાફિક પોલીસ બીજા જ કામમાં વ્યસ્ત હોય. શનિવારે સાંજે શહેરના પોશ વિસ્તાર માણેકબાગ ચાર રસ્તા પાસે લગભગ કલાકથી ટ્રાફિકજામ હતો. ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલા આઇપીએસ અધિકારી પ્રેમસુખ ડેલુ ખુદ પોતાની કારમાંથી નીચે ઉતરી ટ્રાફિક નિયમનની જવાબદારી પોતાના હાથમાં લીધી હતી.

અધિકારી રોડ ઉપર ઉતરી પડતા શહેરીજનોએ પણ તેમને સહકાર આપ્યો હતો અને ગણતરીની મિનિટોમાં ટ્રાફિકનું નિયમન શરૂ થતા ટ્રાફિક ખુલી ગયો હતો. આ મુદ્દે પ્રેમસુખ ડેલુએ પૂછતાં તેમણે જણાવ્યું હતું કે આ તો અમારી ડ્યુટી છે.

સાંજે લગભગ સાડા સાતેક વાગ્યાના સુમારે માણેકબાગ ચાર રસ્તા પાસે ચારે બાજુથી વાહનો ધસારો વધતા ધીમે ધીમે ટ્રાફિકજામ થવા લાગ્યો હતો અને ગાડીઓની લાંબી કતારો લાગી ગઇ હતી. ઘરે જવાની ઉતાવળને કારણે કેટલાક લોકોએ સિગ્નલ તોડતા ટ્રાફિક જામ થઇ ગયો હતો. હવે બધાને ઘરે જવાની ઉતાવળ હોવાથી ગાડીની લાઈનો લાંબી થતી હતી. આગળ એક પણ કાર નહીં જતાં ટ્રાફિક વધતો જતો હતો. કેટલાક જાગૃત નાગરિકોએ આ બાબતે ટ્રાફિક કંટ્રોલ રૂમમાં પણ જાણ કરી હતી.

ત્યારે સ્થાનિક વિસ્તારના ડીસીપી પ્રેમસુખ ડેલુ પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા. આટલો બધો ટ્રાફિકજામ જોતા તેઓ જાતે જ પોતાની કારમાંથી નીચે ઉતર્યા હતા અને ટ્રાફિકનું નિયમન કરવાની જવાબદારી સંભાળી લીધી હતી. તેમણે વાહનોને ડાયવર્ટ કરી ધીમે ધીમે ટ્રાફિક જામ ખૂલી જાય તેવા પ્રયાસો શરૂ કર્યા હતા. ઉતાવળમાં ટ્રાફિકના નિયમો તોડતા શહેરીજનો પણ આઇપીએસ અધિકારીની કામગીરી જોઈ તેમને સહકાર આપવા લાગ્યા હતા અને ગણતરીની મિનિટોમાં માણેકબાગ ચાર રસ્તા પાસે ટ્રાફિક ખુલી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...