ચેમ્બરમાં ભારે હોબાળો:વેપારીઓની રજૂઆત સરકારને ન પહોંચતા કારોબારીની બેઠકમાં વિવિધ ટ્રેડ પ્રમુખોએ બળાપો ઠાલવ્યો

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ - ફાઇલ તસવીર
  • કમિટી પ્રમુખોની રજૂઆત ન સાંભળવા બદલ હોદ્દેદારો સામે રોષ

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની શુક્રવારે મળેલી કારોબારી બેઠકમાં વિવિધ ટ્રેડના પ્રમુખોએ હોબાળો કર્યો હતો. તેમનો આક્ષેપ હતો કે, ચેમ્બરના હોદેદારો નાના વેપારીઓ અને મહાજનોની મુશ્કેલીને સાંભળતા નથી. વેપારીઓની રજૂઆત સરકાર સુધી પહોંચતી નથી. આ સંજોગોમાં એપેક્સ કે હાઈપાવર કમિટી જલ્દી નિર્ણય લે તેવી રજૂઆત થઇ રહી છે.

શુક્રવારે આયોજીત ચેમ્બરની કારોબારી બેઠકમાં ટ્રાન્સપોર્ટ કમિટીના પ્રમુખ હિતેન વસંતે ટ્રાન્સપોર્ટની રજૂઆત માટે તેમને બોલાવવામાં આવતા ન હોવાની ફરિયાદ કરી હતી. જ્યારે હોટલ- રેસ્ટોરન્ટ ફૂડ કમિટીના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ રાજ્યની હોટલ રેસ્ટોરન્ટને ખોલવાની જગ્યાએ માત્ર ટેક અવેની રજૂઆત કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.

બેઠકમાં ટ્રેડ પ્રમુખો દ્વારા તેમની ફરિયાદોને સાંભળવામાં આવતી ન હોવાનું તેમજ તેમની રજૂઆત વખતે સરકાર સમક્ષ તેમને બોલાવામાં ન આવતા હોવાની ફરિયાદો થઈ હતી. નાના વેપારીઓની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઇને ટ્રેડ પ્રમુખોએ ચેમ્બરને અનેક વખત રજૂઆત કરવા છતાં રજૂઆત સરકાર સુધી પહોંચાડાતી નથી. નાના વેપારીઓ તૂટી રહ્યાં છે પરંતુ તેમને મુદ્દે કોઇ નક્કર દરખાસ્ત લઇને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના હોદેદારો રજૂઆત ન કરતું હોવાથી નાના વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

ચેમ્બરના હોદેદારોના વલણને જોઇને નાના વેપારીઓ અને એસોસિએશનો નારાજ થયા છે. ચેમ્બરના પાંચ હોદ્દેદારોના વલણથી વિવિધ કમિટીના પ્રમુખો અને એસોસિએશન નારાજ છે. ચેમ્બરના હોદ્દેદારોનો સમયમર્યાદા પૂરો થતો હોવાથી કોઇને કામ કરવામાં રસ રહ્યો નહીં હોવાનું ચેમ્બરના વતૃળો જણાવી રહ્યાં છે. નાના વેપારીઓ અને એસોસિએશનો ચાલુ હોદ્દેદારોને હોદાથી દૂર કરવા અંદર ખાને શરૂઆત કરી દીધી છે. બીજી તરફ ચેમ્બરના સભ્યોના હિતમાં એપેક્સ કમિટી કે હાઈપાવર કમિટી સત્તા લઇને નિર્ણય જલદી લે તેવી નાના વેપારીઓ અને એસોસિયેશન દ્વારા માંગણી ઊઠી છે.

અન્ય સમાચારો પણ છે...