માસ્કના નામે વિવાદ:અમદાવાદમાં પોલીસ પર માસ્ક મામલે વેપારીને ઢોર મારમારવાનો આક્ષેપ, વેપારીઓએ પોલીસની હેરાનગતિના વિરોધમાં સ્વયંભૂ બંધ પાળ્યો

અમદાવાદએક વર્ષ પહેલા
પોલીસે મારેલા મારના ચકામા બતાવવા ચંપલના વેપારીએ વિડીયો વાઈરલ કર્યો - Divya Bhaskar
પોલીસે મારેલા મારના ચકામા બતાવવા ચંપલના વેપારીએ વિડીયો વાઈરલ કર્યો

શહેરમાં એકતરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવાની જવાબદારી આપવામાં આવી છે, પરંતુ પોલીસ પ્રજાની મિત્ર તરીકે નહિં પરંતુ દુશ્મનની જેમ વર્તન કરી માસ્ક અને સોશિયલ ડિસ્ટનસના નામે ગુંડાગીરી પર ઉતરી આવી છે. કાલુપુર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ બાદ હવે ખાડિયા પોલીસ સ્ટેશન વિવાદમાં આવ્યું છે. બે દિવસ પહેલા માસ્કના નામે ખાડિયા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા ચંપલના વેપારીને માર માર્યો હોવાનો વેપારીઓએ આક્ષેપ કર્યો છે. વેપારીએ વાઈરલ કરેલા આ વિડિયોમાં તે પીઠ બતાવીને કહે છે કે, ગંભીર ગુનેગારને માર મારે એવો માર માર્યો છે. તેમજ તેમની પીઠ પર લાલ ચકામા પણ જોવા મળ્યા હતા.

પોલીસ માસ્કના નામે વેપારીઓને હેરાન કરે છેઃ વેપારીઓ
પોલીસની આ હેરાનગતિ સામે આજે સારંગપુર કોટની રાંગ પાસે ચંપલના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળી વિરોધ નોંધાવ્યો છે. આ વિરોધ નોંધાવી પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે પોલીસ માસ્કના નામે વેપારીઓને હેરાન કરે છે. દુકાનમાં બે લોકો હોય તો પણ સોશિયલ ડિસ્ટન્સના નામે દંડ ફટકારે છે. ખાડિયા પોલીસ સ્ટેશનના પીઆઇ પિયુષ પટેલે Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે માસ્ક મામલે પોલીસ સાથે વેપારીએ ઉદ્ધતાઇ કરી હતી. પોલીસ તો માસ્ક મામલે દંડ ફટકારે છે. વેપારી પાસે માફીપત્ર લખાવ્યું છે અને આજે તેઓએ સ્વયંભૂ બંધ પાળ્યો છે.

ગુનેગારો સામે કુણું વલણ અને નાગરિકોને ધમકાવી પૈસા પડાવે છે
પોલીસ પ્રજાની મિત્ર બની, પડખે રહીને ગુનેગારોની સામે કડક બની કામ કરવાનું હોય છે, પરંતુ પોલીસ તેનાથી વિપરીત કામ કરી રહી છે. ગુનેગાર સામે કુણું વલણ અપનાવી મોટી રકમો પડાવી ખિસ્સા ભરે છે અને પ્રજાને દંડના નામે ઉઘરાણા કરવા હેરાન કરી રહી છે. બે દિવસ પહેલા ખાડિયા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ સારંગપુર ખાતે આવેલા ચંપલબજારમાં ગયા હતા, જ્યાં એક વેપારીને દુકાનમાં જઈ માસ્કના નામે દંડ માંગ્યો હતો. માસ્ક પહેર્યું હોવા છતાં પોલીસે કેમ માસ્ક પહેર્યું નથી તેમ કહી બોલાચાલી કરી હતી. જેને પગલે વેપારી અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં પોલીસે વેપારીને માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. વેપારીઓને ખાડિયા પોલીસ હેરાન કરતી હોવાને લઈ આજે સારંગપુર ચંપલબજારના વેપારીઓ ભેગા થયા હતા અને બજાર બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો.

સામાન્ય નાગરિકે માસ્ક નહીં પહેરતાં પોલીસ દુકાનમાં ઘૂસી ઉઠાવી ગઈ હતી
થોડા દિવસ પહેલા જ કાલુપુર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના પોલીસકર્મીઓએ પણ વેપારી સાથે સોશિયલ ડિસ્ટન્સના નામે દંડ માંગ્યો હતો, જેમાં વેપારી અંદર હોવા છતાં તેમની સાથે દંડ મામલે બોલાચાલી કરી અને ધમકી આપી હતી કે કોર્પોરેશન નથી, પોલીસ છીએ અને ગુનો દાખલ કરી દઈશ. ગળાથી પકડી વેપારીના પુત્રને પોલીસ ચોકીમાં ઉઠાવી ગયા હતા. જ્યાં તેની પાસે માફીપત્ર લખાવી દંડ લઈ જવા દીધો હતો. પોલીસનું આ વર્તન કેટલું યોગ્ય છે ? પ્રજા પાસે આ રીતે હેરાન કરી પોલીસ 7 કરોડ નહિ 70 કરોડ ઉઘરાણી કરે તો નવાઈ નહિ.

ખુદ મેયર જ સામાન્યસભામાં માસ્ક વિના પહોંચ્યા હતા
કોરોનાના કાળા કહેર વચ્ચે શહેરનાં પ્રથમ નાગરિક એવાં ભાજપનાં મેયર બીજલબહેન પટેલ શુક્રવારે યોજાયેલી મ્યુનિ.ની સામાન્ય સભામાં માસ્ક પહેરી રાખીને એક સારું ઉદાહરણ આપે એવી અપેક્ષા હતી, પરંતુ તેમણે માસ્ક હટાવી દઈને ખરાબ દાખલો બેસાડ્યો હતો. જેના વિરોધમાં ‘દિવ્ય ભાસ્કર’એ તેમનો માસ્ક વગરનો ચહેરો તસવીરમાંથી હટાવી દીધો હતો. જો કે પોલીસ નેતાઓને દંડ કરવાને બદલે સામાન્ય લોકોને દંડ કરવામાં બહાદુરી બતાવી રહી છે.

નેતાઓ અને કાર્યકરોને દંડ થશે?
સોશિયલ ડિસ્ટન્સિગના ભંગ બદલ દુકાનો, મોલ, કોમ્પ્લેક્સને દંડ ફટકારવામાં આવી રહ્યા છે, જ્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જાહેરમાં બિનધાસ્ત બનીને સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડાવી રહ્યા છે. તેમજ સામાન્ય લોકોને રૂ.1000નો દંડ કરતી સરકાર નેતાઓ અને કાર્યકરોને દંડ કરશે?

અન્ય સમાચારો પણ છે...