તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારી શિક્ષણ તરફ વાલીઓની દોટ:'ખાનગી સ્કૂલ વર્ષે રૂ.5000ની બુક્સ મંગાવે છે, મોંઘી ફી પોસાતી નથી', અમદાવાદમાં 8 વર્ષમાં 34 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડી

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: આનંદ મોદી
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગત વર્ષે સરકારી સ્કૂલમાં 3500 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો
  • નવા સત્રમાં આર્થિક સંકડામણ અને સારી સુવિધાને કારણે સરકારી સ્કુલોમાં એડમિશન વધ્યા

શૈક્ષણિક સત્ર 2021-22 શરુ થયું છે ત્યારે હવે આર્થિક સંકડામણ અને સારી સુવિધાને કારણે ખાનગી સ્કૂલોની જગ્યાએ સરકારી સ્કુલોમાં એડમિશન વધ્યા છે. ગત વર્ષે ખાનગી સ્કૂલમાંથી 3500 જેટલા વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલમાં પ્રવેશ લીધો હતો, ત્યારે હવે નવા વર્ષની શરૂઆતના અઠવાડિયામાં જ 375 વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી સ્કૂલમાં એડમિશન લીધું છે. અલગ અલગ કારણોથી વાલીઓએ એડમિશન ખાનગીમાંથી સરકારી સ્કૂલોમાં ટ્રાન્સફર કર્યા છે.

ખાનગી શિક્ષણ મોંઘું થતા સરકારી તરફ વાલીઓની દોટ
કોરોના શરુ થતા શિક્ષણ ઓનલાઈન શરુ થયું છે, છેલ્લા દોઢ વર્ષથી વિદ્યાર્થીઓ ઘરે બેઠા જ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે સરકારી અને ખાનગી તમામ સ્કૂલો દ્વારા બાળકોને ઓનલાઈન જ ભણાવવામાં આવી રહ્યા છે. પરંતુ ખાનગી સ્કૂલોમાં મોંઘીદાટ ફી વસૂલવામાં આવી રહી છે, જયારે સરકારી સ્કૂલોમાં વિના મુલ્યે ભણાવવામાં આવી રહ્યા છે. કેટલાક વાલીઓની આર્થિક સ્થિતિ પર કોરોનાને કારણ અસર વર્તાઈ છે, જેના કારણે વાલીઓએ સરકારી સ્કૂલોમાં એડમિશન લેવાની ફરજ પડી છે. આમ વાલીઓએ અલગ અલગ કારણથી એડમિશન ટ્રાન્સફર કર્યા છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

'સ્કૂલ દર વર્ષે રૂ.5000ની બુક્સ મંગાવે છે'
મોનિકા પંડ્યા નામના વાલીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારો દીકરો અગાઉ દિવાન બલ્લુભાઈ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. પરંતુ સ્કૂલમાં દર વર્ષે 5000 રૂપિયાની બુક્સ મંગાવાય છે. સ્કૂલની ફી પણ વધારે છે અને હું સિંગલ મધર છું, જેથી મોંઘી ફી મને પોસાય તેમ નથી, જેના કારણે મેં મારા દીકરાનું એડમિશન 5માં ધોરણમાં ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં ટ્રાન્સફર કર્યું છે.

'ખાનગી જેવી સુવિધા સરકારી સ્કૂલમાં મળે છે'
વર્ષાબેન ગોહિલ નામના વાલીએ જણાવ્યું હતું કે, મારે 3 દીકરી છે જે અગાઉ રાજસ્થાન સ્કૂલમાં ભણતી હતી. અત્યારે ખાનગી સ્કૂલમાં જે સુવિધા મળે છે તે જ સુવિધા સરકારી સ્કૂલમાં મળી રહી છે, જેના કારણે મેં મારી ત્રણેય દીકરીઓના ધોરણ 2,4 અને 5માં એડમિશન કરાવ્યું છે. ખાનગી સ્કૂલમાં હાઈક્લાસ વિદ્યાર્થીઓ આવે છે જયારે સરકારી સ્કૂલમાં માધ્યમ વર્ગીય પરિવાર આવે છે. સરકારી સ્કૂલમાં બુક્સ પણ વિના મૂલ્ય આપવામાં આવે છે.તમામ બાબતોને ધ્યાનમાં રાખીને મેં મારી ૩ દીકરીઓના એડમીશન ટ્રાન્સફર કર્યા.

'સ્કૂલમાં ફી વધારે છે અને પગાર ઓછો છે'
જ્યારે પુખરાજ ફૂલવારીયા નામના વાલીએ જણાવ્યું હતું કે, હું ખાનગી કોલેજમાં ફીઝીકસનો પ્રોફેસર છું. અત્યારે ખાનગી સ્કૂલમાં ફી બહુ વધારે છે અને મારો પગાર પણ 20,000 રૂપિયા છે, જેમાંથી મારે મારા ઘરનું ભાડું, લાઈટબીલ ભરીને ઘર ચલાવવાનું છે. આવી સ્થિતિમાં મારા બાળકને મોંઘી ફી ભરીને ભણાવવો મુશ્કેલ છે જેથી મેં મારા બાળકનું એડમિશન ખાનગીમાંથી ટ્રાન્સફર કરીને સરકારી સ્કૂલમાં લીધું છે.

આઠ વર્ષમાં કેટલા વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલમાં ગયા?
કોરોના વાયરસની મહામારીના સમયમાં અનેક લોકોએ વૈકલ્પિક વિચારસરણી અપનાવી લીધી છે. અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતી સંચાલિત સ્કૂલોમાં છેલ્લા આઠ વર્ષમાં કુલ 50 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડી સરકારી શાળામાં એડમિશન લઈ લીધું છે.

વર્ષ

ખાનગી સ્કૂલ છોડનારા વિદ્યાર્થીઓ

2014-15

4,397 વિદ્યાર્થી

2015-16

5,481 વિદ્યાર્થીઓ

2016-17

5,005 વિદ્યાર્થીઓ

2017-18

5,219 વિદ્યાર્થીઓ

2018-19

5,791 વિદ્યાર્થીઓ

2019-20

5,272 વિદ્યાર્થીઓ

2020-21

3,334 વિદ્યાર્થીઓ

અઠવાડિયામાં જ 375 વિદ્યાર્થીઓએ સરકારીમાં પ્રવેશ મેળવ્યો
નોંધનીય છે કે ગત વર્ષે કોર્પોરેશન સ્કૂલમાં 3500 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી ટ્રાન્સફર લઈને પ્રવેશ મેળવ્યો હતો. જયારે આ વર્ષે શરૂઆતના અઠવાડિયામાં જ 375 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે, ત્યારે હવે અગામી દિવસમાં આ એડમીશનનો આંકડો 5000 સુધી પહોંચવાની શક્યતા છે. કોર્પોરેશન સ્કૂલ બોર્ડ પણ વધુ વિદ્યાર્થીઓના એડમિશન થાય તો વર્ગ વધારવા તૈયાર છે.