કોરોનાના કેસ ધીમે ધીમે ઓછા થતા માંડ માંડ પાટે ચડેલો ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ફરી ધંધો પડી ભાગે એવી સ્થિતીનું નિર્માણ થયું છે. દિવસેને દિવસે વધી રહેલા કોરોના કેસોને કારણે લગ્ન સમારોહમાં નિયંત્રણ લાદવામાં આવ્યા છે. જેને લઇને લગ્ન પ્રસંગ માટે ટ્રાવેલ્સ બુક કરાવનાર લોકો બુકિંગ રદ કરાવી રહ્યા છે તો કેટલાક લોકો બુકિંગ કરાવેલ ગાડીઓ અને વાહનોની સંખ્યા ઘટાડી રહ્યા છે.
લગ્નમાં 150ની સંખ્યામાં જ મહેમાનોને મંજૂરી
એક તરફ જ્યાં રાજ્યમાં ઉત્તરાયણ બાદ શરૂ થતાં લગ્નોની મોસમ શરૂ થવા જઈ રહી હતી. જેના કારણે કોવિડની બીજી લહેર બાદ અલગ-અલગ ધંધા વેપાર બેઠા થઈ રહ્યા હતા. પરંતુ ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે, આ સ્થિતિમાં રાજ્ય સરકારે નિયંત્રણો લાદવાની ફરજ પડી છે. તેવામાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સંચાલકોની સ્થિતિ કફોડી બની છે. કારણકે લગ્ન પ્રસંગે 150 લોકોને જ પરવાનગી આપવામાં આવી છે. જેને લઇને લગ્ન માટે બસો બુક કરાવનાર લોકો ટ્રાવેલ્સ કે વાહનોનું બુકીંગ કેન્સલ કરી રહ્યા છે. અથવા તો જે બસો કે વાહનો બુક કરાવ્યા હતા, તેમાં ઘટાડો કરી રહ્યા છે.
નવી ગાઈડલાઈન આવતા અનેક ગાડીઓના બુકિંગ રદ
ગુજરાત રાજ્ય ટુરિસ્ટ ઓપરેશન એસોસિએશનના મંત્રી કિરણ મોદીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે, બે મહિના અગાઉ પરિસ્થિતિ સારી હતી. એટલે ધામધૂમથી લગ્નના અયોજન માટે ગાડીઓ બુક થઈ હતી. પરંતુ જ્યારથી નવી ગાઇડલાઈન જારી થઈ, એના કલાક બાદ ઉપરાછાપરી બસ રદ કરવાના ફોન આવી રહ્યા છે. જેના કારણે મોટું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવશે. એક અંદાજ પ્રમાણે લગ્ન પ્રસંગ નિમિત્તે રાજ્યભરમાં 55-60 હજાર ગાડીઓ નવા નિયંત્રણ આવવાથી બુકીંગ રદ થશે.
કોરોનાના કારણે ટુરિઝમના ધંધામાં પણ મંદી
માત્ર લગ્નની સીઝન નહીં પરંતુ શિયાળાની ઠંડીની મોસમમાં ટુરીઝમ ક્ષેત્રે મહત્વનો સમય માનવામાં આવે છે. જેમાં ગ્રુપ ટુર, ફેમિલી ટુર, કોર્પોરેટ ટુર બિઝનેસ ટુર, ધાર્મિક સ્થળ ઉપરની ટુર વગેરે પ્રકારની ટૂર રદ થઈ છે. વળી વિદેશથી આવતા પ્રવાસીઓ પણ અહીં લોકલ ટ્રાવેલ્સ ની મદદથી રાજ્યભરમાં પ્રવાસ કરતા હોય છે પરંતુ તે પણ પાછલા બે વર્ષથી બંધ અવસ્થામાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.