ઇંધણના ભાવવધારાથી ટુરિઝમને અસર:ટૂર ઓપરેટરોએ પેકેજના ભાવ ન વધાર્યા, પણ 8 નાઈટ, 9 દિવસને બદલે હવે 6 નાઈટ અને 7 દિવસ કરી નાખ્યા

અમદાવાદએક મહિનો પહેલાલેખક: ચિરાગ રાવલ
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

પેટ્રોલ-ડીઝલના સતત વધતા જતા ભાવની અસર પેસેન્જર ટૂર પર પડે નહીં તે માટે ટૂર ઓપરેટરોએ પેકેજના દિવસોમાં ઘટાડો કરી દીધો છે. મોંઘવારીના લીધે કાશ્મીર સહિતની ટૂરમાં પ્રવાસી પેકેજના દિવસોમાં ઘટાડો કરીને 2019માં 8 નાઇટ 9 દિવસ હતા તે બદલીને હવે 6 નાઇટ 7 દિવસ કર્યા છે. બે વર્ષ પછી એપ્રિલથી જૂન સુધીમાં અમદાવાદથી અંદાજે 30 હજાર લોકો કાશ્મીર ફરવા જશે. એક વ્યક્તિના રૂ.15 હજાર ચાર્જ પ્રમાણે અંદાજે 450 કરોડના બિઝનેસનો ટૂર ઓપરેટરોએ અંદાજ મૂક્યો છે.

કોરોનાને લીધે ટૂર બુકિંગ કેન્સલ થયા હતાં તો કેટલાંકે રિફંડ નહીં લઇને કોરોના બાદ ટૂર ઓપરેટર કરવાની શરતે પોતાનું બુકિંગ પેન્ડિંગ રાખ્યું હતું. 2020માં ટૂર પેન્ડિંગ રાખનાર પ્રવાસીની સંખ્યા ઘણી હતી. આ લોકો 2022માં કાશ્મીર ફરવા જઇ રહ્યા છે. આ સિવાય નવા બુકિંગ પણ વધ્યા છે. કાશ્મીર સહિતના પ્રવાસન સ્થળોએ ફરવા જતી એક વ્યક્તિનો ખર્ચ રૂ.15 હજાર થાય છે. 2019માં 8 નાઇટ અને 9 દિવસ હતા, જ્યારે હાલ 6 નાઇટ 7 દિવસ છે. બે વર્ષ પછી કોરોનાના કેસમાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો થવાથી ટુરિસ્ટની સંખ્યા વધી રહી છે.

કાશ્મીર, મનાલી, દાર્જિલિંગ, સિમલા જતા ટૂરિસ્ટની સંખ્યામાં 40 ટકા સુધી વધારો
કાશ્મીરને ધરતીનું સ્વર્ગ કહેવાય છે. જેથી આ સ્થળે પ્રવાસીની સંખ્યા વધે તે વ્યાજબી છે. કાશ્મીરની સાથે ગુલબર્ગ, સોનમર્ગ, પહેલગામ અને વૈષ્ણોદેવી મંદિર જતાં પ્રવાસીની સંખ્યા 40 ટકા વધી છે. આ સિવાય મનાલી, સીમલા અને ડેલહાઉસી જતાં પ્રવાસીની સંખ્યા 40 ટકા અને દાર્જિલિંગથી ગેંગટોક જતાં પ્રવાસીની સંખ્યા 20 ટકા છે. જે અગાઉ અડધી હતી. - ગુણવંત ઠક્કર, પૂર્વ પ્રમુખ ગુજરાત ટૂરિસ્ટ વ્હીકલ ઓપરેટર એસોસિએશન

વિદેશ યાત્રા ઘટી, કાશ્મીર તરફ ધસારો
શ્રીલંકાની કટોકટીની પણ ટૂરિસ્ટ પર અસર થઈ છે. કોરોનાના ભયે મલેશિયા, સિંગાપોર, હોંગકોંગ, બેંગકોક જતાં લોકો ગભરાય છે. વર્તમાન સ્થિતિને લીધે વિદેશ ટૂરની અડચણના લીધે કાશ્મીરમાં 50 ટકા ધસારો જોવા મળે છે. - આલાપ મોદી, ટૂર ઓપરેટર

દિવાળી સુધીમાં પેકેજ મોંઘું થશે
પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધતા રહેશે તો સપ્ટેમ્બરથી દિવાળી સુધીના એડવાન્સ બુકિંગમાં ભાવ વધારો કરાશે. કારણ કે, હવે પછી પેકેજના દિવસોમાં ઘટાડો કરીએ તો પ્રવાસીઓ લાંબી ટૂરો ટાળી શકે. જેથી દિવસો ઘટાડવાના બદલે ટૂર ઓપરેટરો ભાવ વધારો કરશે. જૂન સુધીની ટૂરોમાં પેટ્રોલ-ડીઝલના વધતાં ભાવથી ટૂર ઓપરેટરોના નફામાં ઘટાડો થશે.

અન્ય સમાચારો પણ છે...