ભક્તો માટે દ્વાર ખૂલશે:11થી 15 જૂન સુધીમાં સોમનાથ, દ્વારકા, અંબાજી, ચોટીલા, પાવાગઢ સહિતના મંદિરો ખુલશે, જાણો ક્યા મંદિરમાં ક્યારે ક્યારે થઈ શકશે દર્શન

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તમામ મંદિરોમાં 50થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ
  • દર્શન વખતે માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ફરજિયાત

કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને રાજ્યનાં તમામ યાત્રાધામો મહિનાઓથી બંધ છે. ત્યારે હવે ગુજરાતમાં સંક્રમણનું પ્રમાણ ઘટતાં આવતીકાલે 11 મેથી મોટા ભાગનાં મંદિરો ભક્તો માટે ખુલ્લાં મુકાશે, જેમાં સોમનાથ, દ્વારકા, શામળાજી, ચોટીલાનો સમાવેશ થાય છે, જ્યારે વડતાલ સ્વામિનાયણ મંદિર, અંબાજી, 12 જૂનથી અને બગદાણા 15 જૂન બાદ ખૂલશે.

સરકાર દ્વારા કેટલાક કડક નિયમો સાથે મંદિરો ખોલવાની મંજૂરી આપી છે. ભક્તો નિયમનો ભંગ ન કરે અને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય એનું ધ્યાન મંદિર સંચાલકોએ રાખવાનું રહેશે. તમામ મંદિરોમાં 50થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લાગુ કરાયો છે.

સોમનાથ મંદિર 61 દિવસ બાદ ખૂલશે
કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને સોમનાથ મહાદેવ મંદિર તા. 11 એપ્રિલ 2021થી દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું, જે હવે આવતીકાલે એટલે તા.11 જૂન 2021થી ભાવિકો માટે ખૂલી જશે. આમ આ કોરોનાની બીજી લહેર બાદ 61 દિવસે ફરી મંદિર ખૂલશે. આ અંગે સોમનાથ ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે કે ગાઈડલાઈન્સ મુજબ દર્શન માટે માસ્ક ફરજિયાત પહેરીને જ આવવાનું રહેશે. મંદિરમાં અને આખા સંકુલમાં સામાજિક અંતર જાળવવાનું રહેશે, ટેમ્પરેચર ચેક કરાવી, હાથ સેનિટાઈઝ કરીને જ પ્રવેશ કરવાનો રહેશે.

ટ્રસ્ટની વેબસાઈટ www.somnath.org પર પણ દર્શન માટેના સ્લોટની લિંક મૂકવામાં આવી છે, જે દ્વારા ઓનલાઈન બુક કરાવી દર્શન પાસ મેળવી શકાશે, જેથી વધુ સમય લાઈનમાં ન ઊભા રહેવું પડે. મંદિરમાં દર્શનનો સમય પણ મર્યાદિત છે. એ મુજબ સવારે 7:30થી 11:30 અને 12:30થી 6:30 સુધી માત્ર દર્શન માટે જ મંદિર ખૂલશે. આરતીમાં કોઈને પણ પ્રવેશ આપવામાં નહીં આવે.

ભગવાન દ્વારકાધીશજીનું મંદિર 2 મહિને ખૂલશે
યાત્રાધામ દ્વારકામાં સુપ્રસિદ્ધ ભગવાન દ્વારકાધીશજી મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવે છે. કોરોના સંક્રમણને કારણે ગત એપ્રિલ માસથી મંદિરનાં દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ રખાયા હતા. જોકે હવે કોરોના સંક્રમણ ઘટતાં વહીવટી તંત્ર દ્વારા તા.11મી જૂનથી જગત મંદિરને દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે. દ્વારકામાં દ્વારકાધીશજીને શીશ નમાવવા માટે દેશ-વિદેશથી અનેક ભકતજનો દર્શનાર્થે આવે છે. જગત મંદિરનાં દ્વાર ફરી ખૂલવાના સમાચારથી ભાવિકોમાં ખુશીની લહેર વ્યાપી છે.

ભક્તો 12 જૂનથી કરશે મા અંબાનાં દર્શન
કોરોના મહામારીના પગલે 13 એપ્રિલથી બંધ અંબાજી મંદિર 57 દિવસ બાદ માના દર્શનને લઈ ભક્તો માટે 12 જૂનથી ખુલ્લું મુકાશે, જોકે મા અંબાનાં દર્શન કરવા આવનારા દર્શનાર્થીને મા અંબાના સિંહની સવારીવાળા ગર્ભગૃહ સામે ઊભા રહેવા નહીં દેવાય, પણ ચાલતાં ચાલતાં જ દર્શનાર્થીએ દર્શન કરી લેવા પડશે. મંદિરની આવક એક વર્ષમાં અડધી ઘટી ગઈ છે. મંદિર બંધ રહેતાં દાનની 2 કરોડની આવકનું નુકસાન થયું છે. જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે મંદિર ખોલવા બાબતે સ્ટાફ સાથે વાત કરીને બધી તૈયારી કરી લીધી છે. સોશિયલ ડિસ્ટન્સ સાથે 12મીથી જ અંબાજી મંદિર શરૂ કરીશું. ભક્તોને દર્શન માટે અનુકૂળ રહે એ માટે વોકિંગ ટ્રેક બનાવાયો છે.

સુપ્રસિદ્ધ પાવાગઢ મંદિર પણ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે.
સુપ્રસિદ્ધ પાવાગઢ મંદિર પણ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે.

આવતીકાલથી પાવાગઢ, ચોટીલા, વડતાલ મંદિર ખૂલશે
પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી વિષ્ણુ મંદિરનાં દ્વાર કોરોનાની મહામારીને કારણે છેલ્લા બે માસ ઉપરાંતના સમયથી બંધ કર્યા હતા, પરંતુ સરકારે ધાર્મિક સ્થાન પર મૂકેલાં નિયંત્રણ હળવા કરતાં આવતીકાલથી એટલે કે તારીખ 11 જૂનથી મંદિરનાં દ્વાર દર્શનાર્થીઓ માટે ખૂલી જશે. સુપ્રસિદ્ધ પાવાગઢ મંદિર પણ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે. એ જ રીતે ચોટીલાનું ચામંડા માતાજી તેમજ ભાવનગરના ખોડિયાર મંદિર 11 જૂનથી ખુલ્લું મુકાશે, સાથે જ વડતાલનું સ્વામિનારાયણ મંદિર અને નડિયાદનું સંતરામપુર મંદિર 11મીથી ખૂલશે, જ્યારે ડાકોર મંદિર હાલ ખોલવું કે નહીં એ અંગે આજે મીટિંગ મળશે. બીજી તરફ પૂ. બજરંગદાસ બાપાના જગવિખ્યાત તીર્થધામ બગદાણા ખાતે મંદિર તા.11 જૂને ખૂલશે નહીં એમ ટ્રસ્ટીગણે જણાવ્યુ઼ં હતું. મંદિર ખોલવા બાબતે 15 જૂન બાદ નિર્ણય લેવાશે.

ખોડલધામમાં ધ્વજારોહણમાં 50 ભાવિક જ ઉપસ્થિત રહી શકશે
લેઉવા પટેલ સમાજના એકતાનું પ્રતીક ખોડલધામ મંદિર 11 જૂનથી ખૂલશે, મંદિર સવારના 7થી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. ધ્વજારોહણમાં 50 ભાવિક જ ઉપસ્થિત રહી શકશે. આ મંદિર છેલ્લા બે મહિનાથી ભાવિકો માટે બંધ રાખવામાં આવ્યું છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સહિતના ટ્રસ્ટી મંડળ દ્વારા નિર્ણય લઈને તમામ ગાઈડલાઈનના પાલન સાથે મંદિર પરિસર ખોલવાનું નક્કી કરવામાં આવ્યું છે. ટ્રસ્ટના આ નિર્ણયને ભાવિકો પણ આવકારી રહ્યા છે. 10 એપ્રિલ-2021થી ખોડલધામ મંદિર કોરોનાવાયરસના પગલે દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયું હતું.

વીરપુરનું જલારામ મંદિર 65 દિવસ બાદ ખુલશે
કોરોનાની બીજી લહેરને લઈને વધુ સંક્રમણ ન ફેલાય તે માટે વીરપુર જલારામ મંદિરના ગાદીપતિ રઘુરામબાપાએ તારીખ 11 એપ્રિલના રોજ પૂજ્ય જલારામ બાપાની જગ્યા દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જે 65 દિવસ બાદ એટલે કે 14 જૂન અને સોમવારના રોજ દર્શનાર્થીઓ માટે ખુલશે. સરકાર જોકે સવાર-સાંજની આરતીમાં ભાવિકોને પ્રવેશ અપાશે નહીં. જલારામ બાપાના દર્શનનો સમય સવારે 7થી બપોરના 1 વાગ્યા સુધી અને બપોરે 3થી સાંજના 7 વાગ્યા સુધી રહેશે.

નીલકંઠધામ પોઇચા શ્રી સ્વામિનારાયણ મંદિર 12મી જૂને ખુલશે
નર્મદા કિનારે આવેલા નીલકંઠધામ પોઇચા શ્રી સ્વામિનારાયણ મંદિરના દર્શન ભાવિકો માટે ખુલ્લા કરવામાં આવ્યા છે. પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર સરકારની ગાઈડ લાઈન મુજબ માસ્ક પહેરવું, ડિસ્ટન્સ રાખવું વગેરે નિયમોના પાલન સાથે 12 તારીખને શનિવારના રોજથી ભાવિકો દર્શનનો તેમજ ભોજન પ્રસાદ અને રાત્રિ નિવાસનો લાભ લઇ શકે છે