હું ગુજરાત છું:આજના યુગના ‘રિસોર્ટ રાજકારણ’ ખેલની શરૂઆત ચીમનભાઈ યુગથી થઇ!

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડૉ. હરિ દેસાઈ વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક - Divya Bhaskar
ડૉ. હરિ દેસાઈ વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક
  • ચીમનભાઈ પટેલ પંચવટી પ્રપંચથી મુખ્યમંત્રી બન્યા, પણ સાથીઓ નર્મદા મુદ્દે આડા ફાટ્યા
  • વર્ષો સુધી ટ્રિબ્યુનલમાં વિચારાધીન મામલાનો હવે ઉકેલ આવવામાં હતો

મુખ્યમંત્રી ઘનશ્યામ ઓઝાનું રાજીનામું પડ્યું પછી નવા મુખ્યમંત્રી તરીકે કોણ આવે એ માટેના ખેલ તથા કાવાદાવા શરૂ થઇ ગયા. હિતુભાઈ અને ઘનશ્યામભાઈની સરકારો ગબડાવવાના અનુભવી ખેલાડી ચીમનભાઈ મુખ્યમંત્રી બનવાના સપનાં સાથે આગળ વધી રહ્યા હતા. જોકે વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીના સર્વપ્રથમ નિષ્ઠાવંત કાંતિલાલ ઘીયા રેસમાં આગળ નીકળે અને હાઇકમાન્ડને પડકારનાર ચીમનભાઈ પાછળ રહી જાય એવી સ્થિતિને આ પટેલ ભાયડો કબૂલ રાખે નહીં. એવા સંજોગોએ બહુચર્ચિત પંચવટી ફાર્મ પ્રકરણ સર્જ્યું. પંચવટીમાં પોતાના ટેકેદારોને રીતસર એકત્ર રાખવાના આજના યુગના રિસોર્ટ ખેલની શરૂઆત ચીમનભાઈ યુગથી થઇ. એ પહેલાં ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા યોજના સંદર્ભે સત્તાપક્ષ અને વિપક્ષની નોખી અને રસપ્રદ વાત આજે છેડવી છે.

હિતેન્દ્રભાઈ સરકારના છેલ્લા દિવસોમાં એમને ગબડાવીને પોતે મુખ્યમંત્રી બનવાના આકાંક્ષી એવા વિધાનસભામાં વિપક્ષના નેતા ભાઈકાકા અને એમના સ્વતંત્ર પક્ષના સાથીઓ જયદીપસિંહ તથા એચ.એમ.પટેલ નર્મદા યોજના સાકાર થાય એ માટે ભોપાલ ગયા હતા. મધ્યપ્રદેશમાં સંયુક્ત વિધાયક દળની સરકારના મુખ્યમંત્રી ગોવિંદ નારાયણ સિંહ અને જનસંઘના નેતાઓ રાજમાતા સિંધિયા તથા વિરેન્દ્ર કુમાર સકલેચાને મનાવીને નર્મદા વિવાદ ઉકલે એ દિશામાં પ્રયત્નો કરતા હતા.

જુલાઈ 1972માં ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ચારેય મુખ્યમંત્રીઓએ ઈન્દિરાજી પર નર્મદા ચુકાદો જાહેર કરવા સહમતી દર્શાવી હતી. વર્ષો સુધી ટ્રીબ્યુનલમાં વિચારાધીન રહેલા મામલાનો ઉકેલ આવવામાં હતો. એમાં ફાચર મારવા ચીમનભાઈનાં વિરોધીઓ પ્રયત્નશીલ હતા. ઇન્દિરા કોંગ્રેસમાંના જ નેતાઓ દિલ્હી દોડ્યા. નર્મદા ચુકાદો જાહેર થાય અને મુખ્યમંત્રી ચીમનભાઈને યશ મળે એ ના બને એટલા માટે શાસક કોંગ્રેસના કેટલાક અગ્રણીઓએ જ ઇન્દિરાજીને સમજાવ્યું. ચુકાદો મુલતવી રખાવ્યો. સ્વયં ચીમનભાઈએ લખેલી પુસ્તિકામાં આ ઉલ્લેખ કર્યો છે.

ભાઈકાકાનાં સંસ્મરણો તેમની ભોપાલ મુલાકાતમાં જનસંઘ સહિતની સરકારના મુખ્યમંત્રીના ગુજરાત વિરોધી વલણને બહુ જ સ્પષ્ટ શબ્દોમાં મૂક્યું છે. ભાઈકાકા લખે છે: “એક વખત શ્રી ગોવિંદ નારાયણ સિંહ બોલેલા કે ભાઈલાલભાઈ નવાગામનો બંધ બાંધવાની વાત કરે છે, પણ એ બંધ બંધાવાનું કામ શરૂ થશે તો હું મધ્યપ્રદેશમાંથી લોક્સેના મોકલીને કામ નહીં કરવા દઉં.આવી વાત એક રાજ્યના મુખ્યપ્રધાનને માટે શોભતી નથી. આપણા આગેવાનો કેટલી હદે નીચે ઊતરી ગયા છે તેનું આ દ્રષ્ટાંત છે.” છેક 1961માં ગોરા ખાતે સરદાર સરોવર નર્મદા યોજનાનું ખાતમુહૂર્ત કરવા વડાપ્રધાન નેહરુ આવ્યા પછી બંધની જગ્યા બદલવી પડી અને વિલંબ પણ થયો.

અન્ય સમાચારો પણ છે...