ધો.12 સાયન્સનું 72.02% પરિણામ:A1 ગ્રેડમાં 196, A2 ગ્રેડમાં 3306 વિદ્યાર્થી પાસ થયા, રાજકોટ જિલ્લાનું સૌથી વધુ તો દાહોદનું સૌથી ઓછું પરિણામ

અમદાવાદ2 મહિનો પહેલા
  • લાઠી કેન્દ્રનું સૌથી વધુ 96.12% અને સૌથી ઓછું લીમખેડા કેન્દ્રનું 33.33% પરિણામ
  • ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના પહેલા વીકમાં જાહેર થશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે 72.2 ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ પરિણામ રાજકોટ જિલ્લાનું 85.78 ટકા, જ્યારે સૌથી ઓછું દાહોદ જિલ્લાનું 40.19 ટકા આવ્યું છે. લાઠી કેન્દ્રનું સૌથી વધુ 96.12% અને સૌથી ઓછું લીમખેડા કેન્દ્રનું 33.33% પરિણામ આવ્યું છે.

ધોરણ 12 સાયન્સમાં A1 ગ્રેડમાં 196 અને A2 ગ્રેડમાં 3306 વિદ્યાર્થી પાસ થયા છે, જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 72.4 ટકા આવ્યું છે.

જુઓ ધોરણ 12 સાયન્સનું સંપૂર્ણ પરિણામ

વિદ્યાર્થીએ રડમસ થઈ કહ્યું, મહેનત જેટલું પરિણામ ન આવ્યું
વિશાલ કુશવાહ નામના વિદ્યાર્થીનું પરિણામ ઓછું આવ્યું છે, જેથી વિદ્યાર્થીએ રડમસ અવાજે કહ્યું હતું કે મેં 70-75 ટકા જેટલી મહેનત કરી હતી. મારા ધોરણ 10માં પણ 80 ટકા આવ્યા હતા. મેં મહેનત કરી એ પ્રમાણે મારું પરિણામ આવ્યું નથી. મારે 53 ટકા જ આવ્યા છે, પરંતુ હું હવે વધુ મહેનત કરીશ અને BSCમાં એડમિશન લઈશ તથા ગમે તેવા સંજોગોમાં GPSCની પરીક્ષા ક્રેક કરીશ. મારા પિતા રિક્ષા ચલાવે છે. જયેશ હેડા નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે મારે 87 ટકા આવ્યા છે અને ગુજકેટમાં 92 માર્ક્સ આવ્યા છે. પરિણામથી હું ખુશ છું. મેં રોજ 5થી 6 કલાક વાંચીને મહેનત કરી હતી. હવે BEમાં એડમિશન લેવું છે.

2021માં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું
2021માં ધોરણ 12 સાયન્સમાં એક લાખ 7 હજાર 264 વિદ્યાર્થીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર થયું હતું, જેમાં 3245 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 15 હજાર 284 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે. A ગ્રુપમાં 466 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે, જ્યારે B ગ્રુપમાં 657 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે. અમદાવાદ શહેરમાં 109 વિદ્યાર્થી અને અમદાવાદ ગ્રામ્યમાં 73 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે. સૌથી વધુ 26,831 વિદ્યાર્થીએ B2 ગ્રેડ મેળવ્યો છે.