નમસ્કાર,
આજે ગુરુવાર છે, તારીખ 12 મે, વૈશાખ સુદ-અગ્યારસ (મોહિની એકાદશી).
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે ધો.12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ, સવારે 10 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર જાહેર થશે
2) અમદાવાદમાં આજે હવામાન વિભાગે હિટવેવની આગાહી આપી
3) PM મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં CMના હસ્તે ભરૂચમાં 13 હજાર લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરાશે
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) કેજરીવાલના ભાજપ પર પ્રહાર: ‘પાટીલ કહે છે હું ઠગ છું, હું તમને કહેવા માગું છું કે, કોઈ ઠગ સરકારી સ્કૂલ અને સરકારી હોસ્પિટલ ઠીક કરાવે?’
વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ જોરશોરથી તૈયારીમાં લાગી ગઈ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બુધવારે રાજકોટમાં સભાને સંબોધી હતી. શાસ્ત્રીમેદાનમાં જંગી સભામાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં લોકો સભામાં આવ્યા એ બદલ તમારો આભાર. આજકાલ ગુજરાતના ગામડે ગામડે અને ઘરે ઘરે આમ આદમી પાર્ટીની ચર્ચા થઈ રહી છે. પાટીલ કહે છે હું ઠગ છું, હું તમને કહેવા માગું છું કે, કોઈ ઠગ સરકારી સ્કૂલ ઠીક કરાવે? કોઈ ઠગ શિક્ષણ અપાવે, કોઈ ઠગ સરકારી હોસ્પિટલ ઠીક કરાવે. શું તમને હું ઠગ નજર આવું છું.
2) ભાજપના ધારાસભ્યને બે વર્ષની સજા:પંચમહાલના રિસોર્ટમાં જુગાર રમતા ઝડપાયેલા માતરના MLA કેસરસિંહ અને 4 વિદેશી મહિલાને સજા ફટકારી
પંચમહાલ જિલ્લાના શિવરાજપુર ખાતે જીમીરા રિસોર્ટમાંથી 1 જુલાઇ, 2021ના રોજ રાત્રે પકડાયેલા જુગારધામ કેસમાં હાલોલ કોર્ટે માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત 26 દોષિત જાહેર કર્યાં છે અને તમામને 2 વર્ષની સજા ફટકારી છે. પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે શિવરાજપુરના જીમીરા રિસોર્ટમાં ચાલતા હાઈ પ્રોફાઇલ કેસનો જુગરધામ પર દરોડો પાડીને 26 જુગારીયાઓને ઝડપી કાર્યવાહી કરી હતી.
3) PGVCLના એન્જિનિયર પર હુમલો:પડધરીના મોવિયામાં વીજચોરી કરતા ભાજપના નેતાનો 40 લોકો સાથે હુમલો, તમાચાઓ મારતાં બહેરાશ આવી ગઈ
રાજકોટ જિલ્લાના પડધરીના મોવિયા ગામે PGVCLના ડેપ્યુટી એન્જિનિયર પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. હાલ એન્જિનિયરને રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે જૂનાગઢ IC સ્ક્વોડના ડેપ્યુટી એન્જિનિયર એચ.એમ. પરમારે મીડિયાને જણાવ્યું હતું કે ભાજપના આગેવાન ધીરુભાઈ તળપદાએ વીજ ચેકિંગ કરતા PGVCLના ડેપ્યુટી ઇજનેર પર 40 લોકો સાથે હુમલો કર્યો છે અને ઈજનેરને તમાચાઓ મારતાં તેમને બહેરાશ આવી ગઈ છે.
4) રાજદ્રોહના કાયદા પર સુપ્રીમ કોર્ટ કડક, સરકારને કહ્યું- પુનર્વિચાર પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી નવા કેસ નોંધવા નહીં
કેન્દ્ર સરકારે બુધવારે રાજદ્રોહ કાયદા પર સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો હતો. આ પછી સુપ્રીમ કોર્ટે ફરીથી કેન્દ્ર સરકારને IPCની કલમ 124Aની જોગવાઈઓ પર પુનર્વિચાર કરવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે જ્યાં સુધી રિએક્ઝામિનેશન પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી 124A હેઠળ કોઈ કેસ નોંધવામાં આવશે નહીં.અગાઉ, સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે IPCની કલમ 124A પર પ્રતિબંધ ન મૂકવો જોઈએ. તેમણે એ પ્રસ્તાવ મૂક્યો હતો કે ભવિષ્યમાં આ કાયદા હેઠળ, પોલીસ અધીક્ષકની તપાસ અને સંમતિ પછી જ FIR નોંધવી જોઈએ.
5) ભારતે કહ્યું- રાજપક્ષે પરિવારે દેશમાં આશરો લીધાના સમાચાર અફવા, સેનાએ ગોળી મારવાનો આદેશને ખોટો ગણાવ્યો
અત્યાર સુધીના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં ગૃહયુદ્ધની સ્થિતિ બની ગઈ છે. લોકોનું પ્રદર્શન ખૂબ જ ઉગ્ર બન્યું છે. પ્રદર્શનકારીઓએ વડાપ્રધાનના સરકારી આવાસને ઘેરી લીધું હતું અને અનેક પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતો. કાર સળગાવી દીધી હતી. અનેક મંત્રીઓના ઘર સળગાવી દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 200 લોકો ઘાયલ થયા છે અને 8 લોકોના મોત થયા છે. મૃતકોમાં એક સાંસદ પણ સામેલ છે. શ્રીલંકાના લોકોને મુશ્કેલીભરી પરિસ્થિતિ વચ્ચે છોડીને પૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેના પુત્ર યોશિતા રાજપક્ષે પોતાની પત્ની સાથે દેશ છોડીને ભાગી ગયા છે. યોશિતા પિતાની સરકારમાં બીજા નંબરના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ હતા. તેઓ રાજપક્ષે સરકારમાં વડાપ્રધાનના ચીફ ઑફ સ્ટાફ હતા.
6) મેરિટલ રેપ મામલે જજો વચ્ચે મતભેદ,એક જજે કહ્યું- પત્ની સાથે જબરદસ્તી કરનાર પતિને સજા થવી જોઈએ, બીજાએ કહ્યું- આ ગેરકાયદે નથી
મેરિટલ રેપ કેસમાં બુધવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ છે. આ વિશે સુનાવણીમાં બંને જજે તેમના મત જાહેર કર્યા હતા. હાઈકોર્ટના જસ્ટિસ શકધરે કહ્યું હતુ કે IPCની કલમ 375, બંધારણના અનુચ્છેદ 14નું ઉલ્લંઘન છે. જ્યારે જસ્ટિસ સી. હરિશંકરનું કહેવું છે કે મેરિટલ રેપને કોઈ કાયદાનું ઉલ્લંઘન ના માની શકાય. બેન્ચે અરજી કરનારને કહ્યું છે કે તેઓ સુપ્રીમ કોર્ટમાં અરજી કરે.
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) મોરબીના સિરામીક ઉદ્યોગપતિઓને અરવિંદ કેજરીવાલે AAPનો ખેસ પહેરાવ્યો, રાજકોટના વેપાર સંગઠનોએ દૂરી રાખી
2) સી ફોર્મ રિન્યુઅલ મુદ્દે હડતાળ: અમદાવાદમાં 14 અને 15 મેના રોજ રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં ડોકટરો ભેગા થઈ ધરણા કરશે, ફુટપાથ OPD યોજાશે
3) વડોદરામાં MS યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં આર્ટ એક્ઝિબિશન માટે ફરજિયાત કમિટીની મંજૂરી લેવી પડશે
4) આગ ઓકતું ગુજરાત: અમદાવાદમાં રેકોર્ડ 47 ડીગ્રી ગરમી, રાજ્યનાં 13 શહેરમાં તાપમાનનો પારો 46 ડીગ્રીને પાર
5) જયપુરના રાજવી પરિવારે તાજમહેલ પર કર્યો દાવો, રાજવી પરિવારની દિયા કુમારીએ કહ્યું- ત્યાં અમારો મહેલ હતો, અમારી પાસે દસ્તાવેજ છે
6) આંધ્ર પ્રદેશ સરકારે માછીમારોને સમુદ્રમાં નહીં જવા ચેતવણી આપી; વિશાખાપટ્ટનમ અને કાકીનાડામાં રેડ એલર્ટ
7) જાડેજા IPLમાંથી બહાર:CSKની કેપ્ટનશિપ છોડ્યા બાદ જાડેજા ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી જ બહાર; બેંગલોર સામેની મેચ દરમિયાન થઈ હતી ઈજા
8) બોલિવૂડ એક્ટર આયુષ શર્માના દાદાજી તથા પૂર્વ કેન્દ્રીય મંત્રીનું 94 વર્ષની ઉંમરમાં અવસાન
આજનો ઈતિહાસ
વર્ષ 2008માં આજના દિવસે ચીનના સિચુઆન પ્રાંતમાં આવેલા ભૂકંપમાં 87 હજારથી વધારે લોકોના મોત થયા હતા.
અને આજનો સુવિચાર
જ્યાં સુધી તમે તમારી કઠણાઈઓ અને મુશ્કેલીઓ માટે બીજાને જવાબદાર ગણશો, ત્યાં સુધી તમે તે ખતમ નહીં કરી શકો...
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.