મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ, રાજ્યમાં 15 જૂનથી વરસાદ પડી શકે, બે વર્ષે બદ્રીનાથ ધામનાં કપાટ ખૂલતાં ભક્તોએ દર્શન કર્યાં

10 દિવસ પહેલા

નમસ્કાર,

આજે સોમવાર છે, તારીખ 9 મે, વૈશાખ સુદ-આઠમ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) અમદાવાદમાં આજે ગરમીનો પારો 44 ડીગ્રીને પાર જશે, ઓરેન્જ એલર્ટ જાહેર

2) ગુજરાત સંયુક્ત મોરચા અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગાંધીનગરમાં ધરણાપ્રદર્શન

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) મોરબી-માળીયા હાઇવે પર ટાયર ફાટતાં કાર અન્ય વાહન સાથે અથડાઈ, માતા-પિતા અને પુત્રી સહિત પાંચનાં મોત, મૃતકોને 4 લાખની સહાય

મોરબી-માળીયા હાઇવે આજે રક્ત રંજીત બન્યો છે. માળિયાના અમરનગર અને લક્ષ્મીનગર વચ્ચે સર્જાયેલા વિચિત્ર ત્રિપલ અકસ્માતમાં એક ગાડીનું ટાયર ફાટતા બીજી ગાડી સાથે અથડાઇ, ત્યારબાદ કચ્છ તરફ જતા ટેમ્પો સાથે અથડાઇ હતી. જેમાં મોરબીના લોહાણા પરિવારના ત્રણ સભ્યો સહિત કુલ પાંચ લોકોના મોત થયા છે. જ્યારે 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ લોહાણા પરિવાર સામખીયારી નજીક કટારીયા ગામે માતાજીના દર્શન કરી પરત રહ્યો હતો. આ અકસ્માતમાં રાજ્ય સરકારે મૃતકોને ચાર લાખની સહાય અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય જાહેર કરી છે.

વાંચો સમાચાર વિગતે

2) કોરોનાએ ફરી માથું ઊંચક્યું:અમદાવાદમાં NIDના કેમ્પસમાં 24 વિદ્યાર્થી પોઝિટિવ, આખું કેમ્પસ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકાયું

રાજયમાં ફરી એકવાર કોરોના વકર્યો હોય તેમ લાગે છે. અમદાવાદમાં કોરોનાના કેસો વધ્યા છે. પાલડી NID કેમ્પસમાં કુલ 24 વિદ્યાર્થીઓ કોરોનાં પોઝિટિવ આવ્યા છે. કોરોનાના કેસો આવતા પાલડી NID કેમ્પસને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં આ કેસો નોંધાયા હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.

વાંચો સમાચાર વિગતે

3) અંબાલાલ પટેલની આગાહી:રાજ્યમાં 15મી જૂનથી વરસાદ પડી શકે છે, 11થી 17મી મે વચ્ચે આંધીનું પ્રમાણ વધશે

રાજ્યના વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરનાં કારણે વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, રાજ્યમાં 15મી જૂનથી વરસાદની શક્યતા છે. તેમજ 11 મેથી 17 મે વચ્ચે આંધીનું પ્રમાણ વધવાની સાથે જ સૌરાષ્ટ્રના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને દરિયા કિનારાના કેટલાક ભાગોમાં વરસાદ પડશે.જેને પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણી શકાય.

વાંચો સમાચાર વિગતે

4) બદ્રીનાથ ધામનાં કપાટ ખૂલ્યાં, કોરોનાકાળમાં બે વર્ષ પછી પ્રથમ વખત ભક્તોએ દર્શન કર્યાં, આગામી 6 મહીના સુધી અહીં આવી શકાશે

બદ્રીનાથ ધામના કપાટ રવિવારે 6.15 વાગ્યે આમ શ્રદ્ધાળુઓ માટે ખોલી નાખવામાં આવ્યા છે. કોરાનાકાળમાં લગભગ બે વર્ષ પછી બદ્રીનાથ ધામના કપાટ આમ ભક્તો માટે ખોલી નાંખવામાં આવ્યા છે. હવે આગામી છ મહિના સુધી ભક્તો બદ્રી વિશાલના દર્શન કરી શકશે

વાંચો સમાચાર વિગતે

5) રશિયા દ્વારા યુક્રેનની સ્કૂલમાં બનાવવામાં આવેલા શેલ્ટર પર હુમલો, 60 લોકોનાં મોતની આશંકા

રશિયાએ રવિવારે યુક્રેનના લુહાંસ્કમાં એક સ્કૂલ પર હવાઈ હુમલો કર્યો. યુક્રેન સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે- આ બોમ્બમારો બિલોહોરિખિયાવા ગામની એક સ્કૂલ પર થયો. અહીં નાગરિકોને હુમલાથી બચાવવા માટે શેલ્ટર બનાવવામાં આવ્યું હતું. આ ગામ ફ્રંટ લાઈનથી થોડે કિલોમીટર દૂર છે. લગભગ 90 લોકો ત્યાં હતા. 30ને બચાવી લેવામાં આવ્યા છે. 60 લોકો માર્યા ગયા હોવાની આશંકા છે. હુમલો તે સમયે થયો જ્યારે શેલ્ટરમાં આશરો લેનારા તમામ લોકો ઊંઘમાં હતા.

વાંચો સમાચાર વિગતે

6) ગૃહમંત્રીનો બંગાળ પ્રવાસ ચર્ચામાં, અમિત શાહે ગાંગુલીના ઘરે ડિનર લીધું, ગૃહમંત્રીને જોવા લોકો ઊમટ્યા, દાદાએ કહ્યું- રાજકીય દૃષ્ટિકોણ ન કાઢો

પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયેલા ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે BCCI પ્રેસિડેન્ટ અને ભૂતપૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીના ઘરે ડિનર લીધું હતું. ગાંગુલીએ આ ખાસ ડિનર અંગે પત્રકારોને માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ બેઠક રાજકીય નથી. તેઓ શાહને એક દાયકાથી વધુ સમયથી ઓળખે છે અને ઘણી વખત મળ્યા છે. તે જ સમયે, ગૃહમંત્રી સફેદ એસયુવીમાં આગળની સીટ પર બેઠેલા જોવા મળ્યા હતા. ગાંગુલીના ઘરે પહોંચતાની સાથે જ ગૃહમંત્રીને જોવા લોકોની ભીડ ઉમટી પડી હતી. આ દરમિયાન તેણે નમસ્તેનો ઈશારો કરતા લોકો શુભેચ્છા પાઠવતા જોવા મળ્યા હતા.

વાંચો સમાચાર વિગતે

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) રિવાબાનું નિવેદન:જામનગરથી કહ્યું- 'પાર્ટી મારા પર વિશ્વાસ મૂકી મને જે પણ જવાબદારી સોંપશે તે હું નિભાવીશ'

2) મુખ્યમંત્રીનો નિર્ણય:હવે મહેસૂલી કામકાજ માટે ખેડૂતોને ગાંધીનગરના ધક્કા નહીં થાય, નવી જૂની શરતોના પ્રશ્નોનું જિલ્લા કક્ષાએ જ નિવારણ થશે

3) હરિધામ સોખડામાં વધુ એક વિવાદ:પ્રેમસ્વરૂપ સ્વામીની ચાદરવિધિ અટકાવવા પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તો SP પાસે પહોંચ્યા

4) અલ કાયદાએ US સામેનો રોષ વ્યક્ત કર્યો, જવાહિરીએ કહ્યું- US નબળો દેશ, તેના કારણે યુક્રેન રશિયાના હુમલાનો શિકાર બન્યું

5) હોસ્પિટલથી હનુમાન ચાલીસા લઈને નીકળ્યા નવનીત રાણા, કહ્યું હિંમત હોય તો મારી વિરૂદ્ધ ચૂંટણી લડે CM ઠાકરે

6) માહી વિજને અજાણી વ્યક્તિએ રેપની ધમકી આપી, વીડિયો શૅર કરીને કહ્યું- 'મારી કારને ટક્કર મારી ને મને ગાળો ભાંડી'

7) લૉકઅપ:મુનવ્વર ફારુકીએ શો જીત્યો, લક્ઝૂરિયસ કાર સાથે 20 લાખ રૂપિયા, ઈટલી ટ્રિપ ઈનામમાં

8) IPLમાં ફરીથી કોરોનાની એન્ટ્રી:દિલ્હી-ચેન્નઈની મેચ પહેલાં DCનો નેટ બોલર કોવિડ પોઝિટિવ, 2 ખેલાડીને આઈસોલેટ કરાયા

આજનો ઈતિહાસ
વર્ષ 1874માં મુંબઈમાં આજના દિવસે પ્રથમ વખત ઘોડાથી ખેંચીને ચાલનારી ટ્રામ કારની શરૂઆત થઈ હતી.

અને આજનો સુવિચાર
જિનિયસ બનવા ફક્ત એક ટકા પ્રેરણા અને 99 ટકા આકરી મહેનત કરવાની જરૂર હોય છે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...