મોર્નિંગ ન્યૂઝ બ્રીફજ્ઞાનવાપી કેસમાં હિન્દુઓના પક્ષમાં ચુકાદો:આજે કેજરીવાલ ગુજરાતમાં વધુ એક ગેરંટી આપશે, KHAM બાદ હવે કોંગ્રેસે BADM થિયરી સાથે રણશિંગું ફૂંક્યું

16 દિવસ પહેલા

નમસ્કાર,
આજે મંગળવાર, તારીખ 13 સપ્ટેમ્બર, ભાદરવા વદ ત્રીજ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) અમદાવાદમાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ આજે વધુ એક ગેરંટી આપશે, સફાઈકર્મીઓ સાથે સંવાદ કરશે
2) અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા બાદ આજે પ્રક્ષાલન વિધિ યોજાશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) જ્ઞાનવાપી કેસમાં હિન્દુઓના પક્ષમાં ચુકાદો,વારાણસી કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી, શૃંગાર ગૌરી પૂજા મુદ્દે 22 સપ્ટેમ્બરે વધુ સુનાવણી
વારાણસીના જ્ઞાનવાપી-શૃંગાર ગૌરી વિવાદ પર આગળ સુનાવણી ચાલુ રહેશે. વારાણસી જિલ્લા કોર્ટે કહ્યું, કેસ સાંભળવા લાયક છે. કોર્ટે કેસની સુનાવણી ન કરવા માટે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલા વાંધાઓને ફગાવી દીધા હતા. કોર્ટે માન્યું કે આ કેસ 1991ના વર્શિપ એક્ટ હેઠળ નથી આવતો. હવે વારાણસી જિલ્લા કોર્ટ 22 સપ્ટેમ્બરે આ મામલે સુનાવણી આગળ વધારશે.
વાંચો સમાચાર વિગતવાર

2) 27 વર્ષના શાસનમાં તમામ સમાજ સાથે ભાજપનો ભેદભાવનો કોંગ્રેસે આરોપ લગાવ્યો, KHAM બાદ હવે BADM થિયરી સાથે રણશિંગું ફૂંક્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પડઘમ વચ્ચે કોંગ્રેસે ભાજપ પર ગંભીર આરોપ લગાવીને ચૂંટણીનું રણશિંગું ફૂંક્યું છે. કોંગ્રેસે ખામ બાદ બદમ થિયરી સાથે ચૂંટણી જીતવાનો નવો રસ્તો બનાવવા કમર કસી છે. એક સમયે કોંગ્રેસે ગુજરાતમાં કોળી, ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને માઈનોરિટી સમાજ (KHAM) થિયરી સાથે સત્તામાં સૌથી વધુ બેઠકો મેળવીને સત્તાના સુકાન સુધી પહોંચ્યા હતા. ત્યારે વધુ એક વખત કોંગ્રેસ આ પ્રકારની એક થિયરી સાથે આગળ વધતી હોય તેવી રીતે દલિત, આદિવાસી, માઈનોરિટી અને બક્ષીપંચ સમાજ (BADM)ને સાથે રાખી રણનીતિ બનાવી છે.
વાંચો સમાચાર વિગતવાર

3) T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા કેપ્ટન, બુમરાહ અને હર્ષલ પટેલની વાપસી; શમી, અય્યર, બિશ્નોઈ અને ચહર સ્ટેન્ડબાયમાં
T20 વર્લ્ડ કપ માટે 15 પ્લેયર્સની ટીમ ઈન્ડિયાના સ્ક્વોડની જાહેરાત કરી દેવામાં આવી છે. ઈજાના કારણે બહાર રહેલા હર્ષલ પટેલ અને જસપ્રીત બુમરાહની ટીમમાં વાપસી થઈ છે. T20 વર્લ્ડ કપનો આરંભ 16 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયામાં શરૂ થશે. તો ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમવા ઉતરશે.
વાંચો સમાચાર વિગતવાર

4) AAP-BTP ગઠબંધનનું બાળમરણ, છોટુ વસાવાએ કહ્યું- 'ભાજપના સહકારથી 'આપ' બધાનો 'બાપ' થવા માગે છે, એ વાત શક્ય નથી'
ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે આપ અને BTPએ કરેલા ગઠબંધનનો ચૂંટણી પહેલાં જ અંત આવી ગયો છે. આપ સાથે ગઠબંધન સમયે ભાજપ-કૉંગ્રેસની ગરમ ભઠ્ઠીને ઠંડી પાડવાની વાત કરનારા છોટુ વસાવાએ આજે આપ પર પ્રહાર કર્યા હતા. ભારતીય ટ્રાઇબલ પાર્ટીના નેતાએ ભાજપના સહકારથી 'આપ' બધાનો બાપ થવા માગતો હોવાનું નિવેદન આપ્યું હતું અને હવે આપ સાથે તેઓની પાર્ટીનું કોઈ ગઠબંધન ન હોવાની જાહેરાત કરી હતી.
વાંચો સમાચાર વિગતવાર

5) માલ વેચાયા પછી ચૂકવણી થતી નથી, GSTથી વેપારીઓ દુઃખી છે, અમારી સરકાર બનશે તો 6 મહિનામાં GSTનું રિફંડ કરીશું- કેજરીવાલ
અમદાવાદમાં અરવિંદ કેજરીવાલે વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, માલ વેચાયા પછી ચૂકવણી થતી નથી, GSTથી વેપારીઓ દુઃખી છે, અમારી સરકાર બનશે તો 6 મહિનામાં GSTનું રિફંડ કરીશું. ગુજરાત આવતા સમયે ફ્લાઈટમાં અમદાવાદના એક વેપારી તેમની બેઠા હતા, તે સ્ટોક બ્રોકર હતા. તેઓએ કહ્યું કે હું સીએમની બાજુમાં બેઠો છું. તેણે મને ફોટો લેવાનું કહ્યું પણ પછી કહ્યું ગરબડ થઈ જશે. આજકાલ તમારી પાછળ ED અને CBI પડી છે, તો મારા પાછળ પણ પડી જશે.
વાંચો સમાચાર વિગતવાર

6) '2015માં ફેશન રાજદ્રોહની હતી, હવે ગુજસીટોકની' ભાજપ નેતા વરુણ પટેલે ગુજસીટોક કાયદાને લઈ સરકાર સામે મોરચો માંડ્યો
ગોંડલમાં ભાજપના પાટીદાર નેતા વરૂણ પટેલે સરકાર સામે તીખા તેવરે કહ્યું હતું કે, હાલ ગોંડલ સહિત સમગ્ર રાજ્યમાં ગુજસીટોક કાયદાનો દૂરુપયોગ થઇ રહ્યો છે. ત્યારે હું સમાજને વિનંતી કરું છું કે આની સામે જે કરવું પડે એ બધું કરવું જોઈએ. આ લડતમાં એક પાટીદાર સમાજના દીકરા તરીકે મારી રાજનીતિ, મારી પાર્ટીને બાજુમાં મૂકીને કહું છું જે કરશો તેમાં જેમ કહેશો એમ ખંભે ખંભો મિલાવી અને તમારી જોડે ઉભો રહીશ.
વાંચો સમાચાર વિગતવાર

7) ઈતિહાસમાં પ્રથમ વાર ગુજરાતના બુટલેગર વિનોદ સિંધી સામે પોલીસની રેડ કોર્નર નોટિસ, કોર્પોરેટ કંપની માફક દારૂનો ધંધો કરતો
સમગ્ર રાજ્યમાં કોર્પોરેટ કંપનીની જેમ દારૂનો ધંધો કરનાર સૌથી મોટા બુટલેગર વિનોદ સિંધી સામે હવે પોલીસે રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. ઇતિહાસમાં પહેલી વખત કોઈ બુટલેગર સામે રેડ કોર્નર નોટિસ ઈસ્યૂ કરાવી હોય તેવું બન્યું છે. વિજિલન્સ વિનોદની તપાસ કરતા તે દુબઈ ભાગી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ તેની સામે રેડ કોર્નર નોટિસ જારી કરાઈ છે. તેના સંપર્કોથી થતી દારૂની ડિલિવરી સામે આવનારા સમયમાં કડક કાર્યવાહી થશે તે નિશ્ચિત બન્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

8) મૂસેવાલા હત્યા કેસમાં 50 સ્થળે દરોડા, NIAની ટીમો દિલ્હી-NCR, હરિયાણા અને પંજાબ પહોંચી, લોરેન્સ અને તાજપુરિયા ગેંગના ગેંગસ્ટર્સની શોધખોળ
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(NIA)એ સોમવારે મૂસેવાલા હત્યા કેસમાં 50 જગ્યાએ દરોડા પાડ્યા છે. આ દરોડા દિલ્હી, NCR, હરિયાણા અને પંજાબમાં પાડ્યા છે. NIA પાસે એવા ઇનપુટ્સ છે કે સિદ્ધુ મૂસેવાલાની હત્યા આતંકવાદી જૂથો સાથે જોડાયેલી છે. NIAએ આ કેસમાં નીરજ બવાના, લોરેન્સ બિશ્નોઈ અને તાજપુરિયા ગેંગ સાથે જોડાયેલા લોકોની યાદી તૈયાર કરી છે. અત્યારસુધીમાં ઘણાની ધરપકડ પણ કરવામાં આવી છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) અંતિમસંસ્કાર માટે નહીં મળે આતંકવાદીનો મૃતદેહ, પરિવારની અરજી ફગાવી, SCએ કહ્યું-ભાવનાઓનું સન્માન, પરંતુ એ કાયદેસર નથી
2) PM મોદીએ વર્લ્ડ ડેરી સમિટનું કર્યું ઉદઘાટન, કહ્યું- લમ્પીને કારણે ઘણાં રાજ્યોને નુકસાન થયું છે, 2025 સુધીમાં દરેક પશુને રસી આપી દેવાશે
3) ઓગસ્ટમાં છૂટક ફુગાવો વધવાની શક્યતા, 4 મહિનામાં પહેલીવાર વધીને 6.9% થઈ શકે છે, સાંજે 05.30 વાગ્યે જાહેર થશે આંકડાઓ
4) સી.જે. ચાવડાએ BJP-AAPને આડેહાથ લઈ કહ્યું, "ગુજરાતનો 'કમો' નિષ્ફળ ગયો તો દિલ્હીથી 'કમો' ઊભો કર્યો
5) ગોપાલ ઈટાલિયાએ કહ્યું- 3 લોકો આવ્યા હતા, અમદાવાદ પોલીસે કહ્યું, અમે કોઈ રેડ નથી કરી6) ગુજરાતના વન કર્મચારીઓની હડતાળની અસર સિંહની વસતી ગણતરી પર દેખાઈ, પૂનમની ગણતરીમાં 400 સિંહ ના દેખાયા
7) ગુજરાતના 'તાજમહેલ' એવા જૂનાગઢના મહાબત મકબરાના રિસ્ટોરેશન બાદ ખુલ્લો મૂકાય એ પહેલાં જ લૂણો લાગ્યો
8) વડોદરામાં પૂર્વ પ્રેમિકાની સાસુની હત્યા કરનારા વિધર્મી પ્રેમીને હત્યાના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું, ફ્લેટમાં બંધબારણે તપાસ

આજનો ઈતિહાસ
વર્ષ 1992માં આજના દિવસે કેન્દ્ર સરકારે NHRC એટલે કે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની રચના કરવાનો નિર્ણય કર્યો હતો.

આજનો સુવિચાર
અંધકારથી ડરવું યોગ્ય નથી, કારણ કે તારાઓ રાત્રે જ ચમકે છે.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...