• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Today Is The Last Day Of Selection Of BJP Candidates, 90 Percent Names Are Final In Congress, Naresh Patel And Ramesh Tilala Reached Delhi.

સત્તાનો સંગ્રામ:કતાર ગામ કે બોટાદથી હું ચૂંટણીમાં ઝંપલાવીશ: ગોપાલ ઈટાલિયાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું

અમદાવાદએક મહિનો પહેલા

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા કતારગામથી ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે. આ વિશે દિવ્ય ભાસ્કરે ગોપાલ ઈટાલિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, તમે 100 ટકા ખોટા નથી. હું કતાર ગામ અથવા બોટાદથી ચૂંટણીમાં ઝંપલાવીશ.

'ઇન્દ્રનીલના આક્ષેપો નક્કામા છે, તેના જવાથી પાર્ટીને કોઈ ફેર પડતો નથી': કેજરીવાલ
રાજકોટ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતા હવે રાજકીય પક્ષોએ મતદારોને રિઝવવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. જે અંતર્ગત આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રવિ-સોમ સૌરાષ્ટ્રનો વધુ એક પ્રવાસ કરવાના છે. જેમાં રાજકોટ ખાતે આવતીકાલે તેમના ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેની પૂર્વ સંધ્યાએ રાજકોટમાં કેજરીવાલનું આગમન થયું હતું. જ્યાં તેમણે ઇન્દ્રનીલ રાજ્યગુરૂના આક્ષેપ પર કેજરીવાલનો વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે,'ઇન્દ્રનીલના આક્ષેપો નક્કામા છે, તેના જવાથી પાર્ટીને કોઈ ફેર પડતો નથી' નોંધનીય છે કે એરપોર્ટ પર કેજરીવાલના આગમન સમયે કોંગ્રેસ જીંદાબાદના નારા લાગ્યા હતા. કારણ કે ઇન્દ્નનીલ રાજ્યગુરૂ પણ દિલ્હીથી પરત આવી રહ્યા હતા અને તેમના સમર્થકો દ્વારા કેજરીવાલને નિહાળીને નારા લગાવવામાં આવ્યા હતા.

કાર્યકર્તાઓ દ્વારા બાપુનગરમાં આપ ઉમેદવારનો વિરોધ
કાર્યકર્તાઓ દ્વારા બાપુનગરમાં આપ ઉમેદવારનો વિરોધ

પૈસા માટે બુટલેગરને ટિકિટ આપવામાં આવી રહી છે
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બાપુનગરમાં આપ ઉમેદવારનો વિરોધ કરવામાં આવ્યો છે. જેને લઇને કાર્યકર્તાઓ દ્વારા આપ પાર્ટીના બેનર સળગાવવામાં આવ્યા હતા. આ મામલે આપ પાર્ટીના એક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે, આજની તારીખે બાપુનગર પોલીસ સ્ટેશનથી નજીક બુટલેગરનો ધંધો ચાલી રહ્યો છે. જો કેજરીવાલ જે સત્યતાની વાત કરી રહ્યા છે, ભ્રષ્ટાચારીની વાત કરી રહ્યા છે. ઇમાન્દારીની વાત કરી રહ્યા છે. ત્યારે એક બુટલેગરને ટિકિટ આપવામાં આવી રહી છે તો આમાં ક્યાંથી ઇમાન્દારી અને સત્યતાની વાત થઈ રહી છે. સાચા ઇમાન્દાર વ્યક્તિની વાત કરીને ટિકિટ આપવાની વાત હતી. ના કોઈ કાર્યકર્તાને ખબર છે. ના અહીંના પ્રદેશ કાર્યાલયના મુકેશભાઈ અને બબલુભાઈને ખબર છે. અહીના જેટલા પણ કાર્યકર્તાઓ છે એમાંથી એકપણને ખબર નથી. કોઈને વિશ્વાસમાં લીધા નથી અને માત્રને માત્ર પૈસા માટે સંદીપ પાઠક અને અજય જે પૈસના દલાલ છે. માત્રને માત્ર ગુજરાતની અંદર ભોળી પ્રજાને મુર્ખ બનાવવામાં આવી રહી છે.

અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાનું શક્તિપ્રદર્શન
PAASના કન્વીનર અલ્પેશ કથીરિયા આમ આદમી પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાયા બાદ તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તિરંગો અને આમ આદમી પાર્ટીની ટોપીઓ અને ધ્વજ સાથે બાઈકરેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. માનગઢ ચોકથી શરૂ થયેલી યાત્રા ધીરે ધીરે આગળ વધતી ગઈ અને લોકો પણ એમાં જોડાતા ગયા હતા. પાટીદાર સમાજની લડત લડ્યા બાદ અત્યારસુધી કોઈ પણ રાજકીય પક્ષમાં અલ્પેશ કથીરિયા જોડાયા નહોતા. સત્તાવાર રીતે ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયા AAPમાં જોડાયા બાદ તિરંગાયાત્રાનું આયોજન કરાયું હતું. યાત્રામાં AAPના કામરેજના ઉમેદવાર રામ ધડૂક પણ સાથે જોડાયા હતા. કામરેજ વિધાનસભા સહિત વરાછા, કાપોદ્રા , સર્કલ, કતારગામ સહિતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા.

નરેશ પટેલ અને રમેશ ટીલાળાએ અમિત શાહ સાથે ચર્ચાઓ કરી
ટિકિટ માટે ગોંડલ અને રીબડા જૂથનો ગજગ્રહ જગ જાહેર થઈ ગયો છે. બંનેના પરિવારમાંથી કોઈને ટિકિટ નહીં આપીને ખોડલધામમાંથી પાટીદારને ટિકિટ આપી ગોંડલના સીટનાં સમીકરણો હાલ ફરી રહ્યાં છે. આજે નરેશ પટેલ અને રમેશ ટીલાળા દિલ્હી દોડી ગયા છે. આ પહેલાં પણ નરેન્દ્ર મોદીને ખોડલધામ આવવાનું આમંત્રણ આપવા રમેશ ટીલાળા અને નરેશ પટેલ અમદાવાદ આવ્યા હતા.આગામી દિવસોમાં ગોંડલની સીટ પર નવો ઉમેદવાર સામે આવે તો નવાઈ નહીં અને ગોંડલની સીટની અંતિમ મહોર નરેન્દ્ર મોદી ખુદ મારે એવું પણ જાણવા મળી રહ્યું છે.સમગ્ર મામલે દિવ્યભાસ્કરે રમેશ ટીલાળાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમણે ગોંડલ વિધાનસભાની સીટની માંગણી કરી નથી. આ ઉપરાંત તેમણે અમિત શાહ સાથે પણ કોઈ જ પ્રકારની મુલાકાત કરી નથી. તેઓ અમદાવાદ ખાતે તેમના એક મિત્રના ઘરે ધાર્મિક પ્રસંગમાં ગયા હતા અને નરેશ પટેલ અન્ય એક ધાર્મિક ફંક્શનમાં ગયા હોવાનું તેમણે જણાવ્યું હતું.

હિમાંશુ વ્યાસ ભાજપમાં જોડાયા
હિમાંશુ વ્યાસ ભાજપમાં જોડાયા

ભાજપ કોંગ્રેસમાં ‘વ્યાસ’ની અદલાબદલી
કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી સ્થિતી વર્ષોથી જોવા મળી રહી છે. આ વખતની ચૂંટણીમાં રહસ્યમય રીતે કામ કરી રહેલી કોંગ્રેસ રોજબરોજ નવા દાવ ખેલી રહી છે. ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસે પણ અશોક ગેહલોત સાથેની મુલાકાત બાદ ભાજપને રામ રામ કરી દીધા છે ત્યારે હવે જય નારાયણ વ્યાસની કોંગ્રેસમાં આવવાની અટકળો વધારે તેજ બની છે. જોકે કોંગ્રેસમાં એક વ્યાસ આવશે એ વાત મહત્ત્વની તો છે જ, પરંતુ આંચકાજનક સ્થિતિ હવે એ સામે આવવાની છે કે એક વ્યાસ કોંગ્રેસ સાથે છેડો ફાડશે. કોંગ્રેસના એક સમયના ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના સેક્રેટરી રહી ચૂકેલા હિમાંશુ વ્યાસ છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસના નવા સંગઠનથી નારાજ ચાલી રહ્યા છે. કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર તથા તેમના ટીમ દ્વારા સતત હિમાંશુ વ્યાસની અવગણના થઈ રહી છે. ત્યારે હવે આ નારાજગી પક્ષ સાથે છેડો ફાડવાની સ્થિતિ સુધી પહોંચી ગઈ છે. એઆઈસીસીના સેક્રેટરી અને ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા હિમાંશુ વ્યાસ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયાં છે.

ડાબેથી જયનારાયણ વ્યાસ અને જમણે હિમાંશુ વ્યાસ.
ડાબેથી જયનારાયણ વ્યાસ અને જમણે હિમાંશુ વ્યાસ.

ભાજપમાં આજે વધુ 77 બેઠક અંગે મંથન
શુક્રવારની બીજી ચૂંટણી ચહલપહલની વાત કરીએ તો ભાજપમાં અમિત શાહ ફરી 58 બેઠક માટે ઉમેદવારોનું મંથન કરવા બેઠા હતા. આજે તેઓ ફરી બાકીની 77 બેઠકનું મંથન થશે. પછી મામલો દિલ્હી હાઇ કમાન્ડ સુધી પહોંચશે, એટલે કે ભાજપ ગુજરાતથી દિલ્હી એમ ચાલે છે. જ્યારે કૉંગ્રેસ અને આપ દિલ્હીથી ગુજરાત ચાલે છે.

કમલમમાં આજે બેઠકનો અંતિમ દિવસ.
કમલમમાં આજે બેઠકનો અંતિમ દિવસ.

કોંગ્રેસની પહેલી યાદીમાં જ NCP સાથે ગંઠબંધન તૂટ્યાનો સંકેત
કોંગ્રેસે 43 જેટલા ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. કોંગ્રેસ અને NCPનું ગઠબંધન નહિ થાય એવી વાત સામે આવી છે, જેમાં દરેક વખતે જે પાંચ સીટ પર કોંગ્રેસ અને NCPનું ગઠબંધન થતું હતું, એમાં કોંગ્રેસે કુતિયાણા બેઠક પર નાથા ઓડેદરાને ઉમેદવાર જાહેર કરી દીધા છે.

રાજસ્થાનના CM અશોક ગેહલોત બે દિવસમાં છ સભા ગજવશે
રાજસ્થાનના CM અને ગુજરાતના ઓબ્ઝર્વર અશોક ગેહલોત આવતીકાલે રાજકોટ આવશે. ત્યાર બાદ ભાવનગરમાં સભાઓ સંબોધશે. ત્યાર બાદ લાઠી અને રાજુલામાં પણ તેમની સભા યોજાશે. આમ, સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં તેમની ત્રણ સભા થશે. સાતમી નવેમ્બરે તેઓ સુરેન્દ્રનગરની સભા પૂરી કરીને મધ્ય ગુજરાતમાં ધામા નાખશે, જ્યાં આંકલાવ ખાતે સભાઓ કરશે. ત્યાર બાદ વડોદરામાં વાઘોડિયા ખાતે સભાઓ થશે. નોંધનીય છે કે આગામી સમયમાં રાહુલ અને પ્રિયંકા ગાંધી પણ ગુજરાતના પ્રચારમાં જોડાશે.

કોંગ્રેસમાં લગભગ 90 ટકા નામ નક્કી થઈ ગયાં.
કોંગ્રેસમાં લગભગ 90 ટકા નામ નક્કી થઈ ગયાં.

કોંગ્રેસમાંથી પક્ષપલટો કરનારા 6 નેતાએ ટિકિટ માગી
અમદાવાદની 16 બેઠક માટે આગામી 5 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. આ તમામ બેઠકો પર ભાજપમાંથી 500 લોકોએ દાવેદારી નોંધાવી છે, જેમાં સૌથી વધુ 62 અસારવા, બાપુનગર માટે 51એ દાવેદારી નોંધાવી છે, જ્યારે ઘાટલોડિયા માટે એકમાત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાવેદારી નોંધાવી છે. તો કોંગ્રેસને અલવિદા કહીને ભાજપમાં જોડાયેલા 6 નેતાએ પણ ટિકિટની માગ કરી છે. એલિસબ્રિજ બેઠક પર ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ અને ધારાસભ્ય રાકેશ શાહે દાવેદારી કરી છે. પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વટવાથી ઉમેદવારી નોંધાવી છે.

કોંગ્રેસની ટિકિટ મળતાં સંજય પટવા ભાવુક થયા હતા.
કોંગ્રેસની ટિકિટ મળતાં સંજય પટવા ભાવુક થયા હતા.

35 વર્ષથી જોડાયેલા કાર્યકરને પશ્ચિમ બેઠક પરથી કોંગ્રેસે ટિકિટ આપી
કોંગ્રેસ પાર્ટી દ્વારા શુક્રવારે મોડી રાત્રે 43 ઉમેદવારનું પ્રથમ લિસ્ટ જાહેર કરાયું હતું, જેમાં 167 પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના દિગજ નેતા સંજય પટવાનું નામ જાહેર કરાયું હતું. કોંગ્રેસ દ્વારા તેમનું નામ જાહેર થતાં સંજય પટવા ભાવુક થઈ ગયા હતા અને કહ્યું હતું કે પાર્ટીએ 35 વર્ષના આ કાર્યકરની સાચી કદર કરી છે. પશ્ચિમ વિધાનસભાના ઉમેદવાર તરીકે સંજય પટવાની જાહેરાત કરવામાં આવી છે. સંજય પટવા 35 વર્ષથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે. અગાઉ તેઓ કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે. ઇન ટુકના પ્રદેશ પ્રમુખ પણ રહ્યા છે. છેલ્લાં અનેક વર્ષોથી કોંગ્રેસમાં તેમને પ્રદેશ કક્ષાના હોદ્દા પર સ્થાન મળ્યું છે. સુરતમાં કોંગ્રેસના નેતાઓમાંનું સંજય પટવાનું એક મોટું માથું માની શકાય છે.

ભાજપનું અગ્રેસર ગુજરાત કેમ્પેન લોન્ચ થશે.
ભાજપનું અગ્રેસર ગુજરાત કેમ્પેન લોન્ચ થશે.

કમલમ ખાતેથી અગ્રેસર ગુજરાત કેમ્પેન લોન્ચ થશે
ભાજપ દ્વારા આજે અગ્રેસર ગુજરાત કેમ્પેનનું લોન્ચિંગ કરવામાં આવશે. ભાજપ પ્રદેશ-પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા આ લોન્ચિંગ કરવામાં આવશે. ભાજપ સંકલ્પપત્ર જાહેર કરતાં પહેલાં કેમ્પેન મારફત જનતાનો અભિપ્રાય લેશે. અભિપ્રાય લેવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી તથા અલગ અલગ વિસ્તારમાં સૂચન પેટી મારફત લોકોના અભિપ્રાય લેવામાં આવશે. આજે કેમ્પેન લોચિંગ દરમિયાન ભાજપ સરકારના ગુજરાત કઈ રીતે, કયા મુદ્દે અગ્રેસર રહ્યું એ અંગે પણ પ્રેઝન્ટેશન કરશે.

અન્ય સમાચારો પણ છે...