તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Today Is The Day Parashuramji Was Born, Krishna Gave Prosperity To Sudama That Is Why Today Is The Day To Receive The Blessing Of Akshay Ayu And Help

અક્ષય તૃતીયા વિશેષ:આજના દિવસે જ પરશુરામજીનો જન્મ થયો હતો, કૃષ્ણે સુદામાને સમૃદ્ધિ આપી એટલા માટે આજે અક્ષય આયુનું વરદાન મેળવવાનો અને મદદ કરવાનો દિવસ

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: પંડિત મનીષ શર્મા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • આજે કરેલાં શુભ કાર્યોનું ફળ હંમેશાં રહે છે, ક્યારેય નષ્ટ થતું નથી

વૈશાખ માસની શુક્લ પક્ષની તૃતીયાને અખાત્રીજ કે અક્ષય તૃતીયા કહેવાય છે. આજે એ જ અક્ષય તિથિ છે. અક્ષયનો અર્થ થાય છે જેનો ક્યારેય ક્ષય ના થાય, જે સ્થાયી રહે. આજના દિવસે કરેલું દાન, પૂજન, હવન સહિત કોઈ પણ પુણ્યકાર્ય અક્ષય ફળ આપશે. કોઇ પણ માંગલિક કે શુભ કાર્ય કરવા માટે આજે સૌથી સારો દિવસ છે કેમ કે આજે સ્વયં સિદ્ધ મુહૂર્ત છે.

આ દિવસે પરશુરામજીનો જન્મ થયો હતો. પરશુરામજી ચિરંજીવી છે. તેમના આયુષ્યનો ક્ષય થયો નહીં માટે અક્ષય તૃતીયાને ચિરંજીવી તિથિ પણ કહેવાય છે. એટલા માટે જ આજે પણ બધા માટે અક્ષય સ્વાસ્થ્ય અને વયનું વરદાન મેળવવાનો દિવસ છે. ચારેય યુગોમાં ત્રેતાયુગનો આરંભ આ તિથિથી થયો એટલા માટે તેને યુગાદિતિથિ પણ કહેવાય છે એટલે કે આજે શુભારંભનો દિવસ છે. વૈશાખ માસમાં લગ્ન કરવાથી પતિ-પત્નીનો પ્રેમ અને લગ્ન અક્ષય થાય છે. આજે પિતૃઓને તર્પણ એમ માનીને કરાય છે કે તેનું અક્ષય ફળ પ્રાપ્ત થશે.

ખેડૂતો માટે આજથી નવી સિઝનનો દિવસ
મહાભારત કાળમાં અક્ષય તૃતીયાના દિવસે જ યુધિષ્ઠિરને વનવાસમાં અક્ષયપાત્ર મળ્યું હતું. આ એવું પાત્ર હતું જેમાંથી અન્ન ક્યારેય ખતમ જ નહોતું થતું. આથી અક્ષય તૃતીયા ખેડૂતો માટે પણ મહત્ત્વપૂર્ણ દિવસ મનાય છે. તેને ભારતીય કૃષિના નવા ચક્રની શરૂઆતનો દિવસ કહેવાય છે. ઓરિસ્સા અને પંજાબમાં આ વ્યાપક રીતે ખેતી સંબંધિત તહેવાર છે. ખેડૂતો નવા પાકની તૈયારીમાં લાગી જાય છે. પ્રચલિત છે કે અક્ષય તૃતીયાથી ઋતુ પરિવર્તન થઈ જાય છે. તે વસંત ઋતુની સમાપ્તિ અને ગ્રીષ્મ ઋતુની શરૂઆતનો દિવસ પણ મનાય છે. મે બાદના મહિનામાં ખરીફ પાકની વાવણી અને લણણી કરાય છે. વાવણીની તૈયારી અક્ષય તૃતીયા બાદ શરૂ થઈ જાય છે.

દાનનું મહત્ત્વ: કૃષ્ણે સુદામાને સમૃદ્ધિ આપી
અક્ષય તૃતીયા સમૃદ્ધિના આશીર્વાદનો તહેવાર છે કારણ કે, આ દિવસે શ્રીકૃષ્ણએ પોતાના બાળપણના મિત્ર સુદામાને ચોખાની વિનમ્ર ભેટના બદલામાં અપાર સમૃદ્ધિ આપી હતી. એટલે આ વર્ષ આફતકાળમાં રોગીઓના ઉપચારની સામગ્રી, દવા વગેરે દાન કરી શકાય. દાન એ જ શ્રેષ્ઠ છે, જે યોગ્ય વ્યક્તિને અપાય. આ વખતે લૉકડાઉન છે, તો બહાર જઈને દાન-પુણ્ય-સ્નાન નહીં કરી શકાય. એટલે જે પણ દાન કરવા ઈચ્છો છો, તે સંકલ્પ કરો, જે તમે બાદમાં દાન કરી શકો છો. આ સિવાય આ દિવસે જળથી ભરેલો કળશ, જૂતાં, છત્રી, ગાય, ભૂમિ, સુવર્ણપાત્ર વગેરેનું દાન કરવું જોઈએ. આ ઉપરાંત સમૃદ્ધિ માટે સોનાની ખરીદી શુભ મનાય છે.

આરોગ્ય અને સમૃદ્ધિ માટે રાશિ અનુસાર શું કરવું?
મેષ:
ઘરમાં શિવલિંગને દૂધમિશ્રિત જળથી સ્નાન કરાવો. ઓમ નમ: શિવાયના જાપ કરો.
વૃષભ: વિષ્ણુજીના કોઈ રૂપનું પૂજન કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો.
મિથુન: શ્રી કૃષ્ણના નામના જાપ કરો.
કર્ક: શ્રી રામ નામના મંત્રના જાપ કરો.
સિંહ: શ્રી રામ રક્ષાસ્તોત્રનો પાઠ કરો.
કન્યા: શ્રી વિષ્ણુસહસ્ત્ર નામના પાઠ કરો.
તુલા: શ્રી ગોપાલસહસ્ત્ર નામના પાઠ કરો.
વૃશ્ચિક: શ્રી શિવ ચાલીસાના પાઠ કરો.
ધન: શ્રી વિષ્ણુસહસ્ત્ર નામના પાઠ કરો.
મકર: શ્રી દુર્ગા ચાલીસા કે સપ્તશતીના પાઠ કરો.
કુંભ: શ્રી રામ રક્ષાસ્તોત્રના પાઠ કરો.
મીન: શ્રી વિષ્ણુસહસ્ત્ર નામના પાઠ કરો.

અભિજિત મુહૂર્ત
અભિજિત મુહૂર્ત બપોરે: 11:56થી 12:49.
શુભ મુહૂર્ત: 7:25થી 10:44 સુધી, બપોરે 12:23થી 2:02 સુધી રહેશે.
રાહુકાળ: સવારે 10:44થી 12:23 સુધી.
આ સમયે શ્રી દુર્ગાસપ્તશતીના ચતુર્થ અધ્યાયના પાઠ કરવાથી શત્રુ, રોગનો નાશ થશે.

ગૃહપ્રવેશની સરળ વિધિ
અક્ષય તૃતિયાએ ગૃહપ્રવેશ શુભ મનાય છે. તમે ગૃહપ્રવેશ ઈચ્છતા હોવ અને વિધિમાં પરેશાની હોય, તો એક સરળ વિધિ અપનાવી શકો. ગૃહપ્રવેશ પહેલાં ત્યાં દૂધ ઉકાળી દો. દૂધ ઉકળીને નીચે પડી જાય પછી ઘરમાં રહેવાનું શરૂ કરી શકો છો. આ સાથે ગણેશજીની પૂજા કરીને એ મૂર્તિને ઘરમાં સ્થાપિત કરી શકો છો.