સ્ત્રીઓ વ્રત શરૂ નહીં કરી:આજે સંકષ્ટ ચતુર્થી, શુક્ર અસ્તનો હોવાથી સ્ત્રીઓ વ્રત શરૂ નહીં કરી શકે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિના દીર્ઘાયુ માટે સ્ત્રીઓ કરક ચતુર્થી-કરવા ચોથનું વ્રત કરે છે
  • મહાદેવજીની પૂજા કરી ચંદ્રદર્શન સુધી ઉપવાસનું વિશેષ મહત્ત્વ છે

આસો વદ ચોથ ને ગુરુવારે સંકષ્ટ ચતુર્થી છે. કરક ચતુર્થી અને કરવા ચોથ તરીકે પણ ઓળખાતા દિવસે પરીણિત સ્ત્રીઓ પતિના દીર્ઘાયુ માટે વ્રત-ઉપવાસ કરે છે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા પ્રમાણે હાલમાં ગ્રહ મંડળમાં શુક્ર અસ્તનો ચાલતો હોવાથી શુક્ર ગ્રહનું નૈસર્ગિક બળ હણાય છે. આથી પ્રથમ વખત કરવા ચોથ કરવા માગતી સ્ત્રીઓ આ વર્ષે વ્રત નહીં રાખી શકે. પહેલી વાર વ્રત કરે તો વિપરીત પરિણામની પણ ભીતિ વ્યક્ત કરાઈ છે. આ સિવાય જે મહિલાઓ પહેલેથી આ વ્રત કરી રહી છે તેમને શુક્રના અસ્તનો દોષ લાગશે નહીં. 17 ઓક્ટોબરે ગ્રહમંડળમાં રાજારૂપી સૂર્ય ગ્રહ તુલા રાશિમાં વિધિવત્ પ્રવેશ કરશે.

આ દિવસે સ્ત્રીઓ અખંડ સૌભાગ્યના પ્રતીકસમા સોળ શણગાર સજે છે. વિશેષમાં શણગારમાં લગ્નજીવનમાં વધારે પ્રેમ, સ્નેહ, લાગણી અને શીતળતા વધે, તેવા શુભ આશય પણ રહેલો હોય છે. વ્રતની પૂજા સાંજે 6.35 વાગ્યા પછી કરવામાં આવતી હોય છે. આ પૂજામાં દેવાધિદેવ મહાદેવજીની વિશેષ પૂજા-અર્ચના કરવા સાથે મહાપૂજા પણ કરવામાં આવે છે.

મહાદેવજીને ધોતી, પાંચ ફળ, સફેદ મીઠાઈ, દક્ષિણા પણ અર્પણ કરવામાં આવે છે. ઘણી બહેનો મહાદેવજીની પૂજા સાથે ગણેશજીની પણ પૂજા કરતી હોય છે. રાત્રે 8.51 વાગ્યે ચંદ્રોદય થાય ત્યાર પછી બહેનો પ્રત્યક્ષ ગ્રહ ચંદ્રની વિધિવત્ પૂજા કરે છે અને ચારણીમાં ચંદ્રદેવનાં દર્શન કરશે, ત્યાર બાદ પતિનાં દર્શન કરે છે.

આ વ્રત કરનારી મહિલાઓમાં ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તરાંચલ, હરિયાણા વગેરે રાજ્યોમાં સવિશેષ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...