સરકારે સંભવિત ત્રીજી વેવને ધ્યાનમાં રાખીને સુપરસ્પ્રેડરની કેટેગરીમાં આવતા લોકોને ફરજિયાત વેક્સિનેશન માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં 15 ઓગસ્ટ સુધી તે કેટેગરીમાં આવતા તમામ લોકોને ફરજિયાત વેક્સિન લેવા માટે કહેવાયુ છે. જેથી બજારમાં આવતા લોકોને તેઓના કારણે સંક્રમણનો ભય ન રહે. આજે આ ફરજિયાત વેક્સિનેશનની સમયમર્યાદાનો છેલ્લો દિવસ છે. ત્યારે હજી પણ અમદાવાદમાં 30 ટકા વેપારીઓ, નોકરિયાત અને અન્ય જે સુપરસ્પ્રેડરની કેટેગરી આવતા લોકોને વેક્સિન લેવાની બાકી છે. દરેક સેન્ટર પર લિમિટેડ સ્ટોક ના કારણે તેમને ઝડપથી વેક્સિન મળતી નથી. તેથી વેપારીઓએ આ ફરજિયાત વેક્સિનેશન માટે 15 દિવસની સમયમર્યાદા વધારી 31 ઓગસ્ટ સુધી રાહત મળે તે માટે સરકારને અપીલ કરી છે.
અગાઉ સરકારે મુદ્દત વધારી અમને રાહત આપી હતી
અમદાવાદ વેપારી મહાજનના મીડિયા કન્વીનર આશિષ ઝવેરીએ જણાવ્યું કે, સરકારે અગાઉ પણ મુદ્દત વધારીને અમને રાહત આપી હતી. જેથી અસરકારક રીતે અમે લગભગ 70 ટકા વેપારીઓ અને સ્ટાફનું વેક્સિનેશન કરી ચૂક્યા છે. અમે AMCની મદદથી વેપારીઓ માટે કેમ્પનું આયોજન પણ કર્યું હતું. હવે જ્યારે 30 ટકા લોકોને જ વેક્સિન લેવાની બાકી છે. તો મારું માનવું છે કે, સરકાર હવે માત્ર 15 દિવસની મુદ્દત વધારે તો બાકીના લોકો તે સમયગાળામાં વેક્સિન લઈ લે. સરકાર અમને રાહત નહીં આપે તો પોલીસ અને તંત્ર નિયમ મુજબ વેપારીઓ વિરૂદ્ધ પગલાં ભરશે. જેમાં ક્યાંકને ક્યાંક ઘર્ષણ પણ સર્જાય શકે છે. અમને 31 ઓગસ્ટ સુધી સમય આપવામાં આવે તેવી અપીલ છે. સાથે સંભવિત થર્ડ વેવને લઈને વેપારીઓ પણ વેક્સિન લેવા માટે ઉતાવળ કરે છે, પરંતુ લિમિટેડ સ્ટોકના કારણે વિલબ થાય છે. હું માનું છું વેક્સિન જ વરદાન છે.
હવે સિઝન આવે છે માટે 15 દિવસ રાહત આપે તો સારું
પાંચકુંવા કાપડ એસો.ના પ્રમુખ કિરીટ પટેલે જણાવ્યું કે, કોરોના મહામારી બાદ અમને ઘણું આર્થિક નુકસાન થયું છે. હવે સિઝન આવે છે. જેથી અમને પણ વેક્સિન લઈને અમારો વેપાર કરવામાં રસ છે. 70 ટકા જેટલું અસરકારક વેક્સિનેશન થયું છે. અમને સરકાર ઘણી મદદ કરે છે, તો હવે માત્ર એટલી જ અપીલ છે કે સરકાર અમને 15 દિવસ માટે રાહત આપે તો સારું છે. જેથી વેપારીઓને દુકાનો બંધ ન કરવી પડે અને બાકીનું વેક્સિનેશન પણ થઈ જાય. સરકાર અમને ઘણી મદદ કરી છે. હવે આ અમારી અપીલ સાંભળે તેવી સરકાર પાસે અમે આશા રાખીએ.
સ્પોટ રજિસ્ટ્રેશન બાદ વેક્સિનેશનમાં લોકોનો ઉત્સાહ
રાજ્યમાં કોરોનાની પહેલી અને બીજી લહર ઘણી ભયાવહ સાબિત થઈ હતી. રાજ્યમાં હજારો લોકોએ આ મહામારીમાં જીવ ગુમાવ્યા છે. જેથી હવે કોઈને જીવ ગુમાવવાનો વારો ન આવે તે માટે સરકારે સંભવિત ત્રીજી લહેર પહેલા સાવચેતીના ભાગરૂપે તમામ વ્યવસ્થા કરી છે. જેમાં સરકારે અસરકારક વેક્સિનેશન પર ભાર મૂક્યો છે. દેશમાં ગુજરાત રાજ્યમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી વધારે વેક્સિનેશન થયું છે. સરકારે જ્યારથી સ્પોટ રજિસ્ટ્રેશન પર વેક્સિન આપવાનું અભિયાન છેડ્યું ત્યારથી લોકો ઉત્સાહભેર વેક્સિન લેવા માટે વેક્સિનેશન સેન્ટરે પહોંચી જાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.