નમસ્કાર,
આજે શુક્રવાર છે, તારીખ 13 મે, વૈશાખ સુદ- બારસ
આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે CM રાજકોટમાં, આવાસના લોકાર્પણ અને સરકારી હોસ્ટેલ ખાતમુહૂર્ત કરવામાં આવશે 2) આજે અમદાવાદમાં રેડ એલર્ટ, ગરમીનો પારો 45 ડિગ્રીથી વધુ રહેશે 3) આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશની સ્ટાર્ટઅપ નીતિનો શુભારંભ કરાવશે
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ધો.12 સાયન્સનું 72.02% પરિણામ, A1 ગ્રેડમાં 196, A2 ગ્રેડમાં 3306 વિદ્યાર્થી પાસ થયા, રાજકોટ જિલ્લાનું સૌથી વધુ પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે 72.2 ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ પરિણામ રાજકોટ જિલ્લાનું 85.78 ટકા, જ્યારે સૌથી ઓછું દાહોદ જિલ્લાનું 40.19 ટકા આવ્યું છે. લાઠી કેન્દ્રનું સૌથી વધુ 96.12% અને સૌથી ઓછું લીમખેડા કેન્દ્રનું 33.33% પરિણામ આવ્યું છે.
2) વડોદરામાં વિદ્યાર્થીએ પરીક્ષાના 4 મહિના પહેલા પિતા ગુમાવ્યા બાદ નોકરી કરી, નાપાસ થયો છતાં કહ્યું: 'આપઘાતનો વિચાર ન કરો નિષ્ફળતા ક્ષણિક છે'
ધોરણ 12 સાયન્સનું આજે 72.02 ટકા પરિણામ જાહેર થયું. જેમાં કહીં ખુશી તો કહી ગમનો માહોલ છે, ત્યારે વડોદરાના ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી ઋત્વિકે થોડા મહિના પહેલા જ પિતા લાલસિંગભાઇને ગુમાવ્યા અને પરિવારના ગુજરાનની જવાબદારી ઉપાડી પરીક્ષા આપી. જેમાં તે નાપાસ થયો. પરંતુ, આ નિષ્ફળતા આ અડગ મનના વિદ્યાર્થીને ડગાવી શકી નથી અને હજારો વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બનતા તે કહે છે કે, નાપાસ થયા બાદ આત્મહત્યાનો વિચાર ન કરશો. આપણે જીવનથી નથી હાર્યા. ફરી પ્રયત્ન કરીશું અને સફળ થઇશું.
3) કેજરીવાલ ફરી ગુજરાતમાં આવશે, અમદાવાદમાં 15મે થી ગુજરાત યાત્રા પ્રારંભ કરશે, AAP, ગત રાત્રીના ઇન્દ્રનીલના ઘરે કાઠિયાવાડી ભોજનનો સ્વાદ માણ્યો
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ જોરશોરથી તૈયારીમાં લાગી ગઈ છે. ત્યારે ગઈકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટ આવ્યા હતા. જ્યાં સાંજે શાસ્ત્રીમેદાનમાં જંગી સભા સંબોધી હતી. તેમના આ એકદિવસીય પ્રવાસથી અન્ય પાર્ટીના રાજકીય આગેવાનોમાં હલચલ મચી હતી. ત્યારે હવે ફરી કેજરીવાલ ગુજરાત આવશે તેવી માહિતી સામે આવી છે. જ્યાં આપના કાર્યકરના જણાવ્યા અનુસાર તેઓ અમદાવાદમાં 15મે થી ગુજરાત યાત્રા પ્રારંભ કરશે.
4) વડોદરામાં ડિવાઇડર કૂદીને આવેલી ગાયે વિદ્યાર્થીને ભેટી મારી, શિંગડું વાગતાં આંખ ફૂટી ગઈ, માતા-પિતાએ રડતાં રડતાં કહ્યું: 'કોર્પોરેશન જ જવાબદાર છે'
વડોદરા શહેરમાં રખડતા ઢોરને કારણે સેંકડો અકસ્માત થયા છે, જેમાં લોકો ગંભીર રીતે ઘાયલ અને કેટલાક લોકો મોતને ભેટ્યા છે, ત્યારે બુધવારે સાંજે વાઘોડિયા રોડ પર મોપેડ લઈ જઈ રહેલા પોલિટેક્નિકના વિદ્યાર્થી હેનીલને ગાયે ભેટી મારતાં શિંગડું આંખમાં વાગ્યું હતું. એમાં તેની આંખ ફૂટી ગઈ હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. સ્માર્ટસિટી વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત્ છે. માત્ર 15 દિવસમાં જ રખડતા ઢોરના ત્રાસને દૂર કરવાની જાહેરાત અને યુદ્ધના ધોરણે કરેલી કામગીરી બાદ પણ હજી રસ્તા પર ઢોર ફરી જ રહ્યા છે, જેને કારણે આજે પણ અનેક લોકો અકસ્માતને ભેટી રહ્યા છે.
5) એપ્રિલમાં છૂટક મોંઘવારી દર 7.79%, ખાવાની ચીજવસ્તુથી લઈને જૂતાં-કપડાં મોંઘા થતા મોંઘવારી 8 વર્ષના પીક પર પહોંચી
સામાન્ય લોકોને એપ્રિલમાં મોંઘવારીના મોરચે ઝાટકો લાગ્યો છે. ખાવા-પીવાની વસ્તુથી લઈને તેલના ભાવ વધવાથી મોંઘવારી 8 વર્ષના પીક પર પહોંચી ગઈ છે. ગુરુવારે જાહેર થયેલા સરકારી આંકડા મુજબ કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ (CPI) આધારીત રિટેલ મોંઘવારી દર માર્ચમાં વધીને 7.79% થઈ ગઈ છે. મે 2014માં મોંઘવારી 8.32% હતી. ખાવા-પીવાના સામાન પર મોંઘવારી વધીને 8.38% થઈ ગઈ છે.આ સતત ચોથો મહિનો છે જ્યારે મોંઘવારી દર RBIની 6%ના ઉપલા લેવલને પાર કરી ગઈ છે. ફેબ્રુઆરી 2022માં રિટેલ મોંઘવારી દર 6.07%, જાન્યુઆરીમાં 6.01% અને માર્ચમાં 6.95% નોંધાઈ છે. એક વર્ષ પહેલા એપ્રિલ 2021માં રિટેલ મોંઘવારી દર 4.23% હતી.
6) તાજમહેલ કેસમાં અરજી ફગાવી, હાઇકોર્ટે અરજી કરનારને કહ્યું- PILનો દુરુપયોગ ના કરો, PhD કરો પછી કોર્ટમાં આવજો
તાજમહેલના ભોયરામાં બનેલા 20 દરવાજા ખોલવા વિશેની અરજી અલાહાબાદ કોર્ટની લખનઉ બેન્ચે ફગાવી દીધી છે. સૌથી પહેલાં ગુરુવારે 12વાગે સુનાવણી થઈ હતી. તાજમહેલ વિવાદ વિશે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સુનાવણી દરમિયાન કોર્ટે અરજી કરનારની ઝાટકણી કાઢી હતી. જસ્ટિસ ડીકે ઉપાધ્યાયે અરજી કરનાર PIL વ્યવસ્થાનો દૂરઉપયોગ ના કરે, પહેલાં યુનિવર્સિટી જાય, પીએચડી કરે અને પછી કોર્ટ આવે. કોર્ટે કહ્યું છે કે, જો કોઈ રિસર્ચમાં તેમને રોકે તો તેઓ મારી પાસે આવે. કાલે તમે આવીને કહેશો કે તમારે જજની ચેમ્બર જોવી છે, તો શું અમે તમને ચેમ્બર બતાવીશું? ઈતિહાસ તમારા પ્રમાણે ના બદલી શકાય.
7) UPના મદરેસાઓમાં રાષ્ટ્રગાન ફરજિયાત, આજથી જ ક્લાસ શરૂ કરતા પહેલા દરરોજ ગવાશે જન-ગણ-મન
ઉત્તરપ્રદેશના મદરેસાઓમાં હવે અભ્યાસ પહેલા રાષ્ટ્રગાન ગાવું ફરજિયાત કરી દેવાયું છે. UP મદરેસા શિક્ષણ બોર્ડ પરિષદે આ આદેશ જાહેર કરી દીધો છે. આ આદેશ માન્યતા પ્રાપ્ત, ગ્રાન્ટ મેળવનાર અને ગ્રાન્ટ ન મેળવનાર તમામ મદરેસાઓ પર લાગુ થશે. ક્લાસ શરૂ થતા પહેલા સવારની પ્રાર્થના સમયે રાષ્ટ્રગાન ગવાશે. રમજાન અને ઈદની રજાઓ પછી ગુરુવાર એટલે કે આજથી તમામ મદરેસાઓ ખુલી ગયા છે. 14 મેથી મદરેસાઓમાં બોર્ડ પરીક્ષા શરૂ થઈ રહી છે.
8) શ્રીલંકામાં હિંસા, રાનિલ વિક્રમસિંઘે બન્યાં શ્રીલંકાના નવા વડાપ્રધાન
યુનાઈટેડ નેશનલ પાર્ટી (UNP)ના નેતા રાનિલ વિક્રમસિંઘે આર્થિક અને રાજકીય સંકટમાંથી પસાર થઈ રહેલા શ્રીલંકાના નવા વડાપ્રધાન બન્યા છે. તેઓએ ગુરુવારે સાંજે 6.30 કલાકે વડાપ્રધાન પદના શપથ લીધા. તેમની પાર્ટીએ આ વાતની પુષ્ટિ કરી છે. તેઓ અગાઉ વડાપ્રધાન પદ સંભાળી ચૂક્યા છે. 2019માં રાનિલે પોતાની પાર્ટીના દબાણને કારણે પીએમ પદ પરથી રાજીનામું આપ્યું હતું.
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) અમદાવાદમાં તાપમાનનો પારો 46 ડિગ્રીએ પહોંચતા અમદાવાદીઓ ત્રાહીમામ પોકારી ગયા, હજુ બે દિવસ રેડ એલર્ટ 2) સુરતમાં રત્નકલાકારની દીકરીએ ગુજકેટની પરીક્ષામાં 120માંથી 120 ગુણ મેળવ્યા, મોડી રાત સુધી કરેલી મહેનતનું ફળ 3) પાટણના ભાટસણમાં અનુસુચિત જાતિના વરઘોડા પર પથ્થરમારો, પોલીસ બંદોબસ્ત સાથે ફરી વરઘોડો નીકળ્યો 4) અમદાવાદમાં કોંગ્રેસના કોર્પોરેટરો પાણીની ડોલ લઈ મ્યુનિ.કમિશ્નરના બંગલે પહોંચ્યા, પાણી આપોના સુત્રોચ્ચાર કર્યા 5) ભાજપની 40થી વધુ આગેવાનોની ચિંતન શિબિર 15 અને 16 મેના રોજ યોજાશે, અમિત શાહ પણ હાજર રહેશે 6) મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા રાજીવ કુમાર, 15 મે સુધીમાં સુશીલ ચંદ્રાની જગ્યાએ કાર્યભાર સંભાળશે 7) જમ્મુ કાશ્મીરના બડગામમાં આતંકીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, સિક્યોરિટી ફોર્સે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી 8) ઉત્તર કોરિયામાં ઓમિક્રોનની એન્ટ્રી:નવા વેરિયન્ટનો એક સામે આવતા કિમ જોંગ ઉને સમગ્ર દેશમાં લોકડાઉન લાગૂ કર્યું
આજનો ઈતિહાસ
13 મે, 1952નાં દિવસે સ્વતંત્ર ભારતનું પહેલું સંસદ સત્ર બોલાવવામાં આવ્યું હતું. 3 એપ્રિલ 1952નાં રોજ પહેલી વખત રાજ્યસભાનું ગઠન થયું જે બાદ સંસદનું પહેલું સત્ર 13 મેનાં રોજ મળ્યું હતું.
અને આજનો સુવિચાર
જેમની પાસેથી સુખ મળે છે તે જ દુઃખ આપે છે. મિત્રો, સ્વજનો સાથે વ્યહવાર કરતી વખતે આ વિષે હંમેશા સજાગ રહેવું
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.