નમસ્કાર,
આજે સોમવાર છે, તારીખ 14 ફેબ્રુઆરી, મહા સુદ-તેરસ ( શ્રી વિશ્વકર્મા જયંતિ)
આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) 2008 અમદાવાદ બ્લાસ્ટ કેસમાં સજા મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવશે 2) આજથી 24 ફેબ્રુઆરી સુધી રાજ્યભરમાં કોંગ્રેસનું મહા જનસંપર્ક અભિયાન 3) આજે PM મોદી પંજાબમાં, જલંધરમાં ફિઝિકલ રેલી કરી લોકો સાથે સીધી વાત કરશે 4) આજથી IRCTC બધી ટ્રેનોમાં મુસાફરોને ખાવાનું પૂરુ પાડશે
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) રાજકોટ પોલીસ કમિશનરે જમીનના વિવાદમાં યુવકને ધમકાવ્યો, કહ્યું, ‘સમાધાન કરી લેજે નહિતર આખા પરિવારને જેલમાં નાખતા મને આવડે છે’
રાજકોટ પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાંચ કમિશનબાજી કરતા હોવાનો ધારાસભ્યએ આક્ષેપ કરતાં આ મામલે ઉચ્ચ કક્ષાએ તપાસ ચાલી રહી છે અને જવાબદારો સામે કડક પગલાંના એંધાણ વર્તાઇ રહ્યા છે ત્યારે જામનગરનો એક યુવાન જાહેરમાં આવ્યો હતો અને તેણે પણ ઢોલરાની કરોડોની જમીનમાં પોતાની સાથે છેતરપિંડી થઇ હોવા છતાં ક્રાઇમ બ્રાંચે તેને જામનગરથી ઉઠાવી લઇ બે દિવસ ગોંધી રાખ્યાનો અને પોલીસ કમિશનરે સમાધાન કરી લેવાનું કહી પૂરા પરિવારને ફિટ કરાવી દેવાની ધમકી આપ્યાનો આક્ષેપ કરતાં ચકચાર મચી ગઇ હતી. યુવકે આ અંગે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને લેખિત રજૂઆત કરી હતી.
2) રાજ્યમાં 1274 નવા કેસ સામે 3022 દર્દી સાજા થયાં, વડોદરાના 4 સહિત કુલ 13નાં મોત
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે 24 કલાકમાં 1274 નવા કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા શહેરના 4 સહિત રાજ્યમાં કુલ 13 દર્દીના મોત થયા છે. આજે 3022 દર્દી સાજા થયા છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ વધીને 97.94 ટકા થઈ ગયો છે. રાજ્યમાં આજે ભાવનગર, છોટાઉદેપુર અને પોરબંદર જિલ્લામાં શૂન્ય કેસ છે.
3) અમેરિકામાં સન્માનિત થતા રૂપાણીએ કહ્યું: મેં નરેન્દ્ર મોદી જેવી ઇમાનદારીથી જ કામ કર્યુ છે
એક તરફ પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં પોલીસ તંત્ર સામે જમીનો ખાલી કરાવવના હવાલા લેવાના વિવાદ ચાલી રહ્યા છે તો બીજી તરફ ગઇકાલે વિજય રૂપાણીએ અમેરિકા ખાતે જાહેર મંચ પર એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, મે ગુજરાતમાં નરેન્દ્ર મોદી જેવી ઇમાનદારીથી જ કામ કર્યુ છે. રાજકારણમાં જાડી ચામડીના લોકો હોય છે પણ મારી સરકાર રૂજૂ લોકોની સરકાર હતી.
4) ભાજપના નેતા જશુ ભીલે કંડક્ટરની ભરતી માટે રૂપિયા લીધા હોવાની વાતચીતનો વીડિયો વાઇરલ, પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ
પ્રદેશ એસટી મોરચાના ભાજપના ઉપાધ્યક્ષ જશુભાઇ ભીલનો કંડક્ટરની ભરતી માટે યુવાન પાસેથી રૂપિયા લીધા હોવાની વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાઇરલ થયો છે. જશુભાઇ ભીલ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહનના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. જે તે સમયે એસટીમાં નોકરી અર્થે એક યુવાન પાસે 16 મે,2018માં નાણાકીય વહીવટ થયો હોય તેવો 2 વર્ષ જૂનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઇ છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના આદેશથી જશુ ભીલને શિસ્તભંગ ભંગ બદલ ભાજપમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
5) 30 કલાકમાં 150 ખેલાડી વેચાયા, શાકિબ અને ઉમેશ યાદવ અનસોલ્ડ; મુંબઈને હાર્દિકનું રિપ્લેસમેન્ટ મળી ગયું
IPL 2022ના બીજા દિવસે મેગા ઓક્શન બેંગ્લોરમાં ચાલુ છે. જેમાં 10 બિડિંગ ફ્રેન્ચાઇઝીએ અત્યાર સુધીમાં 150+ ખેલાડીઓને ખરીદ્યા છે. તેમાંથી અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી ઈશાન કિશન છે, જેને મુંબઈએ પહેલા દિવસે 15.25 કરોડમાં ખરીદ્યો હતો. આકાશ અને નીતા અંબાણીએ તેની પર બોલી લગાવવા માટે ગુજરાત સાથે 10 મિનિટની લાંબી બિડિંગ રેસ કરી હતી. ઉલ્લેખનીય છે કે આજે 10 ટીમો લગભગ 143 ખેલાડીઓ માટે બોલી લગાવતી જોવા મળશે. બધાની નજર અંડર-19 વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાના કેપ્ટન યશ ધુલ પર રહેશે.
6) યુક્રેન-રશિયા સંકટ ટાળવા થઈ રહ્યા છે સતત પ્રયાસ, બાઈડેને પુતિન સાથે ફોન પર 62 મિનિટ સુધી વાત કરી, બાઈડેને કહ્યુ- જો યુક્રેન પર હુમલો થશે તો અમેરિકા આપશે જવાબ
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલો તણાવ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યો. વિવાદને શાંત કરવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી, જે બિનઅસરકારક રહી હતી. વાતચીત દરમિયાન, બાઈડેને પુતિનને યુદ્ધ મોકૂફ રાખવાની અપીલ કરી અને ચેતવણી પણ આપી કે જો યુદ્ધ થશે તો રશિયાને યોગ્ય જવાબ પણ આપવામાં આવશે.
7) ઓસ્ટ્રેલિયામાં વેક્સિનને ફરજીયાત કરાતા ભારે વિરોધ થયો,કેનબરામાં પ્રદર્શનકારીઓએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યો ,રેલી યોજીને સૂત્રોચ્ચાર કર્યા
ઓસ્ટ્રેલિયાની રાજધાનીમાં હજારો લોકોએ કોરોનાની વેક્સિનને ફરજીયાત કરવામાં આવતા વિરોધ કર્યો છે. કેનબરામાં 10 હજારથી વધુ લોકોએ રાજ્ય સરકારોને કોવિડ-19 વેક્સિનેશનને ફરજિયાત બનાવતા તમામ આરોગ્ય આદેશોને તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે. લોકોએ કેનબેરામાં રસ્તા પર ઉતરીને ચક્કાજામ કર્યો હતો. આ સાથે જ તેઓએ રેલી પણ કાઢી હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે જણાવ્યું કે 10,000થી વધુ પ્રદર્શનકારીઓએ શાંતિપૂર્ણ રીતે વિરોધ કર્યો હતો.
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) અમદાવાદમાં આવાસ યોજનાના મકાનના નામે 1.51 કરોડનું કૌભાંડ, કોર્પોરેશનના અધિકારી બની અનેક લોકોને ખોટા એલોટમેન્ટ લેટર આપ્યા 2) ગુજરાત ક્રિકેટ એસોસિએશને મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચના પોલીસ બંદોબસ્તના 4 કરોડ હજુ ચૂકવાયા નથી 3) વડોદરામાં યુવાને ચાલુ બાઈકે બે હાથમાં બે મોબાઈલ રાખી વાત કરી, પોલીસે 1 હજારનો દંડ ફટકાર્યો, લોકોએ લખ્યું: 'આને એક લાખનો દંડ કરવો જોઇએ' 4) IPLમાં ભાવનગરના ચેતન સાકરિયાને 4.20 કરોડમાં દિલ્હી કેપિટલે ખરીદ્યો, પરિવારજનોમાં ખુશીનો માહોલ 5) સંતરામપુરમાં સ્કૂલમાં પરીક્ષા આપીને ઘરે જતી ધો-12ની વિદ્યાર્થિનીને જંગલમાં લઇ જઇ નરાધમે દુષ્કર્મ આચર્યુ, ગળુ દબાવી માથાના ભાગે પથ્થરો માર્યા 6) પાકિસ્તાનમાં મોબ લિચિંગ ઘટના બની, કુરાનના અપમાનના આરોપમાં એક વ્યક્તિને ઝાડ પર લટકાવ્યો, પોલીસ કસ્ટડીમાં જ પથ્થરો મારી મારીને મોતને ઘાટ ઉતાર્યો 7) દેશમાં ઇલેક્ટ્રિક વ્હીકલ લેનારાઓની સંખ્યા વધી પણ તેને ચાર્જ કરવાના અનેક મુશ્કેલી, EV માટે દેશભરમાં ફક્ત 1215 પબ્લિક ચાર્જિંગ સ્ટેશન
આજનો ઈતિહાસ
વર્ષ 2019માં આજના દિવસે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 40 જવાન શહીદ થયા હતા
અને આજનો સુવિચાર
આપણા ખોળામાં બાળક ઊંઘી જાય તે દુનિયાની સૌથી શાંત અને ઉમદા લાગણીઓની ક્ષણોમાંની થોડીક ક્ષણો હોય છે
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.