તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેપ્પી બર્થ-ડે ગાંધીનગર:પહેલાં માત્ર સરકારી કચેરીઓથી ઘેરાયેલું હતું શહેર, એક દાયકામાં જ વિકાસની ઉડાન ભરી વિશ્વભરમાં ચમક્યું, અંદાજે 13,000 કરોડના પ્રોજેક્ટ્સથી વધી શહેરની શાન

અમદાવાદ2 મહિનો પહેલા
  • સ્થાપનાની શરૂઆતમાં 12 હજાર લોકોને પાટનગરમાં સરકારી આવાસ ફાળવ્યા હતા
  • વર્ષ 2011માં બનેલા મહાત્મા મંદિરના નિર્ણય બાદ ગાંધીનગર શહેરની કાયાપલટ શરૂ થઈ હતી

આજે ગુજરાતના પાટનગરનો 56નો જન્મ દિવસ છે. ગાંધીનગરની સ્થાપના 2 ઓગસ્ટ 1965ના રોજ કરવામાં આવી હતી. ગાંધીનગર રાજયના કેપિટલ સિટી, ગ્રીન સિટી, ક્લીન સિટી, ટ્વીન સિટી, પોલિટિકલ સિટી તથા એજ્યુકેશન સિટી તરીકે પણ સમગ્ર દેશમાં પ્રખ્યાત છે, સાથે જ સુંદર માર્ગો, બગીચાઓ, કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, વાંચનાલયો ધરાવતા પાટનગરે ગુજરાતનાં અન્ય શહેરોની સરખામણીએ પોતાની એક અલગ જ ઓળખ ઊભી કરી છે. છેલ્લાં 10 વર્ષમાં ગાંધીનગરમાં 4 પ્રોજેક્ટની સ્થાપના થઈ, જેની પાછળ અંદાજે 13000 કરોડની આસપાસનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તો આજે ગુજરાતના ગ્રીન કેપિટલના જન્મ દિવસ નિમિત્તે શહેરની કેટલીક ખાસ-રસપ્રદ તેમજ સૌથી પ્રખ્યાત જગ્યાઓ વિશે જાણાવીશું.

પહેલા માત્ર પોલિટિકલ સિટી જ હતું ગાંધીનગર
ગાંધીનગરની સ્થાપના બાદ 1 મે, 1970ના રોજ પાટનગરમાં પ્રથમ વસાહત શરૂ કરાઈ હતી. પહેલા જ દિવસે 12 હજાર લોકોને પાટનગરમાં સરકારી આવાસ ફાળવાયા હતા, જેમાં 95 ટકા સરકારી કર્મચારીઓ હતા. અહી વસવાટ વસાવવા માટે ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી. અહીં લોકોને તમામ સુવિધા મળી રહે એ માટે દવાખાનું, પ્રાથમિક શાળા, પોલીસ મથક પણ ઊાં કરાયાં હતાં. રાજધાનીમાં તમામ વિભાગોની મુખ્ય કચેરીઓ, તમામ વિભાગોનાં સચિવાલય, મંત્રીઓનું કાર્યાલય, મંત્રીઓનું નિવાસ, વિધાનસભા મકાન, ગવર્નરનું નિવાસ, ગવર્નરનું કાર્યાલય, તમામ મહત્વપૂર્ણ કચેરીઓ અને ઇમારત સામેલ છે. શહેરના સરકારી અધિકારીઓ અને ખાનગી રહેવાસીઓનું રહેઠાણ આવેલું છે.

ગાંધીનગર મહાત્મા મંદિર.
ગાંધીનગર મહાત્મા મંદિર.

આ 4 પ્રોજક્ટે બદલી નાખી શહેરની કાયા
ગાંધીનગર એની હરિયાળીને કારણે પણ ખૂબ જ પ્રખ્યાત છે. અન્ય મોટાં શહેરોની સરખામણીએ અહીં સૌથી ઓછું પ્રદૂષણ જોવા મળે છે. કેટલાક લોકો આ શહેરને શાંત સિટી પણ કહે છે. જોકે માત્ર આ જ ખાસિયતો નહીં, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગાંધીનગરમાં સ્થાપિત થયેલા નવા પ્રોજેક્ટ્સને કારણે પણ આ શહેર આજે વિશ્વભરમાં જાણીતું બન્યુ છે, જેમાં મહાત્મા મંદિર, ગિફ્ટ સિટી, ટોય મ્યુઝિયમ તેમજ તાજેતરમાં જ બનેલા 5 સ્ટાર હોટલ સાથેનું રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. વર્ષ 2011માં બનેલા મહાત્મા મંદિરના નિર્ણય બાદ ગાંધીનગર શહેરની કાયાપલટ શરૂ થઈ હતી. મહાત્મા મંદિરમાં દર વર્ષે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે તેમજ દર બે વર્ષે થતું વાઈબ્રેન્ટ ગુજરાત પણ મહાત્મા મંદિરમાં જ યોજવામાં આવે છે, જ્યાં દેશ-વિદેશના બિઝનેસનમેન ભાગ લેવા માટે છે.

ગાંધીનગર ગિફ્ટ સિટી.
ગાંધીનગર ગિફ્ટ સિટી.

હવે જાણીએ ગાંધીનગરના ગિફ્ટ સિટીની વિશે
ગાંધીનગર પાસે બનેલું ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સ સિટી (ગિફ્ટ સિટી) ભારતનું સૌપ્રથમ સ્માર્ટ સિટી છે. ગિફ્ટ સિટી 886 એકરમાં ફેલાયું છે અને એમાં ડોમેસ્ટિક તેમજ સેઝ બંનેનો સમાવેશ થાય છે. હાલ અહીં 9 હજારથી વધુ કર્મચારી કામ કરી રહ્યા છે. ગિફ્ટ સિટીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર યુનિક છે. સંકુલમાં ડિસ્ટ્રિક્ટ કૂલિંગ સિસ્ટમ, યુટિલિટી ટનલ, કચરો એકત્ર કરવા માટે ઓટોમેટિક સિસ્ટમ જેવી સુવિધા પણ છે. સિટીમાં 7 ટાવર કાર્યરત છે. ગિફ્ટ સિટીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેન્કો, આઈટી કંપનીઓ, વીમા કંપનીઓ, આંતરરાષ્ટ્રીય શેરબજાર અને ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સ સર્વિસ સેન્ટર (આઈએફએસસી) આવેલું છે. અહીં હોટલ, ક્લબ હાઉસ, એફોર્ડેબલ હાઉસ તેમજ રહેણાક એકમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગિફ્ટ સિટીમાં આવેલો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ અનોખો છે. ગિફ્ટ સિટીના કોઈપણ સંકુલમાં તમે નળમાંથી પીવાનું પાણી લઈ શકો છો. એનું સમગ્ર સ્ટ્રક્ચર બાઉન્ડરી લેસ છે અર્થાત્ એકપણ ટાવરને કંપાઉન્ડ વોલથી કવર કરવામાં આવ્યો નથી. જમીનના બહેતર ઉપયોગ માટે આ સિસ્ટમ અપનાવવામાં આવી છે.

ગાંધીનગરમાં બનશે વિશ્વનું સૌથી મોટું ટોય મ્યુઝિયમ.
ગાંધીનગરમાં બનશે વિશ્વનું સૌથી મોટું ટોય મ્યુઝિયમ.

વિશ્વનું સૌથી મોટું ટોય મ્યુઝિયમ બને છે ગાંધીનગરમાં
ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટું બાલભવન નિર્માણ થવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે હાલ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીને ગાંધીનગર ગિફ્ટ સિટી નજીક શાહપુર ગામ અને રતનપુર ગામ વચ્ચે 30 એકર જમીન ફાળવી છે. આશરે 1500 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ પાંચ વર્ષના અંતે તૈયાર થશે. ‘ટોયઝ મ્યુઝિયમ’ બાલભવનનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે, કારણ કે અહીં દેશના ખૂણે ખૂણેથી 11 લાખથી પણ વધુ પ્રાચીન અને આધુનિક રમકડાં લાવી પ્રદર્શનમાં મુકાશે. ભારતમાં થયેલા વિજ્ઞાની, કલાકારો, શહીદો, મહાપુરુષો, ગગનયાન, વિવિધ મિસાઈલ્સ, EVM મશીન, 1857નો સ્વતંત્રતા સંગ્રામ, અંગ્રેજો સામેની લડાઈની ઝાંખી દર્શાવતા રમકડાંના માધ્યમથી બાળકોને રમત-ગમતની સાથે સંસ્કાર આપવાનું કામ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી કરશે.

ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન.
ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન.

દેશની પહેલી હોટલ, જે રેલવે પ્લેટફોર્મ પર છે
દેશમાં પહેલી વાર રેલવે-ટ્રેક પર તૈયાર થયેલી 5 સ્ટાર હોટલનું તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાપર્ણ થયું છે. સ્ટેશન બિલ્ડિંગ પર હોટલની સાથે સ્ટેશનને પણ રિડેવલપ કરવામાં આવ્યું છે, જેમાં સ્ટેશન પરિસરમાં મોલ, ખાણીપીણી સ્ટોલ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, સાથે જ રેલવે પ્લેટફોર્મ પર બનેલી આ હોટલમાં રોકાયેલી વ્યક્તિ સીધી મહાત્મા મંદિરમાં જઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેશનની વાત કરીએ તો આ રેલવે સ્ટેશન પર 3 પ્લેટફોર્મ પૈકી એક વન-એન્ડ પ્લેટફોર્મ, જ્યારે અન્ય આઇલેન્ડ પ્લેટફોર્મ છે. આ સ્ટેશન ખાતે 2 એસ્કેલેટર્સ, 3 એલિવેટર્સ અને 2 પેડેસ્ટ્રિયન (રાહદારી) સબ-વે છે, જે પ્લેટફોર્મ્સને જોડે છે. આ ઉપરાંત અલગ અલગ સ્થળે આશરે 300 વ્યક્તિ માટેનું પ્રતીક્ષા સ્થળ, સેન્ટ્રલી એરકન્ડિશન્ડ મલ્ટીપર્પઝ હોલ, બેબી ફીડિંગ રૂમ, પ્રાર્થના ખંડ તથા પ્રાથમિક સારવારનો ખંડ, ઑડિયો-વીડિયો, LED સ્ક્રીન સાથે આર્ટ ગેલરી માટેનો ડિસ્પ્લે એરિયા તથા 105 મીટર લાંબું કોલમ વગરનું એલ્યુમિનિયમની છત ધરાવતું સ્ટેશન છે.

ગાંધીનગરને જ પાટનગર કેમ બનાવ્યું?
વાત કરીએ ઈતિહાસની તો, 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે પહેલું પાટનગર અમદાવાદ બન્યું, પરંતુ અલગ ગુજરાત રાજ્ય સ્થાપવાનું નક્કી થયું ત્યારે આપણા પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતાને એવો વિચાર આવ્યો કે આંધ્રપ્રદેશમાં જેમ સિકંદરાબાદ બન્યું, પંજાબમાં જેમ ચંદીગઢ બન્યું એ રીતે નવનિર્મિત ગુજરાતનું પાટનગર પણ નવું હોવું જોઇએ, કારણ કે સંયુક્ત મુંબઇ રાજ્યમાંથી અલગ થતાં મહારાષ્ટ્રને ‘મુંબઇ’ જેવું સમૃદ્ધ શહેર પાટનગર તરીકે તૈયાર મળતું હતું, તેથી મહારાષ્ટ્ર રાજ્યે આ માટે રૂપિયા દસ કરોડ ગુજરાતને આપ્યા. ત્યાર બાદ ગુજરાતની અનેક જુદી જુદી જગ્યાઓ જોઇને ચકાસણી કર્યા બાદ અંતે ગુજરાતના નવા પાટનગર તરીકે ગાંધીનગરની પસંદગી કરવામાં આવી હતી.