ભાજપનો પ્રચાર માટે મેગા પ્લાન:વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ભાજપ 93 બેઠક પર મેગા ચૂંટણી પ્રચાર કરશે, કનૈયા કુમારનો અમદાવાદમાં રોડ શો

અમદાવાદ9 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે ભાજપે મહા પ્લાન તૈયાર કર્યો છે. ભાજપના દિગ્ગજ નેતાઓ 22 નવેમ્બરે 93 બેઠક પર 93 જનસભા સંબોધશે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ડો. સુધાંશુભાઈ ત્રિવેદીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપના દિગ્ગજ નેતાઓ 93 બેઠક પર 93 જનસભા સંબોધશે. કેન્દ્રી ગૃહમંત્રી અમિત શાહ થરાદ, સાબરમતી, ખંભાત અને ડીસામાં સભા ગજવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ચાણસ્મા, નિકોલ, સિદ્ધપુર અને શહેરામાં સભા સંબોધશે.

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ ચાર રેલી સંબોધશે
ભાજપ શાસિત ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી પણ પ્રચારમાં જોડાશે. હિમાચલ પ્રદેશના CM જયરામ ઠાકુર, આસામના CM હિમંતા બિસ્વા સરમા અને મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ જનસભાઓ ગજવશે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, અજય ભટ્ટ, કૈલાશ ચોધરી પણ પ્રચાર સભાઓ સંબોધશે. ભાજપના સ્ટાર પ્રચારક સાંસદ મનોજ તિવારી અને રવિ કિશન પણ પ્રચાર સભા કરશે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે ચાર રેલી સંબોધશે.

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ડો. સુધાંશુભાઈ ત્રિવેદી
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ડો. સુધાંશુભાઈ ત્રિવેદી

કોંગ્રેસના કનૈયા કુમારનો અમદાવાદમાં રોડ શો
કોંગ્રેસના યુથ આઇકોન કનૈયા કુમારે અમદાવાદમાં રોડ શો યોજ્યો હતો. જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠકના ઉમેદવાર ઇમરાન ખેડવાલાને જીત અપાવવા કનૈયા કુમાર અમદાવાદ આવ્યા અને રોડ શો યોજ્યો હતો. લઘુમતી વોટબેંક કબ્જે કરવા અને યુથને કોંગ્રેસ તરફ વાળવા કવાયત હાથ ધરાઈ છે. કનૈયા કુમારે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગાંધીજીના કહ્યા પર દેશ ચાલ્યો અને આઝાદ થયો. દેશ તકલીફમાં હોય છે ત્યારે ગુજરાત સંકટ મોચનનું કામ કરે છે. અત્યારે દેશને પરિવર્તનની જરૂર છે ગુજરાતની જનતાને અપીલ કરું છું કે પરિવર્તન કરો.

જનતા જ નક્કી કરશે કોને ચુંટીને લાવવા
કનૈયા કુમારે વધુમાં જણાવ્યું હતું કે, 27 વર્ષથી તમે આ પાર્ટીમાં જોઈ રહ્યા છો કેટલું કુશાશન ફેલાઈ રહ્યું છે. પ્રધાનમંત્રી ગુજરાત છોડીને ગયા છે પછી ગુજરાતને જોવાવાળું કોઈ નથી. કોંગ્રેસે 27 વર્ષમાં મજબૂત વિપક્ષની ભૂમિકા અદા કરી છે. તો લોકોને અપીલ છે કે કોંગ્રેસને વોટ આપે. ગુજરાતમાં જનતા નિર્ણાયક છે, જનતા જ નક્કી કરશે કોને ચુંટીને લાવવા. બેરોજગાર નવજવાનોએ સરકાર બદલવાનો સંકલ્પ લેવો જોઈએ.

યુથ આઇકોન કનૈયા કુમારે અમદાવાદમાં રોડ શો
યુથ આઇકોન કનૈયા કુમારે અમદાવાદમાં રોડ શો

વડાપ્રધાન બન્યાં બાદ પહેલીવાર પૂર્વ અમદાવાદમાં PMનો રોડ શો
નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યપ્રધાન હતા, ત્યારે અમદાવાદ પૂર્વ વિસ્તાર સાથે તેમનો ઘણો ઘરાબો હતો. એક સમયે અમદાવાદના મણિનગર વિસ્તારથી ચૂંટણી પણ નરેન્દ્ર મોદી લડ્યા હતા. અમદાવાદના પૂર્વ વિસ્તાર સાથે અનેક સંબંધ ધરાવતા નરેન્દ્ર મોદી આ વખતે વિધાનસભા 2022થી ચૂંટણીમાં વડાપ્રધાન તરીકે રોડ શો કરવાના છે તેવી વિગત ઉચ્ચ સ્તરીય સૂત્રો પાસેથી મળી રહી છે. 27-28 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં રોડ શો કરે તે માટે કેટલીક જગ્યાએ સૂચના પણ આપી દેવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે. આ વખતે નરેન્દ્ર મોદીનો પૂર્વ વિસ્તારમાં રોડ શો કરવાના છે, તે જગ્યાએ તમામ બાબતોને પણ આ માટે સૂચના આપી દેવામાં આવી છે અને આ રોડ શો કેટલા કિલોમીટર લાંબો હશે. તે માટે પ્લાનિંગ કરવા માટે પણ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા હોય એની વિગતો સામે આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફાઈલ તસવીર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફાઈલ તસવીર

NCPના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી ઝટકો આપ્યો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. આવતીકાલથી ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. કોંગ્રેસ અને NCP વચ્ચે ત્રણ બેઠક પર ગઠબંધન થયું છે, જેમાં નરોડા, દેવગઢ બારિયા અને ઉમરેઠ બેઠક પર NCPના ઉમેદવાર ચૂંટણી લડવાના છે. ત્યારે અગાઉ અમદાવાદની નરોડા બેઠક પરથી NCPના ઉમેદવારે ફોર્મ પાછુ ખેંચી લીધું હતું. ત્યારે નવા ઉમેદવારને ચૂંટણી લડવા તૈયાર કરી દેવાયા હતા. હવે સૌથી મોટો ઊલટફેર દેવગઢ બારિયા બેઠક પર જોવા મળ્યો છે. આ બેઠક પરથી છેલ્લી ઘડીએ NCPના ઉમેદવાર ગોપસિંહ લવારે ફોર્મ પાછું ખેંચી લીધું છે. હવે આ બેઠક પર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ જામશે.

આજે બે ભારત બની રહ્યાં છે, એક ગરીબોનું અને એક અમીરોનું: રાહુલ ગાંધી
સુરત બાદ રાહુલ ગાંધી રાજકોટ સભા સંબોધવા પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ સભાસ્થળ શાસ્ત્રી મેદાન ખાતે આવતા લોકોનું અભિવાદન કર્યું હતું. સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મોરબીમાં બનેલી ઝૂલતા પુલની દુર્ઘટના અંગે મૌન પાળીને દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાહુલ ગાંધીએ સભામાં જણાવ્યું હતું કે, અહીં મોરબીમાં દુર્ઘટના બની તે સમયે પત્રકારોએ મને કહ્યું કે તમે શું વિચારો છો. તો મેં કહ્યું 150 લોકોનાં મૃત્યુ થયા તેમાં રાજનીતિ નહીં કરું. મોરબી દુર્ઘટનામાં ચોકીદારોને પકડી અંદર કરી દીધા, પણ જવાબદારો સામે કાંઈ નહીં, પણ આજે સવાલ જરૂર થાય છે. ભાજપ સાથે સારો સંબંધ છે એટલે કંઈ નહીં થાય.

રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે બે ભારત બની રહ્યાં છે. એક ગરીબોનું અને એક અમીરોનું. અમારે એક ભારત બનાવવું છે માટે ભારત જોડો યાત્રા કરી રહ્યા છીએ. અમારે બે ભારત નથી જોઇતાં. ગુજરાતના મહાત્મા ગાંધી અને સરદાર પટેલે રસ્તો દેખાડ્યો છે. ભારતના બે-ત્રણ અરબપતિ ઉદ્યોગપતિ જે કરવા માગે તે કરી શકે છે. દરેક ક્ષેત્રે જવા માટે ભાજપ એને મદદ કરે છે.

રાજકોટમાં કોંગ્રેસના ઝંડાઓ ઉતારતાં વિવાદ
સૌરાષ્ટ્રમાં રાહુલ ગાંધીએ સભા સંબોધી હતી. જોકે રાહુલ ગાંધીની સભા પહેલાં જ તંત્રની હરકતથી રાજકોટમાં વિવાદ સર્જાયો હતો. રાજકોટના સરકારી તંત્રએ રાહુલ ગાંધીની સભા પહેલાં જ શહેરના 150 ફૂટ રિંગ રોડ અને રેસકોર્સ હિતના વિસ્તારોમાંથી સરકારી તંત્રએ કોંગ્રેસના ઝંડાઓ દૂર કરી નાખતાં રાજકીય માહોલ ગરમ થયો હતો. ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના નેતાઓને કહ્યું હતું કે અમે જવાબદારો સામે પગલાં લઈશું.

સરકારી તંત્રએ કોંગ્રેસના ઝંડા હટાવ્યા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ.
સરકારી તંત્રએ કોંગ્રેસના ઝંડા હટાવ્યા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ.

ભાજપના રાજુલાના ઉમેદવારની ખુલ્લી ચેતવણી
ગુજરાતમાં ચૂંટણીપ્રચાર દરમિયાન કેટલાક ઉમેદવારોના વિવાદાસ્પદ વીડિયો પણ વાઇરલ થઈ રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાની રાજુલા બેઠકના ભાજપના ઉમેદવાર હીરા સોલંકીનો પણ ખુલ્લેઆમ ચેતવણી આપતો વીડિયો વાઇરલ થયો છે. તેઓ વીડિયોમાં કાર્યકર્તાઓને કહી રહ્યા છે કે કોઈના બાપથી ડરતા નહીં, હીરા સોલંકી અહીં બેઠો છે, ધાકધમકી આપવાવાળાના હું ડબ્બા ગુલ કરી નાખીશ.

ભાજપના રાજુલાના ઉમેદવાર હીરા સોલંકી.
ભાજપના રાજુલાના ઉમેદવાર હીરા સોલંકી.

નવલખી મેદાનમાં ત્રણ હેલિપેડ તૈયાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે 23 નવેમ્બરે વડોદરા નવલખી મેદાનમાં સભાને સંબોધિત કરશે. આ માટે મેદાનમાં જ ત્રણ હેલિપેડ તૈયાર કરવામાં આવ્યાં છે. જ્યારે સભા મંડપની કામગીરી શરૂ કરી દેવાઇ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આગામી 1 ડિસેમ્બર અને 5 નવેમ્બર એમ બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. ત્યારે ભાજપના ઉમેદવારોનો પ્રચાર કરવા માટે વડાપ્રધાન મોદી સહિત સ્ટારપ્રચારકોની ટીમ મેદાનમાં ઊતરી ચુકી છે. વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠકના ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે વડાપ્રધાન મોદી આગામી 23 નવેમ્બરે બપોર બાદ વડોદરાના નવલખી મેદાનમાં સભાને સંબોધિત કરવાના છે.

વડાપ્રધાન આજે સુરેન્દ્રનગરમાં સભા કરશે.
વડાપ્રધાન આજે સુરેન્દ્રનગરમાં સભા કરશે.

AIMIMના ઉમેદવારને SVP હોસ્પિટલમાં દાખલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં પ્રચારમાં લાગી ગયા છે ત્યારે અમદાવાદના દાણીલીમડા વિધાનસભાના AIMIMના ઉમેદવાર કૌશિકા પરમારની તબિયત ગઈકાલે બગડતાં તેમને સારવાર માટે SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કૌશિકા પરમારને ડિહાઇડ્રેશન અને બ્લડપ્રેશરની તકલીફ થઈ હોવાથી ગઈકાલે મોડી સાંજે તેમની તબિયત ખરાબ થઈ હતી અને બેહોશ થઈ જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

યુપીના CM યોગી આદિત્યનાથ નસવાડીમાં ખીલ્યા
વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છોટા ઉદેપુરના નસવાડીમાં આવ્યા હતા. જ્યાં તેઓએ કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. મોદી સરકારની સિદ્ધિઓ ગણાવીને ભાજપને મત આપવાની અપીલ કરી હતી. યોગી આદિત્યનાથે મંચ ઉપર આવીને જનતાને ગુજરાતીમાં કેમ છો? મજામાં કહીને શરૂઆત કરી હતી. યોગી આદિત્યનાથે નરેન્દ્ર મોદી સરકારના અભિનંદન કરતા જણાવ્યું કે, એક આદિવાસી, વનવાસી પરિવારની મહિલાને દેશના સર્વોચ્ચ સંવિધાનિક પદ રાષ્ટ્રપતિના પદ પર બેસાડ્યા છે. ભારતના વનવાસી, ગીરવાસીનું સન્માન વધાર્યું છે.

કેજરીવાલ અને ભગવત માન પણ ગુજરાતમાં
અમરેલી જિલ્લામાં વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી પ્રચંડ પ્રચાર કરી રહી છે. અમરેલી જિલ્લાના આપના પાંચ ઉમેદવારો માટે દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે આજે અમરેલીમાં રોડ શો યોજ્યો હતો. અમરેલી આવેલા કેજરીવાલે રોજગાર અને પેપર ફૂટવા મામલે રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

કેજરીવાલ અને ભગવંત માનના ગુજરાતમાં ધામા
કેજરીવાલ અને ભગવંત માનના ગુજરાતમાં ધામા

લોકોને દિલ્હી-પંજાબની જેમ લાભો આપવામાં આવશે
વલસાડ જિલ્લામાં પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માનનો રોડ શો યોજાયો હતો. જિલ્લાના ઉમરગામ, કપરાડા અને ધરમપુર વિધાન સભા બેઠક ઉપર રોડ શો કરીને આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો. ઉમરગામ શહેરના મુખ્ય માર્ગો ઉપર ભગવંત માને રોડ શો કરીને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતી સાથે જીતાડી લાવવા અપીલ કરી હતી. તેમજ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગુજરાતના લોકોને પણ દિલ્હી અને પંજાબની જેમ લાભો આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...