મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:આજે AMC ઝોનલ ઓફિસ ખાતે સેવા સેતુ કાર્યક્રમ, નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 2 લાખ 43 હજાર 965 કરોડ બજેટનું રજૂ કર્યું

5 મહિનો પહેલા

નમસ્કાર,
આજે શુક્રવાર છે, તારીખ 4 માર્ચ, ફાગણ સુદ-બીજ (ચંદ્ર દર્શન)

આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) આજે AMC ઝોનલ ઓફિસ ખાતે સેવા સેતુ કાર્યક્રમ, ટેક્સના લગતા પ્રશ્ન કે ફરિયાદ દૂર કરાશે 2) કોંગી નેતાઓ સામે બદનક્ષીની ફરિયાદમાં આજે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીને કોર્ટમાં પુરાવા રજૂ કરવા આદેશ

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) ચૂંટણીના વર્ષમાં કરવેરા વિનાનું બજેટ, 15 લાખ પગારદારોને વ્યવસાય વેરામાંથી મુક્તિ, જાણો તમને શું શું મળ્યું

ગુજરાત બજેટ 2022 આજે રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ 2 લાખ 43 હજાર 965 કરોડ બજેટનું રજૂ કર્યું છે. બપોરે નાણામંત્રી કનુભાઈ બજેટને લઈને આવી પહોંચ્યા હતા. આ બજેટમાં બોટાદ, વેરાવળ, જામ ખંભાળિયામાં નવી મેડિકલ કોલેજો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે તેમજ ચૂંટણીનું વર્ષ હોવાથી નવા કરવેરા પણ લાદવામાં આવ્યા નથી.

વાંચો સમાચાર વિગતવાર

2) વિદ્યાર્થીઓએ કહ્યું- ખાધા-પીધા વગર યુક્રેન બોર્ડર પર વિતાવેલો સમય ક્યારેય નહીં ભૂલી શકાય, મેડીકલની ડિગ્રી પૂર્ણ થશે કે કેમ?

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધ વચ્ચેથી વિદ્યાર્થીઓ પરત ફરીને પોતાના ઘરે આવતા ખુશાલીનો માહોલ સ્વાભાવિક રીતે જોવા મળે છે. 37 જેટલા વિદ્યાર્થીઓ આજે સુરત પહોંચતા સર્કિટ હાઉસ ખાતે તેમની રાહ જોતા તેમના વાલીઓને મળતાની સાથે જ ચારે તરફ લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. ક્યાંક દીકરીને માતા ભેટેલી જોવા મળે તો ક્યાંક પિતાએ પોતાના બાળકને ભેટીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. કેટલીક માતાઓ પોતાની જ દીકરીને આલિંગન આપતાં ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, ખાધા-પીધા વગર યુક્રેન બોર્ડર પર વિતાવેલો સમય ક્યારેય નહીં ભૂલી શકાય, મેડીકલની ડિગ્રી પૂર્ણ થશે કે કેમ?

વાંચો સમાચાર વિગતવાર

3) મહિલા અને વૃદ્ધોના સહારે 2022ની ચૂંટણીમાં મિશન@150 પાર પાડવાની તૈયારી, જાણો રૂપાણી V/S પટેલનું બજેટ

મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની સરકારે આજે પહેલું બજેટ રજૂ કર્યું હતું. આગલા વર્ષના બજેટ કરતાં 2022-23 માટેના બજેટમાં પટેલની સરકારનું ફોકસ મહિલા અને બાળ વિકાસ પર વધુ રહ્યું છે. આ ક્ષેત્રે તેમણે ફાળવણીમાં 42% જેવો વધારો કર્યો છે. રૂપાણી સરકારે ગત વર્ષે રૂ. 3,511 કરોડ ફાળવ્યા હતા જ્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારે રૂ. 4,976 કરોડ ફાળવણી કરી છે. આ ઉપરાંત આજે રજૂ થયેલા અંદાજપત્રમાં સરકારે નાગરિક પુરવઠા, સામાન્ય વહીવટ અને ઉર્જા અને પેટ્રોકેમિકલ માટેના બજેટમાં નોંધપાત્ર વધારો કર્યો છે. આમ રાજ્ય સરકારે 2022ની વિધાનસભા ચૂંટણી જીતવા માટે મહિલાઓ પર વધુ ફોક્સ કર્યું છે.

વાંચો સમાચાર વિગતવાર

4) બજેટમાં રૂ.1188 કરોડ ફાળવાયા તે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ શું છે? ગુજરાતના આ પ્રોજેક્ટમાં કુલ 10 હજાર કરોડ ખર્ચાશે

આજે રાજ્યનું વર્ષ 2022નું બજેટ વિધાનસભામાં રજૂ કરાયું હતું. જેમાં સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ માટે રૂ.1188 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ઉત્તમ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી આગામી સમયમાં વિશ્વબેન્કના સહયોગથી રૂ.10 હજાર કરોડ જેવી માતબર રકમના ખર્ચે સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ પ્રોજેકટ હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પ્રોજેકટના માધ્યમથી 70 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓને વધુ સારી માળખાકીય સગવડો અને શિક્ષણ પદ્ધતિ દ્વારા ગુણવત્તાયુકત શિક્ષણ આપી ગુજરાતની ભાવિ પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ કરવાનો નિર્ધાર કરાયો છે. ત્યારે આવો સમજીએ સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ શું હશે અને તેમાં કેવી રીતે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવશે.

વાંચો સમાચાર વિગતવાર

5) રશિયા-યુક્રેન યુદ્ધનો આઠમો દિવસ: ખાર્કીવ બન્યું ખંડેર, રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું- યુદ્ધ સમાપ્ત કરવા માટે રશિયા વાતચીત માટે તૈયાર

યુક્રેન પર રશિયાનો હુમલો સતત આઠમા દિવસે પણ ચાલુ છે. રશિયા યુક્રેન પર સતત હુમલો કરી રહ્યું છે. પરંતુ હવે કદાચ પોતાના પર હુમલાનો ડર તેને સતાવી રહ્યો છે. જાણકારી અનુસાર રશિયાએ S-400 એર ડિફેન્સ સિસ્ટમનો યુદ્ધાભ્યાસ શરુ કર્યો છે. S-400નો ઉપયોગ દુશ્મનોના હવાઈ હુમલાને નિષ્ફળ બનાવવા માટે કરવામાં આવશે. બીજી તરફ યુક્રેનના 15 શહેરો પર હવાઈ હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રશિયાની સેનાએ યુક્રેનના ચેર્નિહિવ (Chernihiv) ઓઇલ ડેપો પર મિસાઈલ હુમલો કર્યો છે, જેના કારણે ત્યાં ભીષણ આગ લાગી છે. સમાચાર એજન્સી NEXTAએ દાવો કર્યો છે કે યુક્રેનમાં રશિયન મેજર જનરલ આન્દ્રે સુખોવત્સ્કી માર્યા ગયા છે.યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ નિવેદન આપ્યું છે કે યુક્રેન રશિયન સૈનિકોના મૃતદેહોને ઢાંકવા માંગતું નથી. ઝેલેન્સ્કીએ દાવો કર્યો હતો કે યુક્રેનની સેનાએ એક સપ્તાહમાં 9 હજારથી વધુ રશિયન સૈનિકોને માર્યા છે.

વાંચો સમાચાર વિગતવાર

6) સેટેલાઇટ ઇમેજમાં દેખાયો વિનાશ:યુક્રેનનાં ચેર્નિહિવ, સુકાચી, બુકા શહેરમાં ભારે તબાહી, ઘર સળગીને ખાખ થઈ ગયાં

યુક્રેન-રશિયાનું યુદ્ધ સતત આઠમા દિવસે પણ ચાલુ જ છે. રાજધાની કિવ, ખાર્કિવ સહિતનાં અન્ય મોટાં શહેરો પર રશિયાની સેના મિસાઈલથી હુમલો કરી રહી છે. આ દરમિયાન ઉત્તરી કિવથી લગભગ 80 કિલોમીટર દૂર આવેલા ચેર્નિહિવ, સુકાચી, બુકા શહેરની સેટેલાઈટ ઈમેજ બહાર આવી છે. આ તસવીરોમાં વિનાશ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

વાંચો સમાચાર વિગતવાર

7) રહાણે, પૂજારા અને પંડયાનું ડિમોશન:BCCI કોન્ટ્રેક્ટમાં રહાણે અને પૂજારા ગ્રેડ Aથી Bમાં આવ્યા, પંડયાને ગ્રેડ Cમાં મૂકવામાં આવ્યો

ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર થઈ ગયેલા મિડલ ઓર્ડર બેટ્સમેન અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારાને BCCIએ વાર્ષિક કોન્ટ્રેક્ટમાં પણ ડિમોશન આપ્યું છે. આ સાથે ઓલરાઉન્ડર હાર્દિક પંડયાને પણ ઝટકો આપ્યો છે. પહેલાં આ ત્રણ ખેલાડીને ગ્રેડ A કોન્ટ્રેક્ટ મળ્યો હતો. હવે રહાણે અને પૂજારા ગ્રેડ Bમાં આવી ગયા છે. તો પંડયાને ગ્રેડ Cમાં રાખવામાં આવ્યો છે. વિકેટકીપર બેટ્સમેન ઋદ્ધિમાન સાહાને ગ્રેડ Bથી ડિમોટ કરીને ગ્રેડ Cમાં રાખવામાં આવ્યો છે.

વાંચો સમાચાર વિગતવાર

8) ગાજીપુરમાં યોગીએ કહ્યું- સપા-બસપાએ માત્ર કબ્રસ્તાનની બાઉન્ડ્રી વોલ બનાવી છે; ચંદ્રશેખરે બોગસ વોટિંગના આરોપ કર્યા

UPમાં છઠ્ઠા તબક્કાનું મતદાન પૂર્ણ થયું. ગુરુવારે 10 જિલ્લાની 57 સીટ પર મતદાન થયું. સાંજે 5 વાગ્યા સુધીમાં 53.31% મતદાન નોંધાયું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમના 5 મંત્રી સહિત કુલ 676 ઉમેદવારના ભાવી EVMમાં સીલ થઈ ગયા છે. આ ફેઝમાં સૌથી વધુ EVMને લગતી ફરિયાદો મળી. ગોરખપુરમાં યોગી વિરૂદ્ધ ચૂંટણી લડી રહેલા ચંદ્રશેખરે બોગસ વોટિંગનો આરોપ લગાવ્યો.ચૂંટણી દરમિયાન બલિયાથી ભાજપના ઉમેદવાર દયાશંકર સિંહે ટ્વીટ કરીને તેમના કાફલા પર થયેલા હુમલાની જાણકારી આપી હતી. તેમના કાફલા પર દુબહર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના આખારમાં લગભગ 12:30 વાગ્યે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ભાજપના નેતા તુનજી પાઠકના વાહનને નુકસાન થયું હતું.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) રશિયા-યુક્રેન યુદ્ધની અસરથી સનફ્લાવરમાં રૂ. 280, કપાસિયા તેલમાં રૂ.110 અને સીંગતેલમાં રૂ.90નો વધારો 2) સુકો અને ભીનો કચરો અલગ કરવા દરેક ઘરમાં ડસ્ટબીન અપાશે, સોસાયટીના સેક્રેટરીએ મકાનના લિસ્ટ સાથે અરજી કરવી પડશે, AMCએ કરી વ્યવસ્થા 3) અમદાવાદમાં 7 મહિના બાદ NHL મેડિકલ કોલેજના 209 ડોકટરને 50 લાખનું સ્ટાઈપેન્ડ ચૂકવાયું, LGના ડોકટર્સ હજુ વંચિત 4) વડોદરાના ભાયલીની પોસ્ટ ઓફિસના બે નિવૃત અને એક સસ્પેન્ડેડ કર્મચારીએ ગ્રાહકોના માસિક બચતના 20 ખાતામાંથી 7.99 લાખ ઉઠાવી લીધા 5) રાજકોટ બજેટમાં PDU ખાતે 500 બેડની મેટરનિટી હોસ્પિટલ બનાવવા માટે રૂ.14 કરોડની જોગવાઈ, જસદણમાં નવી કોલેજ શરૂ કરાશે 6) સુપ્રીમકોર્ટમાં દાખલ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવાની અરજી, CJIએ પૂછ્યું- શું પુતિનને યુદ્ધ રોકવાનું કહી શકીએ? 7) યુક્રેનના રાષ્ટ્રપતિના શાબ્દિક પ્રહાર:વોલોદિમિર ઝેલેન્સ્કીએ કહ્યું- રશિયાના માત્ર ચાર દોસ્ત, તાનાશાહી વધુ દિવસ સુધી નહિ ચાલે 8) રશિયન સેના યુક્રેની સૈનિકોનાં નિર્દોષ બાળકો અને વૃદ્ધોની હત્યા કરી રહી છે, અત્યારસુધીમાં 2 હજાર સામાન્ય નાગરિકોનાં મોત

આજનો ઈતિહાસ
4 માર્ચ, 1961નાં રોજ ભારતીય નેવીને તેમનું પહેલું વિમાન વાહક શિપ INS વિક્રાંત મળ્યું હતું. વર્ષ 1957માં ભારતે બ્રિટનની રોયલ નેવી પાસેથી અધૂરાં કન્સ્ટ્રક્શનની સાથે ખરીદ્યું હતું. જેનું નિર્માણ 1961માં પૂર્ણ થયું. જે બાદ 4 માર્ચે તેને સેવામં લેવામાં આવ્યું.

અને આજનો સુવિચાર
માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવ સંજ્ઞાને યોગ્ય થાય છે

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...