નમસ્કાર,
આજે બુધવાર છે, તારીખ 11 મે, વૈશાખ સુદ- દશમ
આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં, સામાજિક સંગઠનો સાથે બેઠક બાદ સભા ગજવશે, રાત્રિ રોકાણ કરશે 2) અમદાવાદમાં આજે ગરમીનો પારો 45 ડીગ્રીને પાર જશે, હવામાનની આગાહી
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) દાહોદથી રાહુલ ગાંધીએ કહ્યું, "કોંગ્રેસની સરકાર બનશે, આદિવાસી જે ઇચ્છશે એ ગુજરાત સરકાર કરશે, બે-ત્રણ લોકો નહીં, જનતાનો અવાજ સરકાર ચલાવશે"
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે એમ એમ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. રાહુલ ગાંધી 'આદિવાસી સત્યાગ્રહ રેલી'ને સંબોધન કરવા દાહોદ પહોંચી ગયા છે. રાહુલ ગાંધી જ્યારે આવી પહોંચ્યા હતા ત્યારે સૌએ બે હાથ ઊંચા કરી તેમને આવકાર આપ્યો હતો તેમજ સમગ્ર સભામંડપ જય આદિવાસી, જય જોહર અને લડેંગે-જીતેંગેના નારાથી ગુંજી ઊઠ્યો હતો, જ્યાં પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ સભાને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીનું સ્વાગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર તેમજ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, ગુજરાત ઇન્ચાર્જ રઘુ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. હર્ષદભાઈ નિનામા દ્વારા પરંપરાગત રીતે રાહુલ ગાંધીને ચાંદીનો કંદોરો પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપમાં જવાની અટકળો વચ્ચે પાટીદાર નેતા અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પણ દાહોદની રેલીમાં સ્ટેજ પર હાજર હતા.
2) વડોદરાના વધુ એક સ્વામિનારાયણ મંદિરમાં વિવાદ, મંદિરમાં બે સંતના રહેવા અને પૂજા કરવા મુ્દ્દે બે જૂથ વચ્ચે ઘર્ષણ, સામસામે ફરિયાદ
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં પૂજા-દર્શન કરવા તેમજ સંતો ગેરકાયદે રહેતા હોવાના આક્ષેપ બાબતે બે જૂથ વચ્ચે મારામારી થતાં આ મામલે સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ છે.
3) ઋષિ ભારતીએ યદુનંદને ગુંડો કહ્યો, જવાબમાં યદુનંદે કહ્યું, 'મારા પર આજ સુધી એક કેસ થયો હશે તો, ભગવા કપડાં છોડીને હિમાલય પર જતો રહીશ'
ભારતીબાપુના સરખેજ સ્થિત આશ્રમની સત્તાને લઇને ગુરુ-શિષ્ય વચ્ચે શરૂ થયેલો વિવાદ વણસતો જાય છે. આ વિવાદમાં હરિહરાનંદ ભારતીના શિષ્યે સોમવારે ઝુંકાવ્યું હતું. આ અંગે હરિહરાનંદના શિષ્ય યદુનંદ ભારતીજીએ ગુરુભાઇ ઋષિ ભારતી સામે સરખેજ પોલીસ મથકમાં અરજી કરી છે. એમાં ઋષિ ભારતીએ પ.પૂ. વિશ્વંભર ભારતીજી બાપુના બ્રહ્મલીન થયાના 15 દિવસ બાદ તેમના નામનું બોગસ વિલ ઊભું કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે.
4) બે-બે વખત ઋત્વિજ જોશીએ સૂતરની આંટી પહેરવાનો પ્રયત્ન કર્યો પણ રાહુલ ગાંધીએ હાથ હડસેલી દીધો, નેતાજી ભોંઠા પડી ગયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે. તેઓ દાહોદ પહોંચે તે પહેલા વડોદરા એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ તેમને બે-બે વખત સૂતરની આંટી પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમને સૂતરની આંટી પહેરી નહોતી અને હાથમાં લઇ લીધી હતી. જેને પગલે ઋત્વિજ જોશી ભોંઠા પડી ગયા હતા.
5) રાજકોટમાં દારૂડિયાએ જાહેર રસ્તા પર નર્સને પકડી 10થી વધુ તમાચા ઝીંક્યા, લોકોએ પકડી બરાબરનો મેથીપાક ચખાડ્યો
રાજકોટ શહેરમાં આવારા તત્વો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આજે સવારે મંગળા રોડ પરથી પસાર થઇ રહેલી હોસ્પિટલની નર્સની દારૂના નશામાં ચૂર એક આધેડે જાહેરમાં છેડતી કરી 10થી વધુ તમાચા ઝીક્યાં હતા અને નર્સની સાથે અડપલા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જેને પગલે નર્સે પ્રતિકાર રૂપે આધેડને 3-4 તમાચા ઝીક્યાં હતા. આમ છતાં પણ આધેડે નર્સનો પીછો છોડ્યો ન હતો. બાદમાં લોકોએ એકઠાં થઈ આધેડને પકડી બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.
6) મૂંછોને તાવ આપતા કોર્ટ પહોંચ્યો મંત્રીપુત્ર,આરોપો નક્કી થાય તે પહેલા આશિષે અક્કડ બતાવી, આજે પણ આરોપોની પુષ્ટિ ન થઈ શકી
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા ઉર્ફે મોનુ વિરુદ્ધ આજે આરોપો નક્કી થવાના હતા પરંતુ સુનાવણી 24 મે સુધી ટાળી દેવામાં આવી છે. આશિષના વકીલે ડિસ્ચાર્જ એપ્લિકેશન આપતા દલીલ કરી કે મંત્રીપુત્ર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યને રિસીવ કરવા જઈ રહ્યાં હતા. આ માત્ર એક દુર્ઘટના હતી. તેને સમજી વિચારીને કરવામાં આવેલું ષડયંત્ર ન ગણાવી શકાય. જેના પર ખેડૂતના વકીલ મોહમ્મદ અમાને વાંધો ઉઠાવ્યો હતો. જે બાદ કોર્ટે આગામી ડેટ 24 મે નક્કી કરી છે.
7) દેશદ્રોહના કાયદા પર SCનું કડક વલણ,કેન્દ્રને પૂછ્યું- આ એક્ટ અંતર્ગત નવા કેસ નોંધાશે કે નહીં? આવતીકાલ સુધીમાં જવાબ માંગ્યો
સુપ્રીમ કોર્ટે દેશદ્રોહ કાયદા પર કડક વલણ દેખાડતા કેન્દ્ર સરકારને પૂછ્યું કે શું આ એક્ટમાં હવે કેસ નહીં નોંધાય? કોર્ટે કેન્દ્ર સરકારને 11 મે સુધીનો સમય આપ્યો છે. કોર્ટે વધુમાં કહ્યું- દેશમાં હજુ સુધી કેટલા IPC 124-A એક્ટ અંતર્ગત કેસ છે, તેમનું શું થશે? તે રાજ્ય સરકારને નિર્દેશ કેમ નથી આપતા કે જ્યાં સુધી આ કાયદાને લઈને પુનર્વિચાર પ્રક્રિયા પૂરી નહીં થાય ત્યાં સુધી 124A અંતર્ગતના મામલાઓને સ્થગિત રાખવામાં આવે.
8) શ્રીલંકામાં ભૂતપુર્વ PM મહિંદા રાજપક્ષેએ નેવલ બેઝમાં શરણ લીધી; હિંસામાં અત્યારસુધી 8 લોકોના મોત, ભારત મદદ કરશે
શ્રીલંકામાં આર્થિક કટોકટીનો અસંતોષ હવે ગૃહયુદ્ધ તરફ દોરી શકે છે. સોમવારે વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેએ વિપક્ષના દબાણમાં રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામાથી નારાજ સમર્થકોએ રાજધાની કોલંબોમાં હિંસક ઘટનાઓને અંજામ આપ્યો હતો. ત્યાર પછી તેમના વિરોધીઓ પણ ગુસ્સે થયા હતા. આ હિંસામાં અત્યારસુધી 8 લોકોનાં મોત થયા છે, જ્યારે 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે. કોલંબો નેશનલ હોસ્પિટલે જણાવ્યું કે અત્યારે સારવાર માટે 217 લોકો અહીં દાખલ છે.
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) AUDAએ મકાનના દસ્તાવેજને મંજૂરી આપતાં અમદાવાદની 43 સ્કીમનાં 24 હજાર મકાનની લે-વેચ કે લોનમાં થશે આ ફાયદા 2) રાજકોટમાં SEIT એજયુકેશનના નામે ડિપ્લોમા, કોર્સના બનાવટી સર્ટિફિકેટનું રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપાયું, 1ની ધરપકડ 3) અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં દશેરા અને દિવાળીની વચ્ચે રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાશે 4) સુરતમાં 15 વર્ષના કિશારો સાથે 20 વર્ષના પરિચિતે જાહેર શૌચાલયમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું 5) રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર પૂરપાટ ઝડપે કાર ચલાવતી મહિલાની રાહદારીને ટક્કર, 20 ફૂટ ઢસડાયો 6) તાજમહેલ પછી કુતુબ મિનાર વિવાદ સર્જાયો,અહીં હિન્દુ સંગઠનોએ કર્યા હનુમાન ચાલીસાના પાઠ, નામ બદલી વિષ્ણુ સ્તંભ રાખવાની માગણી 7) પોલેન્ડમાં ગુસ્સે ભરાયેલા લોકોએ રશિયાના રાજદૂત પર કલર ફેક્યો, અમેરિકા યુક્રેનને 40 અબજ ડોલરની મદદ આપશે
આજનો ઈતિહાસ
વર્ષ 1998માં આજના દિવસે રાજસ્થાનના પોખરણમાં ત્રણ પરમાણુ પરીક્ષણ કરવાની જાહેરાત કરી હતી
અને આજનો સુવિચાર
જે લોકો બીજાની ભલાઈ કરવી પસંદ કરે છે તેના ભલા માટે જગતની સર્વ વસ્તુઓ કામ કરે છે
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.