મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:આજે AAP રાજ્યમાં નવા સંગઠનની જાહેરાત કરશે, ગીરગઢડામાં બે ઈંચ, જૂનાગઢમાં પોણો ઈંચ વરસાદ, અમરેલીમાં ધોધમાર વરસાદ

18 દિવસ પહેલા

નમસ્કાર,

આજે રવિવાર છે, તારીખ 12 જૂન, જેઠ સુદ- તેરસ (વટસાવિત્રી વ્રતારંભ)

આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) આજે આમ આદમી પાર્ટી ગુજરાતમાં નવા સંગઠનની જાહેરાત કરશે

2) આજથી 5 દિવસ અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં વરસાદની આગાહી

3) આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આણંદ કૃષિ યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) સોરઠના અનેક વિસ્તારમાં મેઘરાજાએ હેત વરસાવ્યુ, ગીરગઢડામાં બે ઈંચ જ્યારે જૂનાગઢમાં પોણો ઈંચ વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા

સોરઠના વિસાવદર, ગીરગઢડા અને વેરાવળ પંથકમાં આજે મેઘરાજાએ એન્ટ્રી કરી હેત વરસાવ્યું હતું. જેથી રસ્તા પર પાણી વહેતા થવા લાગ્યા હતા. જેમાં વિસાવદર અને ગીરગઢડા પંથકમાં બપોરના સમયે અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. જે બાદ બપોર પછી ફરી દોઢ ઈંચ વરસાદ વરસતા ગીર ગઢડા પંથકમાં આજે 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં પણ પોણો ઈંચ.વરસાદ વરસ્યો હતો.

વાંચો સમાચાર વિગતવાર

2) ભરૂચ ખાતે સુરેન્દ્ર જૈનનું નૂપુર શર્મા મુદ્દે નિવેદન, "કાયદો કાયદાનું કામ કરશે, જુમ્માની નમાઝ બાદના દેખાવો સાંખી લેવાય તેમ નથી"

ભરૂચના બોરભાઠા ખાતે તપોવન આશ્રમ ખાતે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા 10 દિવસીય પરિષદ શિક્ષા વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો આજે અંતિમ દિવસ હતો. જેમાં વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જો કે આ પ્રસંગે તેમણે હિન્દુ મંદિરો હટાવવા અંગે અને ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના વિવાદિત નિવેદન પછી લઘુમતિ સમાજમાં ફાટી નીકળેલા આક્રોષ પર પ્રહારો કર્યા હતા.

વાંચો સમાચાર વિગતવાર

3) 20 વર્ષમાં ભાજપે કોંગ્રેસમાંથી 65 MLA-MPને કેસરિયો પહેરાવ્યો, સ્થાનિક સ્વરાજના 2000થી વધુ હોદ્દેદારો ભાજપમાં આવ્યા

પક્ષપલટાવિરોધી કાયદા છતાં ભારતીય રાજકારણમાં પક્ષપલટાનું કલંક સંપૂર્ણ મિટાવી શકાયું નથી. ગુજરાતમાં છેલ્લાં 50 વર્ષથી આયારામ-ગયારામથી માંડીને લિયારામ-દિયારામ સુધી પક્ષપલટા થતા રહ્યા છે. ગુજરાતમાં છેલ્લાં 25 વર્ષથી એકહથ્થુ શાસન કરી રહેલા ભાજપમાં સત્તા મેળવવા માટે કોંગ્રેસના ધારાસભ્યોનો પણ મોટો ફાળો છે. 2002થી 2022 સુધીનાં 20 વર્ષમાં ભાજપે કોંગ્રેસના 65થી વધુ ધારાસભ્યો અને 2000થી વધુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના ચૂંટાયેલા હોદ્દેદારોની ભાજપમાં ભરતી કરી હતી. એ જોતાં હાલ ભાજપમાં 25 ટકા કોંગ્રેસના આયાતી છે.

વાંચો સમાચાર વિગતવાર

4) અમરેલી જિલ્લાના અનેક પંથકમાં ધોધમાર વરસાદ, વીજપડી ગામની બજારોમાં પાણી ફરી વળ્યાં

રાજ્યના અનેક જિલ્લામાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, જેને પગલે અમરેલી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે આજે સાવરકુંડલા તાલુકાનાં અનેક ગામોમાં વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલાના વીજપડી ગામમાં ધોધમાર વરસાદ વરસતાં રોડ- રસ્તા તેમજ શેરીઓમાં પાણી ફરી વળ્યાં હતાં.

વાંચો સમાચાર વિગતવાર

5) જુમ્માની નમાઝ પછી 3 રાજ્યમાં હોબાળો, હાવડામાં પથ્થરમારો તો રાંચીમાં ઇન્ટરનેટ બંધ; UPનાં 8 શહેરમાં હિંસક પ્રદર્શન, 227ની ધરપકડ

પયગંબર પર કથિત વિવાદાસ્પદ ટિપ્પણી સામે શુક્રવારની નમાઝ બાદ હિંસા ફાટી નીકળી હતી. દેશનાં ત્રણ રાજ્ય- ઉત્તરપ્રદેશ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને ઘણી જગ્યાએ પથ્થરમારાની ઘટનાઓ બની હતી. ઉત્તરપ્રદેશનાં 8 શહેરમાં પ્રયાગરાજ, મુરાદાબાદ, સહારનપુર, ફિરોઝાબાદ, આંબેડકર નગર, હાથરસ, અલીગઢ, જાલૌનમાં લોકોએ હોબાળો મચાવ્યો હતો.

વાંચો સમાચાર વિગતવાર

6) દેશમાં કોરોનાના નવા કેસ 8000ને પાર,24 કલાકમાં 8263 દર્દીઓ મળ્યા, આ વર્ષે નવા કેસનો આ સૌથી મોટો આંક; 3081 સંક્રમિતોની સાથે મહારાષ્ટ્ર ટોપ પર

જૂનના પ્રથમ સપ્તાહમાં દેશમાં કોરોનાએ જોર પકડ્યું છે. છેલ્લા 7 દિવસના ટ્રેન્ડ પર નજર કરીએ તો દેશમાં કોરોનાના દર્દીઓ બમણા થઈ ગયા છે. 4 જૂને દેશમાં 4,270 પોઝિટિવ કેસ હતા. જ્યારે શુક્રવારે, 8,263 નવા કેસ મળી આવ્યા હતા, જે આ વર્ષનો સૌથી મોટો આંક છે. છેલ્લા 24 કલાકમાં 4,200 દર્દીઓ સાજા થયા છે. જ્યારે 10 સંક્રમિતોના મોત થયા છે. આ પહેલા દેશમાં ગુરુવારે 7,584 લોકો પોઝિટિવ મળ્યા હતા અને 24 લોકો મૃત્યુ પામ્યા હતા.

વાંચો સમાચાર વિગતવાર

7) અરુણાચલ પ્રદેશમાં ચીનની સીમા પર ફરજ બજાવતો જવાન 13 દિવસથી ગુમ, સેનાએ પરિવારને માહિતી આપી

અરુણાચલ પ્રદેશમાં ચીનની સરહદ પરથી ભારતીય સેનાનો એક જવાન પ્રકાશ સિંહ રાણા છેલ્લા 13 દિવસથી ગુમ છે. પરિવાર દહેરાદૂનમાં રહે છે. જવાનનો પરિવાર ખૂબ જ પરેશાન છે. 7મી ગઢવાલ રાયફલ્સનો આ જવાન 29મી મેથી ગૂમ છે. સેનાએ આ અંગે જવાનની પત્નીને ફોન પર માહિતી આપી છે. મૂળ રીતે જવાન રુદ્રપ્રયાગ જિલ્લાના ઉખીમઠનો રહેવાસી છે. તે ચીન સીમાથી થાકલા પોસ્ટ પર ફરજ પર હતો. સ્થાનિક ધારાસભ્યએ શુક્રવારે પરિવાર સાથે મુલાકાત કરી હતી

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) જુલાઈની શરૂઆતમાં ભાજપ સરકાર ‘વિકાસ યાત્રા' કાઢશે, 15 દિવસ તાલુકાઓમાં વંદે ગુજરાત વિકાસ રથ ફરશે

2) અમદાવાદમાં દારૂ ઘુસાડવા માટે 7 બૂટલેગરે કણભામાં ગોડાઉન બનાવ્યું, SMCએ 10 લાખનો દારૂ ઝડપ્યો

​​​​​​​3) સુરતથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમ સુધીની સરદાર સન્માન સંકલ્પ યાત્રાનું આયોજન

4) અમદાવાદમાં અજાણ્યા શખસોએ રોડ પર નૂપુર શર્માના પોસ્ટર્સ ચોંટાડી મોઢા પર ચોકડી મારી

​​​​​​​5) વડોદરાના ગોત્રીમાં દારૂની મહેફિલ યોજાય તે પહેલા દરોડા, 7 નબીરાઓ 1.53 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

​​​​​​​6) દુબઇ સ્થિત યુવાનની ઉઘરાણીના ઝઘડામાં મિત્રનું અપહરણ કર્યું, રૂ.2.50 કરોડનો કોરો ચેક માંગ્યો, રાજકોટ પોલીસે 4ને ઝડપ્યાં

​​​​​​​7) પ્રથમ વખત હિન્દી ભાષામાં ઈશ્યુ થશે UNની માહિતી, ભારતની દરખાસ્તને મળી મંજૂરી

8) 18 જૂલાઈના રોજ યોજાનાર રાષ્ટ્રપતિ ચૂંટણીને ધ્યાનમાં રાખી મમતા બેનર્જી વિપક્ષો સાથે બેઠક યોજશે

આજનો ઈતિહાસ
વર્ષ 1975માં આજના દિવસે અલ્હાબાદ હાઈકોર્ટે તે સમયના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને ચૂંટણીમાં સરકારી મશીનરીના ઉપયોગ માટે દોષિત ઠરાવેલા.

અને આજનો સુવિચાર
આવેશ અને ક્રોધને વશમાં કરી લેવાથી શક્તિમાં વધારો થાય છે. આવેશને આત્મબળના રૂપમાં જ પરિવર્તિત કરી શકાય છે

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...