બુટલેગર પાસેથી રૂ.65 હજારની લાંચ લેતા એસીબીના હાથે પકડાયેલા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ધીરુભાઈ પઢેરિયા(જેડી) ના 4 દિવસના રિમાન્ડ મળ્યા છે. જેમાં જેડીએ બુટલેગર પાસેથી લીધેલા પૈસામાંથી કયા પોલીસ અધિકારી અને કર્મચારીને હિસ્સો આપવાનો હતો તેની તપાસ કરવાની છે. આ ઉપરાંત જેડી તપાસમાં સાથ સહકાર આપતો નહીં હોવાથી તેને ગાંધીનગર એફએસએલમાં લઈ જઈ વીડિયો રેકોર્ડિંગ સાથેનું સ્ટેટમેન્ટ પણ લેવામાં આવશે.
એસીબીએ જેડીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરતાં કારણ રજૂ કર્યા હતા કે જેડી છેલ્લા 6 વર્ષથી ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યો છે. આ બુટલેગર સિવાય પણ તેણે અન્ય કયા કયા બુટલેગરો પાસેથી કેટલા પૈસા લીધા છે અને તે પૈસામાંથી કોઈ સ્થાવર કે જંગમ મિલકત વસાવી છે કે નહીં તેની તપાસ કરવાની છે. જ્યારે બુટલેગર પાસેથી પૈસા લેવા આવ્યો ત્યારે જેડી નંબર વગરની એક કાર લઈને આવ્યો હતો તે કાર કોની માલિકીની છે તેની તપાસ કરવાની છે. જેડી અને બુટલેગર વચ્ચે ફોન ઉપર જે પણ વાત થઈ હતી તેની સ્ક્રિપ્ટ જોતાં જેડીએ પૈસા લેવાના ઇરાદે જ બુટલેગરને ફોન કરીને બોલાવ્યો હોવાનું સાબિત થઈ રહ્યું છે. જ્યારે એસીબીના અધિકારીઓની પૂછપરછમાં જેડી જરા પણ સાથ સહકાર આપી રહ્યો નથી તેમજ કોઈપણ માહિતી પણ આપતો નથી.
લાંબા સમયથી પોલીસ ખાતામાં ફરજ બજાવી રહેલા આ પોલીસ કર્મચારી જેડી અને તેના પરિવારના સભ્યોના બેંક એકાઉન્ટ, લોકર તેમજ અન્ય મિલકતોની પણ એસીબી દ્વારા તપાસ કરવામાં આવશે. જેના માટે જેડીને સાથે રાખવામાં આવશે. જેથી તેને રિમાન્ડ ઉપર લઈને સઘન પૂછપરછ કરવામાં આવે તેવી એસીબીના અધિકારીઓ દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને કોર્ટે તારીખ 21 નવેમ્બરના બપોરના 12 વાગ્યા સુધીના જેડીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.