સન્ડે બિગ સ્ટોરીગુજરાતમાં ભાજપને ભાજપના નેતા જ 'નડશે':જૂનાગઢથી લઈને વડોદરા અને બાયડ સુધી 7 નેતાઓએ અપક્ષ ઉમેદવારી કરી, ભાજપે સસ્પેન્ડનું શસ્ત્ર ચલાવ્યું

અમદાવાદ8 દિવસ પહેલાલેખક: સુનિલ પાલડિયા

ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બે તબક્કામાં યોજાનાર આ ચૂંટણીમાં અવનવા આટાપાટા સર્જાયા છે. સૌથી વધુ વિરોધનો સૂર ભાજપમાં ઊઠ્યો છે. ભાજપની 'નો રિપીટ'ની થિયરીના કારણે મોટાભાગના નેતાઓ નારાજ થયા હતા. જેમાંથી 7 જેટલા નેતાઓએ અપક્ષ ઉમેદવારી કરી ભાજપ સામે જ બાંયો ચડાવી છે. જૂનાગઢથી લઈને વડોદરા અને બાયડ સુધી 7 નેતાઓએ અપક્ષ ઉમેદવારી કરી છે. જ્યારે વધુ એક ધારાસભ્યને ભાજપે નિયમ તોડી ટિકિટ આપી બળવો ઠાર્યો છે. ભાજપે આ બળવો ઠારવા માટે ઘણા પ્રયાસ કર્યા હતા. જોકે, હવે ભાજપે સાત જેટલા અગ્રણીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

ચૂંટણી સમયે બળવો થાય જ છે
ચૂંટણી સમયે ટિકિટ ના મળતાં નારાજ નેતાઓ વર્ષો પોતાની વિચારધારાના પક્ષ સાથે છેડો ફાડતા પણ અચકાતા નથી. આવું આ ચૂંટણીમાં પણ જોવા મળ્યું છે. ભાજપ ગુજરાતમાં છેલ્લાં 27 વર્ષથી સત્તામાં છે અને પક્ષનું સંગઠન પણ વ્યાપક છે જેથી ભાજપમાંથી ઉમેદવારી કરવા માટે નાના મોટા અનેક કાર્યકરોની ઇચ્છા હોય છે. સામે પક્ષે વિધાનસભાની બેઠક માત્ર 182 જ છે અને તેટલા ઉમેદવારોને જ ટિકિટ આપી શકાય છે જેથી નેતાઓ નારાજ બને તે સ્વાભાવિક છે.

પાટીલે બળવાખોરોને ચીમકી આપી
સીઆર પાટીલે કહ્યું હતું કે, વિધાનસભાની 182 બેઠકો માટે 4,100 ઉમેદવારોએ ટિકિટની માંગ કરી હતી, આ તમામ ચૂંટણી લડવા માટે સક્ષમ છે. જ્યારે આ જ પ્રકારે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી વખતે 9,000 બેઠકો માટે 2 લાખ લોકોએ ટિકિટ માંગી હતી. જ્યારે બાકી કાર્યકર્તાઓએ નિઃસ્વાર્થભાવથી પક્ષ પ્રત્યે ફરજ બજાવી હતી. ત્યારે મધુ શ્રીવાસ્તવ, દિનેશ પટેલ તેમજ ધવલસિંહ ઝાલાની બળવાખોરીને લઇ પાટીલે ચેતવણી આપતાં કહ્યું કે, હજુ પણ નિર્ણય બદલવાનો સમય છે અને જો તેઓ પીછેહઠ નહીં કરે તો પાર્ટી તેમની વિરુદ્ધ પગલું ભરશે અને તેમને પાર્ટીમાંથી બરખાસ્ત કરી દેવાશે. આજે ભાજપ દ્વારા હર્ષદ વસાવા, અરવિંદ લાડાણી સહિત 7ને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

ભાજપે નિયમ તોડ્યો
આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પોતાના બનાવેલા નિયમને તોડીને 76 વર્ષીય વર્તમાન ધારાસભ્ય યોગેશ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પણ કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યો પર વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મહિલા મતદારોના મત મેળવવા માટે ભાજપે 14 મહિલા ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. આ ચૂંટણીનાં પરિણામ 8 ડિસેમ્બરે આવશે.

મધુ શ્રીવાસ્તવે ચૂંટણી માટે અપક્ષ ઉમેદવારી નોંધાવી.
મધુ શ્રીવાસ્તવે ચૂંટણી માટે અપક્ષ ઉમેદવારી નોંધાવી.

મધુ શ્રીવાસ્તવ
મધુ શ્રીવાસ્તવ વર્ષ 1995થી વાઘોડિયા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે. તેવા સંજોગોમાં ભાજપ પક્ષે ટિકિટ ન આપતા શ્રીવાસ્તવે સ્વતંત્ર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. ત્યારે મધુ શ્રીવાસ્તવે આ મતવિસ્તારમાં પોતાના સમર્થકો સાથે રેલી કાઢી વાઘોડિયાના અન્ય બીજેપી નેતાઓને તેના અભિયાનમાં સામેલ થવા માટે અપીલ કરી હતી. મધુ શ્રીવાસ્તવે ચૂંટણી માટે અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા બાદ કહ્યું હતું કે વાઘોડિયા મતદાતા એ વાતથી સારી રીતે વાકેફ છે કે કોણ તેની સાથે છે. આ સાથે શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, હું જીવનભર ભાજપનો એક નિષ્ઠાવાન નેતા રહ્યો છું અને પાર્ટી સ્થાનિય ચૂંટણીમાં સૌથી નાની સીટો પર પણ જીત મેળવશે તે સુનિશ્વિત કર્યું છે.

શ્રીવાસ્તવે કહ્યું હતું કે, મારી આકરી મહેનતના પરિણામે પક્ષ પાસે વાઘોડિયા તાલુકો અને વડોદરા જિલ્લા પંચાયતમાં બેઠકો છે. ત્યારે હું પક્ષના એ તમામ કાર્યકર્તા અને નેતાઓને અપીલ કરું છું કે મારા કારણે જે ભાજપમાં જોડાયા છે તે મારા અભિયાનમાં સામેલ થાય. ઉલ્લેખનીય છે કે, મધુ શ્રીવાસ્તવની નારાજગીનું કારણ ભાજપ પક્ષે તેમના સ્થાને જિલ્લા એકમ પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપી દીધી છે. મધુ શ્રીવાસ્તવે ભાજપમાંથી રાજીનામું પણ આપી દીધું છે. મધુ શ્રીવાસ્તવને મનાવાવાના પાટીલ સહિતનાએ પ્રયાસ કર્યા હતા. જોકે, મનાવવામાં નિષ્ફળ રહ્યા છે.

દિનેશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી.
દિનેશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી.

દિનેશ પટેલ
પાદરા બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવનાર દિનેશ પટેલ (દિનુ મામા)એ 2007માં પ્રથમ વખત અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને જંગી બહુમતી જીતી ગયા હતા. તે બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. 2012માં ભાજપમાંથી એક વખત ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ વર્ષ-2017માં ચૂંટણી હારી ગયા હતા. ચૂંટણી હારી ગયા બાદ તેઓ પાદરા તાલુકાના વિકાસમાં સતત કાર્યશીલ રહ્યા હતા. પરંતુ, આ વખતે ભાજપ દ્વારા તેઓને ટિકિટ ન આપતા તેમણે બળવો કરીને અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેઓએ ભાજપના સભ્યપદેથી રાજીનામું પણ આપી દીધું હતું.

પાદરામાં દિનેશ પટેલને બદલે પાદરા નગર પાલિકા અધ્યક્ષ વિજયસિંહ ઝાલાને ટિકિટ આપવામાં આવી છે. દિનેશ પટેલ વડોદરા ડેરીના ચેરમેન પણ છે. પાદરા બેઠકના અપક્ષ ઉમેદવાર દિનેશ પટેલ (દિનુ મામા)એ જણાવ્યું હતું કે, 2017માં ચૂંટણી હાર્યા પછી પણ પાંચ વર્ષ જનતાની સેવા કરવામાં કોઇ કચાસ રાખી ન હતી. તેમ છતાં, એકાએક મને ટિકિટ ન મળતા, સરપંચો, નગરપાલિકાના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો તેમજ અસંખ્ય કાર્યકરો સાથેની ચર્ચા-વિચારણા બાદ મેં પાદરા તાલુકાની સેવાર્થે અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યું હતું. આશા અમર હોય છે. તાલુકાની પ્રજાનાં સુખ-દુઃખમાં સાથે રહ્યો છું. હું પાદરા તાલુકાની 1998થી વિધાનસભાની ચૂંટણી લડતો આવ્યો છું. જેમાં બે વખત જીત્યો છું. અને ત્રણ વખત હારી ગયો છું. છતાં, તાલુકાની પ્રજાનો વિશ્વાસ અખંડ રાખ્યો છે. પાદરાના હિત માટે ભાજપમાં ગયા હતો. પાદરામાં વિકાસ કામો પણ કર્યાં છે. ત્યારે આ વખતે પણ મને મતદારો જંગી બહુમતી જિતાડીને વિધાનસભામાં મોકલશે, તેવો મને પૂરો વિશ્વાસ છે.

ધવલસિંહ ઝાલાએ બાયડથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી.
ધવલસિંહ ઝાલાએ બાયડથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી.

ધવલસિંહ ઝાલા
બાયડથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર ધવલસિંહ ઝાલા ઠાકોર સમુદાયના નેતા અલ્પેશ ઠાકોરના નજીકના સહયોગી છે. વર્ષ 2017માં ઝાલાએ કોંગ્રેસ ઉમેદવારના રૂપમાં ચૂંટણી જીતી હતી. જોકે વર્ષ 2019માં ઠાકોર સાથે રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું હતું. ત્યારબાદ તે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં સામેલ થયા હતા. ભાજપે વર્ષ 2019માં ધવલસિંહ ઝાલા અને અલ્પેશ ઠાકોરને પેટાચૂંટણીમાં બાયડ અને રાધનપુર મત વિસ્તારથી મેદાને ઉતાર્યા હતા. જોકે બંને કોંગ્રેસ ઉમેદવાર જસુ પટેલ અને રઘુ દેસાઇ સામે હારી ગયા હતા. આ વખતે બીજેપીએ ધવલસિંહ ઝાલાના સ્થાને બાયડ વિધાનસભા મતવિસ્તારથી ભીખી પરમારને મેદાને ઉતારી છે. બીજેપીના આ નિર્ણયનો ઝાલાએ તેમના સેંકડો સમર્થકો સાથે વિરોધ પ્રદર્શન માટે કમલમ્ ખાતે પહોંચ્યો હતો.

ધવલસિંહ ઝાલાએ 2017માં કોંગ્રેસ પક્ષ તરફથી બાયડ વિધાનસભા માટે ચૂંટણી લડી હતી. તેઓ 5000 ઉપરાંત મતે વિજયી થયા હતા. જોકે બે વર્ષ પછી તેમણે અલ્પેશ ઠાકોર સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. પેટાચૂંટણી ભાજપ પક્ષ તરફથી તેઓ ચૂંટણી લડ્યા હતા. કોંગ્રેસના જશુભાઇ સામે માત્ર 700 જેટલા વોટથી હાર્યા હતા. જેથી તેમનો દાવો હતો કે ભાજપ અને કોંગ્રેસના 1000 જેટલા કાર્યકરો તેમના સમર્થનમાં છે. ધવલસિંહ ઝાલા અપક્ષ ઉમેદવારે વધુમાં જણાવ્યું હતું કે, આજ બાયડ અને માલપુરના લોકો તરફથી મને જે પ્રેમ મળ્યો છે તેને લઈને હું મારું ફોર્મ ભરવા આવેલા હજારો લોકોને નમન કરું છું. મતદારોએ વિચારવું જોઈએ કે, જે રીતે વરસાદી દેડકાં ઉમેદવારી નોંધાવવા આવ્યા છે, ત્યારે જનતાએ વિચારવું જોઈએ કે તેમની વચ્ચે કોણ કામ કરે છે. માત્ર અલ્પેશ ઠાકોરને ટેકો આપવા માટે ભાજપમાં જોડાયેલા ધવલસિંહની હાલત ત્યારે કફોડી થઈ હતી. જ્યારે અલ્પેશને મોડા મોડે ભાજપે ટિકિટ આપી હતી. પરંતુ તેમને ફક્ત આશ્વાસન જ આપ્યું હતું. ધવલસિંહની હાલત 'આજે બડે બે આબરૂ હોકે તેરે કુચે સે હમ નિકલે' જેવી થઈ છે.

જયપ્રકાશ પટેલે લુણાવાડાથી અપક્ષ ઉમેદવારી નોંધાવી.
જયપ્રકાશ પટેલે લુણાવાડાથી અપક્ષ ઉમેદવારી નોંધાવી.

જયપ્રકાશ પુરુષોત્તમ પટેલ
મહીસાગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જયપ્રકાશ પુરુષોત્તમ પટેલે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી તથા પ્રદેશ કારોબારી સભ્ય (આમંત્રિત) પદેથી રાજીનામું આપી દીધું હતું. લુણાવાડા વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. હાલ લુણાવાડા વિધાનસભા ભાજપમાં ભંગાણ થયું છે અને રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે જે.પી.પટેલ સાથે પાર્ટીના અન્ય કેટલાક કાર્યકરો પણ જોડાયેલા છે તેવું તેઓએ જણાવ્યું હતું. હું ચોક્કસ આ વિધાનસભામાંથી વિજય થવાનો છું. આ ઉમેદવારી કરવાનું કારણ ભારતીય જનતા પાર્ટીની સામે મારી કોઈ નારાજગી નથી પણ ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવાર આપ્યો છે એ ઉમેદવારથી નારાજગી છે. મારા સિવાય કોઈ પણ સમાજના કોઈ પણ વ્યક્તિને પાર્ટીએ ટિકિટ આપી હોત તો, મને કોઈ વાંધો ન હતો. મારા કાર્યકર્તાઓ ખૂબ નારાજ થયા.

જયપ્રકાશ પુરુષોત્તમ પટેલ વર્ષ 1991થી ભારતીય જનતા પાર્ટીમાં અત્યાર સુધી સક્રિય સભ્ય હતા. તેઓ પંચમહાલ જિલ્લા યુવા મોરચામાં પૂર્વ મહામંત્રી પણ રહી ચૂક્યા છે. પંચમહાલ જિલ્લામાં યુવા મોરચાના પૂર્વ પ્રમુખ, પંચમહાલ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ (બે ટર્મ) મહીસાગર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ, ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કારોબારી, આમંત્રિત સભ્ય પણ રહી ચૂક્યા છે. પટેલ જયપ્રકાશ પુરુષોત્તમ લેઉઆ પાટીદાર સમાજમાંથી આવે છે. જેમણે 2007માં સંતરામપુર વિધાનસભા બેઠક પરથી ભાજપ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ કોંગ્રેસના પરાજયાંદિત્યસિંહ પરમાર સામે 8807 મતોથી હાર થઈ હતી. બાદમાં સંતરામપુર વિધાનસભા ST અનામત જાહેર થતા જે.પી પટેલે લુણાવાડા વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવવાનું મન બનાવ્યું હતું અને છેલ્લી 2 ટર્મથી લુણાવાડા બેઠકની ટિકિટ માટે દાવેદારી કરી રહ્યા હતા.

માવજી દેસાઈએ ધાનેરા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી.
માવજી દેસાઈએ ધાનેરા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી.

માવજી દેસાઈ
ભાજપ નેતા માવજી દેસાઈએ પણ પક્ષ સાથે છેડો ફાડીને ધાનેરા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ધાનેરા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ માવજી દેસાઈની ટિકિટ કાપતા માવજી દેસાઈએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેમાં માવજી દેસાઈને જિતાડવા માટે ડીસા માર્કેટયાર્ડ ખાતે વેપારીઓ, મહેતાજી, તોલાટ, હમાલ તેમજ મજૂરોની બેઠક યોજાઈ હતી. જેમાં માવજીને જિતાડવા માટે તમામે એક સૂરે સંકલ્પ કર્યો હતો.

માવજી દેસાઈ 2017માં ભાજપના ઉમેદવાર હતા. માવજી દેસાઈની ટિકિટ કપાતા સર્વે સમાજ એકત્ર થયો હતો અને તેમને અપક્ષ ચૂંટણી લડવા માટે આહવાન કર્યું હતું. બનાસકાંઠા જિલ્લાની ધાનેરા બેઠક ભારે ચર્ચામાં રહી છે. આ બેઠક પરથી 2017ની ચૂંટણીમાં માવજી 2000 મતથી હારી ગયા હતા. પરંતુ આ વખતની ચૂંટણીમાં તેમને ભાજપ પક્ષ ટિકિટ આપશે તેવો વિશ્વાસ હતો પરંતુ ભાજપે તેમની ટિકિટ કાપી હતી. તેના બદલે ધાનેરા માર્કેટ યાર્ડના ચેરમેન અને કમિટીના સભ્ય ભગવાન પટેલને ટિકિટ આપી હતી.

હર્ષદ વસાવાએ અપક્ષ ઉમેદવારી કરી.
હર્ષદ વસાવાએ અપક્ષ ઉમેદવારી કરી.

હર્ષદ વસાવા
ભાજપના પ્રદેશ આદિજાતિ મોરચાના અધ્યક્ષ હર્ષદ વસાવાએ ભાજપ સામે બળવો કરી અપક્ષ ફોર્મ ભર્યું છે. હર્ષદ વસાવાની બાદબાકી કરવાનું ભાજપા માટે કપરું પણ સાબિત થાય તો નવાઈ નહી! કારણ પણ સ્પષ્ટ છે કે, હર્ષદ વસાવાની બહુમુખી પ્રતિભા રહી છે. લોકો સાથે કાર્યકરો સાથેનો વાણી-વહેવાર મુખ્ય છે. તેઓ બે વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા પણ છે અને એકપણ વખત ચૂંટણી હાર્યા નથી. જ્યારે તેઓનાં સ્થાને ભાજપાએ પસંદ કરેલા શબ્દશરણ તડવી એક વાર જીત્યા છે અને એકવાર હાર્યા પણ છે.

બીજીવાર પણ હર્ષદ વસાવાએ ટિકિટ માંગી હતી, પરંતુ શબ્દશરણ તડવીને જ 2017માં ભાજપા કાર્યકરોમાં ભારે અસંતોષ છતાં રિપીટ કરાયા હતા અને ભાજપાએ પોતાનો ઉમેદવાર વન મંત્રી હોવા છતાં પણ નાંદોદ વિધાનસભા બેઠક ગુમાવી હતી. કાઁગ્રેસના પીડી વસાવા વિજેતા થયા હતા. આ વખતે પોતે એક પણ વાર ચૂંટણી હાર્યાં નથી, પોતે ગુજરાત પ્રદેશ આદિજાતિ મોર્ચાના પ્રમુખપદે પણ હોય અને રાષ્ટ્રીય આદિજાતિ આયોગના સભ્ય તરીકે પણ સફળ કામગીરી બજાવી હોય તેથી હર્ષદ વસાવા પોતાને જ ટિકિટ મળશેની આશા પક્ષ પાસે રાખતા હતા. પરંતુ જૂથબંધીનો ભોગ બન્યા અને હવે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, ઉમેદવારી નોંધાવવા તેમની સાથે હજારો સમર્થકો સાથે રહ્યા હતા. જોકે હર્ષદ વસાવાએ અપક્ષ ઉમેદવારી તો કરી છે પણ જીત બાદ પોતાની બેઠક કમલમમાં આપવાની વાત આજે જ કરી દીધી છે અને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 25,000 મતોથી વિજય બનવાની આશા પણ વ્યક્ત કરી છે.

અરવિંદ લાડાણીએ કેશોદથી અપક્ષ ઉમેદવારી કરી.
અરવિંદ લાડાણીએ કેશોદથી અપક્ષ ઉમેદવારી કરી.

અરવિંદ લાડાણી
કેશોદ વિધાનસભાની સીટ પર પાટીદાર સમાજના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. કેશોદ ભાજપમાં ગાબડું પડ્યું છે. પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ભાજપ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. કેશોદ વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવાર દેવા માલમને ટિકિટ અપાતા વિવાદ સર્જાયો છે. અરવિંદ લાડાણીએ નારાજગી સાથે રાજીનામું આપું અને હવે અપક્ષમાંથી ઉમેદવારી કરી છે.

અરવિંદ લાડાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 1983થી ભારતીય જનતા પાર્ટીની સેવા કરી છે. 2017 સુધી પાર્ટીએ ધારાસભ્યની ટિકિટ આપતા લોકો વચ્ચે રહી લોકોની સેવા કરી છે. ધારાસભ્યના કાર્યકાળ દરમિયાન 560 કરોડના વિકાસનાં કામો કર્યાં છે. છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ મને આ વખતે ટિકિટ નથી આપી. ભારતીય જનતા પાર્ટીએ હાલના ધારાસભ્ય અને ઉમેદવાર દેવાભાઈ માલમને ટિકિટ આપી છે તો તેમણે કયાં કામો કર્યાં છે ? તે જનતા સારી રીતે જાણે છે. જ્યારે મેં કરેલાં વિકાસનાં કામો ફરી કેશોદ વિધાનસભાના મતવિસ્તારમાં લોકોને મળી રહે તે માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સર્વે સમાજના લોકોએ મને અપક્ષમાંથી ફોર્મ ભરવાનો આગ્રહ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...