આદેશ:રોડને તૂટતાં બચાવવા હવે મ્યુનિ. ઈજનેરોએ ફરજિયાત રોડ પર ઊભા રહેવું પડશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કમિશનરનો આદેશ, પ્લાન્ટ પર પણ જવું પડશે

શહેરમાં રોડ યોગ્ય ગુણવત્તાના બને તેમજ ન તૂટે તે માટે મ્યુનિ. કમિશનરે પરિપત્ર કરી અધિકારીને 21 મુદ્દાઓના ટેસ્ટનો રિપોર્ટ રોડ બનતા હોય ત્યારે તૈયાર કરવા આદેશ આપવામાં આવ્યો છે. મ્યુનિ. કમિશનરે વીકલી રિવ્યૂ મીટિંગમાં પણ એન્જિનિયરોને સ્પષ્ટ આદેશ આપ્યો છેકે, જ્યારે રોડના કામ ચાલુ હોય ત્યારે એક એન્જિનિયરે પ્લાન્ટ પર તથા અન્ય એકે જ્યાં રોડ બની રહ્યો હોય ત્યાં હાજર રહેવું પડશે. તેમજ તેની ગુણવત્તા પર સતત ધ્યાન આપવા પણ સૂચના આપવામાં આ‌વી છે.

મ્યુનિ. કમિશનરે કરેલા પરિપત્રમાં હવે રોડની ગુણવત્તા પર જાહેરહિતમાં યોગ્ય ભાર અપાયો છે. એટલું જ નહીં પણ મ્યુનિ. અધિકારીઓને પરિપત્ર દ્વારા 21 જેટલા ટેસ્ટ તથા રિપોર્ટ તૈયાર કરીને તે તૈયાર કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમાં ખાસ કરીને રોડ બનાવતા પહેલાં ત્યાં સફાઇ થઇ છેકે કેમ? હોટ મિક્સનું તાપમાન પ્લાન્ટ પર અને રોડ પર પથરાયું ત્યારે કેટલું હતું. કેટલું વપરાયું સહિતની વિવિધ વિગતો રજૂ કરવાની છે.

મ્યુનિ. કમિશનરે બુધવારે વીકલી રિવ્યૂ મીટિંગમાં પણ ઇજનેરોને સ્પષ્ટ કહી દીધું હતું કે, જ્યારે રોડનું કામ ચાલી રહ્યું હોય ત્યારે એક ઈજનેરે પ્લાન્ટ પર હાજર રહેવું પડશે અને બીજા એક અધિકારીએ રોડ પર પણ હાજર રહેવું પડશે, જ્યાં સંપુર્ણ પણ કામગીરી પર ધ્યાન રાખવાનું રહેશે. એક અધિકારીએ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ નહીં મળ્યાની વાત કહેતાં જ કમિશનરે સંભળાવ્યું હતુંકે, તમે જ્યારે કામ મૂક્યું ત્યારે બજેટનું ધ્યાને લેવું જોઈતું હતું. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મ્યુનિસિપલ કમિશનરે રાઉન્ડ દરમિયાન સરદારનગરમાંથી હલકી ગુણવત્તાના રોડનું કૌભાંડ પકડી પાડ્યું તું.

અન્ય સમાચારો પણ છે...