મોર્નિંગ ન્યૂઝ બ્રીફઆજે ધો.12ની પૂરક પરીક્ષાનું પરિણામ:રાજ્ય સરકાર રૂ.100માં એક લિટર સિંગતેલ આપશે, પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ ભાજપમાં જોડાશે

અમદાવાદ8 દિવસ પહેલા

નમસ્કાર,
આજે ગુરુવાર, તારીખ 4 ઓગસ્ટ, શ્રાવણ સુદ સાતમ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) ધો.12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થશે.
2) કોંગ્રેસના ઓબ્ઝર્વર અશોક ગેહલોત અમદાવાદ આવશે, ચૂંટણીની રણનીતિ ઘડવા બેઠકો યોજશે.
3) સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે સામાન્ય વરસાદ પડવાની શક્યતા.

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) 200 રૂપિયે લિટર મળતું સિંગતેલ હવે સરકાર માત્ર રૂ.100માં જ આપશે, જરૂરિયાતમંદોની સાતમ-આઠમ અને દિવાળી સુધરશે
ગુજરાત રાજ્યના જરૂરિયાતમંદ 71 લાખ લોકોના તહેવાર સુધારવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. આજ રોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં સરકારે સિંગતેલ અંગે નિર્ણય કર્યો છે, જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર સાતમ-આઠમ અને દિવાળી જેવા તહેવારોમાં NFSA(નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ) કાર્ડધારકોને પ્રતિ લિટર રૂ.100ના ભાવે સિંગતેલ આપશે.

વાંચો સમાચાર વિગતવાર
2) 40 વર્ષથી કોંગ્રેસ સાથે સંકળાયેલા પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ અને પૂર્વ MP રાજુ પરમાર 17 ઓગસ્ટે ભાજપમાં જોડાશે
કોંગ્રેસમાં ચૂંટણી પહેલા સૌથી મોટો ભૂકંપ આવ્યો છે. કોંગ્રેસના સૌથી જૂના નેતા અને પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ તથા પૂર્વ સાંસદ રાજુ પરમાર આગામી 17 ઓગસ્ટે કેસરિયો ખેસ ધારણ કરશે.

વાંચો સમાચાર વિગતવાર

3) સુરેન્દ્રનગરના મેથાણ ગામ પાસે તળાવડીમાં ન્હાવા પડેલા ત્રણ સગા ભાઈ-બહેનો સહિત પાંચના ડૂબી જતાં મોત
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામ નજીક તળાવડીમાં ચાર બાળકી સહિત પાંચના ડૂબી જતાં મોત નિપજ્યા હતા. બાળકીઓ અને બાળક આજે બપોરના સમયે તળાવડીમાં ન્હાવા પડ્યા હતા. ત્યારબાદ તમામ લાપત્તા બન્યા હતા. એક બાળકીના પિતા તળાવ આસપાસ તપાસ કરી રહ્યા હતા ત્યારે જ તળાવમાં મૃતદેહ જોતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેથી એક બાદ એક પાંચેય બાળકોની લાશો મળી આવી હતી.

વાંચો સમાચાર વિગતવાર

4) ગુજરાતમાં કચ્છ, પોરબંદર અને જામનગર બાદ જૂનાગઢના દરિયાકાંઠેથી કોફી કંપનીના નામ સાથે 39 શંકાસ્પદ પેકેટ મળ્યા
ગુજરાતમાં કચ્છ, જામનગર અને પોરબંદર બાદ હવે જૂનાગઢના માંગરોળના દરિયાકાંઠેથી શંકાસ્પદ પેકેટો મળી આવતા ચકચાર મચી છે. આ પેકટોમાં ડ્રગ્સ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. પોલીસે પેકેટની તપાસ માટે FSLમાં મોકલી આપ્યા છે. વધુ બિનવારસી પેકેટ મળવાની સંભાવનાના પગલે જૂનાગઢ પોલીસે દરિયાકાંઠઆ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી.

વાંચો સમાચાર વિગતવાર
5) દિલ્હીની હેરાલ્ડ બિલ્ડિંગમાં યંગ ઈન્ડિયા કંપનીની ઓફિસ સીલ, એક દિવસ પહેલા દરોડો પાડ્યો હતો
નેશનલ હેરાલ્ડ કેસમાં EDએ બુધવારે સતત બીજા દિવસે કાર્યવાહી કરી છે. EDએ દિલ્હીની હેરાલ્ડ બિલ્ડિંગમાં આવેલી યંગ ઈન્ડિયા કંપનીની ઓફિસ સીલ કરી દીધી છે. મની લોન્ડ્રિંગ કેસમાં તપાસ એજન્સીએ આ કાર્યવાહી કરી છે. મંગળવારે જ EDની ટીમે સવારથી મોડી સાંજ સુધી નેશનલ હેરાલ્ડના દિલ્હી, મુંબઈ અને કોલકાતા સહિત 16 ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી સોનિયા અને રાહુલની પૂછપરછ પછી કરાઈ હતી.

વાંચો સમાચાર વિગતવાર
6) 14 મહિનામાં મમતા કેબિનેટનું વિસ્તરણ,9 કેબિનેટ મંત્રીઓએ શપથ લીધા, દીદીએ બાબુલ સુપ્રિયોને ભાજપ છોડવાનું ઈનામ આપ્યું; મંત્રી બનાવ્યા
પશ્ચિમ બંગાળમાં 14 મહિના પછી બુધવારે મમતા બેનરજી કેબિનેટનું બીજી વાર વિસ્તરણ થયું છે. રાજભવનમાં રાજ્યપાલ એલ ગણેશને 9 મંત્રીઓને શપથ અપાવ્યા છે. તેમાંથી 7 કેબિનેટ અને 2 મંત્રી સ્વતંત્ર પ્રભાર છે. મમતાએ વિધાનસભા ચૂંટણી પછી સપ્ટેમ્બર 2021માં ભાજપ છોડી તૃણમૂલમાં આવેલા પૂર્વ સાંસદ બાબુલ સુપ્રિયોને પણ મંત્રી બનાવ્યા છે.

વાંચો સમાચાર વિગતવાર
7) તાઈવાનથી રવાના થયા નેન્સી પેલોસી, હવે સાઉથ કોરિયા જશે; રાષ્ટ્રપતિ વેન સાથે મુલાકાત કરી, કહ્યું- US હંમેશા તાઈવાનનો સાથ આપશે
અમેરિકા સંસદના સ્પીકર નેન્સી પેલોસી તાઈવાનથી રવાના થઈ ગયા છે. તેઓ સાઉથ કોરિયા જઈ રહ્યાં છે. US ડેલિગેશનની સાથે પેલોસી 2 ઓગસ્ટે તાઈપે પહોંચ્યા હતા. બુધવારે તેમને તાઈવાનની સંસદમાં સંબોધન કર્યું. નેન્સીએ રાષ્ટ્રપતિ સાઇ ઈંગે વેન સાથે પણ મુલાકાત કરી. આ દરમિયાન પેલોસીએ કહ્યું- સુરક્ષાના મુદ્દે અમેરિકા તાઈવાનનો સાથ આપશે. અમે દરેક તબક્કે તેમની સાથે છીએ.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) રાજકોટમાં મધરાતે ધાડપાડુઓ અને પોલીસ વચ્ચે ગોળીબાર, લોહીની છોળો ઊડી, 4 ઝડપાયા, 1 PSIને ઇજા.
2) અમદાવાદમાં આંગડિયા પેઢી અને એજન્ટે અમેરિકા મોકલવાના નામે 55 લાખ પડાવ્યા.
3) ગરબાના પાસ પર 18% GST લાગતા સુરતમાં AAPનો ગરબા રમી વિરોધ, કોર્પોરેટર સહિત 50 કાર્યકર્તાઓની ટીંગાટોળી સાથે અટકાયત.
4) કેન્દ્ર સરકારે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ પરત ખેંચ્યું, નવું બિલ લાવશે
5) શ્રીલંકાના રાષ્ટ્રપતિએ ભારતનો આભાર વ્યક્ત કર્યો, વિક્રમસિંઘે કહ્યું- PM મોદીએ અમને બચાવ્યા, ભારત મુશ્કેલીના સમયમાં અમારો સાથી રહ્યો

આજનો ઈતિહાસ
વર્ષ 1956માં આજના દિવસે દેશનું સૌ પ્રથમ પરમાણુ અનુસંધાન રિએક્ટર અપ્સરાની શરૂઆત થઈ હતી.

આજનો સુવિચાર
ઘરનાં સભ્યોનો સ્નેહ ડૉકટરની દવા કરતાંય વધુ લાભદાયી હોય છે:પ્રેમચંદ

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...