લોકરક્ષક દળની ભરતી:LRD ભરતી પાસ થવા ઉમેદવારોએ આ પાંચ કોઠા ભેદવા પડશે, અંતિમ તબક્કા સુધીની પ્રક્રિયા પાસ કર્યા બાદ હાથમાં આવશે સરકારી નોકરી

અમદાવાદ2 મહિનો પહેલા
  • LRDમાં 10,459 જગ્યા માટે કુલ 9.46 લાખ ઉમેદવારો મેદાનમાં

ગુજરાત પોલીસમાં 10,459 જેટલી લોકરક્ષક (LRD) કેડરની ભરતી માટે 9.46 લાખ જેટલા ઉમેદવારો છે, જેમાં 6.92 લાખ પુરુષ અને 2.54 લાખ મહિલાની અરજીઓ કન્ફર્મ થઈ છે. LRD ભરતીની તૈયારી કરતા ઉમેદવારોએ એકલવ્યની જેમ આ પરીક્ષા પાસ કરીને સરકારી નોકરી લેવા માટે પાંચ કોઠા ભેદવા પડશે. જેમાં સૌથી પહેલા શારીરિક કસોટી તથા શારીરિક માપદંડની કસોટી, લેખિત પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને સૌથી છેલ્લે બોડી હેલ્થ ચેક-અપ રહેશે. આ તમામ બાબતોમાં પાસ થનારા ઉમેદવારો LRDના છેલ્લા પડાવ સુધી પહોંચીને નોકરી મેળવી શકશે.

શારીરિક કસોટીમાં પાસ થવાનો પડાવ
લોકરક્ષક દળની ભરતી માટે ફોર્મ ભરનારા ગુજરાતના લાખો ઉમેદવારો હાલમાં શારીરિક કસોટીની તૈયારી માટે મેદાનમાં પરસેવો પાડી રહ્યા છે. ક્યાંક ઉમેદવારો ખેતરમાં ટ્રેક બનાવીને, ક્યાંક બગીચામાં, તો ક્યાંક પોલીસના મેદાનમાં દોડની પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ માટે પુરુષ ઉમેદવારોએ પૂરા 25 માર્ક્સ લેવા માટે 20 મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. વધુમાં 24થી 25 મિનિટની વચ્ચે જો દોડ પૂરી થશે તો માત્ર 10 જ માર્ક્સ મળશે. જ્યારે મહિલા ઉમેદવારોએ પૂરા 25 માર્ક્સ લેવા માટે 7 મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. 9થી 9.30 મિનિટ વચ્ચે દોડ પૂરી કરનારને માત્ર 10 માર્ક્સ મળશે. એક્સ-સર્વિસમેને પૂરા 25 માર્ક્સ લેવા માટે 9.30 મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. 12 અને 12.30 મિનિટ વચ્ચે દોડ પૂરી કરનારને માત્ર 10 માર્ક્સ મળશે, જેથી ઉમેદવારો જેટલા ઓછા સમયમાં દોડ પૂરી કરશે એટલા વધુ માર્ક્સ મળશે અને મેરિટમાં તેને ફાયદો થઈ શકે છે.

આ તસવીર પ્રતિકાત્મક છે
આ તસવીર પ્રતિકાત્મક છે

શારીરિક માપદંડોમાં પાસ થવું જરૂરી
LRDની શારીરિક કસોરીમાં પાસ થનારા ઉમેદવારોની શારીરિક માપદંડની કસોટી લેવામાં આવશે. જેમાં પુરુષ ઉમેદવારોની છાતી, ઊંચાઈ તથા વજનના માપદંડો ધ્યાનમાં લેવામાં આવશે. જ્યારે મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ અને વજનના માપદંડોને ધ્યાનમાં લેવામાં આવશે. આ માપદંડોમાં પાસ થનારા ઉમેદવારોને જ આગળ લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે.

લેખિત પરીક્ષાની થશે ચકાસણી
LRDની શારીરિક કસોટી અને માપદંડોની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. જેમાં 100 MCQ પ્રશ્નો પૂછવામાં આવશે. આ દરેક પ્રશ્નનો 1 માર્ક્સ રહેશે અને પરીક્ષા માટે 2 કલાકનો સમય ઉમેદવારોને આપવામાં આવશે. આ પ્રશ્નપત્રમાં સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો, કમ્પ્યુટર જ્ઞાન, મનોવિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર, માનસિક ક્ષમતા, વિજ્ઞાન તેમજ ભારતના બંધારણના પાયાના સિદ્ધાંતો, ભારતીય ફોજદારી અધિનિયમ 1860, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1976 અને ભારતીય પુરાવા અધિનિયમ-1872ને લગતા પ્રાથમિક પ્રકારના પ્રશ્નોને આવરી લેવાશે.

ડોક્યુમેન્ટ વેરિફિકેશન
આ ઉપરોક્ત ત્રણેય બાબતમાં પાસ થનારા ઉમેદવારોને તેમના મેરિટના માર્ક્સના આધારે ડોક્યુમેન્ટ માટે બોલાવવામાં આવશે. આ માટે ખાલી જગ્યાના બે ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે, જેના આધારે અંતિમ પસંદગી યાદી બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવશે.

બોડી હેલ્થ ચેક-અપ
શારીરિક અને લેખિત પરીક્ષામાં પાસ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ બોડી હેલ્થ ચેક-અપ કરાય છે, જેમાં તેમને રાજ્યની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે, જ્યાં તેમનું બોડી ચેક-અપ થાય છે. એમાં વાંકાં ઢીંચણ, ફૂલેલી છાતી, ત્રાસી આંખ, સપાટ પગ, કાયમની, અતિશય ફૂલેલી નસ, ફૂલેલો અંગૂઠો, સડેલાં અંગ, ચેપી ચામડીના રોગ, કલર બ્લાઈન્ડનેસ સહિતની વસ્તુઓનું ચેક-અપ કરાશે. હોસ્પિટલમાંથી ડોક્ટર ક્લિયરનું સર્ટિફિકેટ આપે એટલે સર્ટિફિકેટ આગળ બતાવવાનું રહેશે.